Get The App

Explainer: મહિલા-વિરોધી નફરતમાંથી જન્મેલો ઘરેલુ આતંકવાદ ‘ઇન્સેલ’ શું છે? અમેરિકા-પશ્ચિમી દેશોને ભારે પડ્યો

Updated: Dec 12th, 2025

GS TEAM

Google News
Google News
Explainer: મહિલા-વિરોધી નફરતમાંથી જન્મેલો ઘરેલુ આતંકવાદ ‘ઇન્સેલ’ શું છે? અમેરિકા-પશ્ચિમી દેશોને ભારે પડ્યો 1 - image


Incel Movement: મહિલાઓ સાથે રોમેન્ટિક કે લૈંગિક સંબંધો સ્થાપિત કરવામાં અસમર્થ પુરુષોના એક સમૂહની વ્યથા આજના ઓનલાઇન જગતમાં એક વિકૃત અને હિંસક ચળવળમાં રૂપાંતરિત થઈ ગઈ છે. ‘ઇન્સેલ’ શબ્દ હવે માત્ર એકલતાનો ઉલ્લેખ નથી કરતો, પણ મહિલાઓ પ્રત્યેના ઊંડા રોષ, નફરત અને કેટલાક કિસ્સામાં હિંસક ઉગ્રવાદનો સૂચક બની ગયો છે. વર્ષ 2025માં આ વિષય અમેરિકાના સીમાડા વટાવીને વૈશ્વિક સ્તરે ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. અમેરિકામાં ‘ઇન્સેલ’ એટલી હદે જોખમી બની ગયું છે કે ત્યાંની સરકાર આવા સમુદાયોને ઘરેલુ આતંકવાદ ગણવા બાબતે ગંભીરતાથી વિચારી રહી છે.

શું છે ‘ઇન્સેલ’ વિચારધારા?

Involuntary celibacy (અનૈચ્છિક બ્રહ્મચર્ય) એ બે શબ્દોના શરૂઆતના અક્ષરો લઈને બનેલો શબ્દ તે ‘ઇન્સેલ’ (Incel). જે પુરુષ એની ઇચ્છા હોવા છતાં સ્ત્રીઓ સાથે જાતીય સંબંધ બાંધી નથી શકતા, તેઓ પોતાને ‘ઇન્સેલ’ એટલે કે ‘અનૈચ્છિક રીતે બ્રહ્મચર્યનો ભોગ બનેલી વ્યક્તિ’ તરીકે ઓળખાવે છે. તેની શરૂઆત પુરુષોની વ્યથા તરીકે થઈ હતી, પરંતુ સમય જતાં એ મહિલાઓ પ્રત્યેની નફરતમાં ફેલાઈ ગઈ છે. ઇન્સેલ પુરુષો માને છે કે એમના જીવનની અધૂરપ માટે મહિલાઓ જવાબદાર છે કારણ કે, મહિલાઓ hypergamy (હાયપરગેમી) હોવાથી તેઓ વધુ સફળ, દેખાવડા અને ધનિક પુરુષોને જ પસંદ કરે છે, જેના લીધે સામાન્ય પુરુષો મહિલાઓના સંગથી વંચિત રહી જાય છે. આવા પુરુષો જાતીય સંબંધને પોતાનો અધિકાર માને છે અને મહિલાની મરજી ન હોય તો પણ એણે પુરુષના અધિકારનું માન રાખીને સંબંધ બાંધવો જોઈએ, એવી માનસિકતા ધરાવતા હોય છે. 

આ પણ વાંચો: યુદ્ધની તૈયારી કરી રહેલા ટ્રમ્પનું પુતિને ટેન્શન વધાર્યું, વેનેઝુએલાના પ્રમુખને સમર્થન કર્યું જાહેર

સહાનુભૂતિથી હિંસા સુધીનું પરિવર્તન કેવી રીતે આવ્યું?

‘ઇન્સેલ’ની શરૂઆત 1990ના દાયકાની અંતમાં એક સકારાત્મક હેતુથી થઈ હતી. કેનેડિયન મહિલા એલનાએ ‘એલનાઝ ઇન્સેલ’ નામની વેબસાઇટ બનાવી હતી, જ્યાં પ્રેમ અને સંબંધોમાં મુશ્કેલી અનુભવતા પુરુષો અને સ્ત્રીઓ તેમના અનુભવો શેર કરી શકતા હતા. ‘ઇન્સેલ’ શબ્દનો પ્રથમ ઉપયોગ અહીંથી જ થયો. સમય જતાં આ પ્લેટફોર્મનો સ્વર બદલાયો. અગાઉ એકમેક પ્રત્યે સહાનુભૂતિ દાખવતા એકલપુરુષો હવે સ્વસ્થ ચર્ચા કરવાને બદલે તેમની અંગત સમસ્યાઓ અને તૂટેલા સંબંધો માટે મહિલાઓ પર દોષારોપણ કરવા લાગ્યા. ઇન્સેલ ગ્રૂપ્સમાં મહિલાઓ વિશે ઘસાતું લખવા-બોલવાનું શરૂ થયું. ઓનલાઇનના જમાનામાં અભિવ્યક્તિનો વિશ્વવ્યાપી મંચ મળી જતાં ઇન્સેલ પ્રવૃત્તિ બેફામ થવા લાગી. વાત ચર્ચા કે ટીકાથી ક્યાંય આગળ વધીને મહિલાઓ પર હિંસક હુમલા સુધી પહોંચી ગઈ.

ઇન્સેલ પ્રેરિત હિંસક હુમલા

છેલ્લા થોડા વર્ષોમાં ઇન્સેલ ફોરમ્સ માત્ર વાતચીત સુધી સીમિત નથી રહ્યા. આ વિચારધારાએ પુરુષોને કેવા જઘન્ય હિંસક અપરાધો કરવા પ્રેર્યા એના અમુક ઉદાહરણો જોઈએ. 

• ટોરોન્ટો વાન હુમલો, 2018: પોતાને ઇન્સેલ તરીકે ઓળખાવનાર કેનેડાના એક યુવાને ટોરોન્ટોમાં એક વાન નીચે 10 લોકોની કચડી માર્યા હતા અને 16ને ઈજા પહોંચાડી હતી.

• ઇસ્લા વિસ્ટા ગોળીબાર, 2014: એલિયોટ રોડજરે કેલિફોર્નિયાની ઇસ્લા વિસ્ટામાં છ લોકોની હત્યા કરી અને 14 ને ઈજા પહોંચાડી, જેમાં મહિલા વિદ્યાર્થીઓ પણ હતી. તેણે હુમલા પહેલાં ‘માઈ ટ્વિસ્ટડ વર્લ્ડ’ નામનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં મહિલાઓ પ્રત્યેનો તેનો રોષ વ્યક્ત કર્યો હતો.

• તલ્લાહસી યોગા સ્ટુડિઓ શૂટિંગ, 2018: સ્કોટ બિઅરલે નામના પુરુષે ફ્લોરિડાની એક યોગા સ્ટુડિઓમાં બે મહિલાની હત્યા કરી અને પાંચને ઈજા પહોંચાડી. આ ગુનો કરતા પહેલા તેણે ઓનલાઇન ઇન્સેલ સમુદાયોમાં મહિલાઓ પ્રત્યેની નફરત દર્શાવી હતી. 

• જર્મનીમાં એક ઓનલાઈન ઇન્સેલ ફોરમ પર સક્રિય એક પુરુષે મહિલાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પકડાઈ ગયો.

આ ઘટનાઓ સ્પષ્ટ કરે છે કે સોશિયલ મીડિયામાં ઝેર ઓકવું કે હિંસક વાણીવિલાસ કરવો વાસ્તવિક જગતમાં ઘાતક પરિણામો લાવી શકે છે.

ઇન્સેલ સમુદાયો સામે કાનૂની કાર્યવાહી

હિંસાની આ ઘટનાઓના પગલે વિશ્વભરની સરકારોએ ઇન્સેલ સમુદાયો તરફ ધ્યાન આપ્યું છે. કેટલાક દેશો કડક પગલાં ભરી રહ્યા છે:

• તૂર્કિયે: તૂર્કિયે ઇન્સેલ ફોરમ્સ અને વેબસાઇટ્સને ‘ખતરનાક સંગઠનો’ ગણાવીને તેમને બ્લોક કરી દીધાં છે. ત્યાંના ફોરમ્સ પર સાયબર-બુલિંગ, જાતીય દુર્વ્યવહારની ધમકીઓ અને હિંસક ભાષા વ્યાપક રીતે પ્રચલિત હોવાના કારણે આ પગલું ભરાયું છે.

• રશિયા: ઇન્સેલ સમુદાયો સક્રિય હોય એવા કેટલાક સોશિયલ મીડિયા અને ચેટ પ્લેટફોર્મ્સ પર રશિયાએ પણ પ્રતિબંધ મૂક્યો છે. મોસ્કો સરકાર આવી સામગ્રીને ‘ઉગ્રવાદી’ અને સમાજ માટે ખતરો ગણાવે છે.

આ પણ વાંચો: Explainer: ‘લક્ઝમબર્ગ’ની સુખાકારીનું રહસ્ય, જાણો એક સમયે જ્યાં કોઈને રહેવું ન હતું, ત્યાં રહેવા માટે આજે ધનવાનો આતુર કેમ છે

અમેરિકામાં ઘરેલુ આતંકવાદ ગણવાની માંગ 

જ્યાં ઇન્સેલ-સંબંધિત હિંસક ઘટનાઓ મોટેપાયે બની છે, એવા અમેરિકામાં પણ આ મુદ્દાએ ગંભીર રૂપ ધારણ કરી લીધું છે. હાલ ઇન્સેલ સંગઠનો સત્તાવાર રીતે ‘આતંકવાદી સંગઠન’ ગણાતા નથી. જો કે FBI અને ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS) જેવી સુરક્ષા એજન્સીઓ ઇન્સેલ વિચારધારાને ઘરેલુ આતંકવાદ જેવો ખતરો ગણાવી રહી છે.

નફરતનો ગુનો 

અમેરિકાની સુરક્ષા એજન્સીઓના રિપોર્ટસમાં ઇન્સેલ્સ સહિતના ‘સંભવિત હિંસક અતિવાદીઓ’ વિશે ચેતવણી અપાઈ છે. એવું મનાય છે કે ઓનલાઇન ફોરમ્સ પર ‘રેડિકલાઇઝેશન’ (કટ્ટરપંથીકરણ) થાય છે, જ્યાં યુવાન પુરુષોની અસંતોષની લાગણીને હિંસક વિચારધારામાં પરિવર્તિત કરાય છે. તેથી ઇન્સેલ-પ્રેરિત હિંસાને ફેડરલ ડોમેસ્ટિક ટેરરિઝમ એક્ટ હેઠળ મૂકવાની શક્યતા વધી રહી છે. વધુમાં જો કોઈ વ્યક્તિ કે જૂથ મહિલાઓ સામે હિંસા ફેલાવવા અથવા ધમકીઓ આપવા માટે સંગઠિત થાય, તો તેને રાજ્ય-સ્તરે ‘નફરતનો ગુનો’ પણ ગણી શકાય, જેમાં ઓનલાઇન ઉશ્કેરણી અને ધમકીઓનો પણ સમાવેશ થાય છે.

નવા જમાનાનું નવું સામાજિક-ડિજિટલ સંકટ

ઇન્સેલ વિચારધારા એ માત્ર એક ઓનલાઇન વલણ નથી; તે સમાજમાં પુરુષો અને મહિલાઓ વચ્ચેના સંબંધો, એકલતાની આધુનિક સમસ્યા અને ડિજિટલ જગતમાં કટ્ટરપંથીકરણના ગંભીર ખતરાને સ્પર્શતું જટિલ સામાજિક સંકટ છે. આ વિચારધારાએ અસંખ્ય હિંસક ઘટનાઓને પ્રેરિત કરી છે, જેથી વિશ્વભરની સરકારોને સજ્જ થવું પડ્યું છે. અમેરિકામાં તેને ઘરેલુ આતંકવાદના ખતરો ગણવાની ચર્ચા ચાલી રહી છે, જે સૂચવે છે કે આ સમસ્યા હવે માત્ર સોશિયલ મીડિયા મૉડરેશનનો મુદ્દો નથી રહી, પણ રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર સલામતીનો ગંભીર પ્રશ્ન બની ગઈ છે. આના સમાધાન માટે માનસિક આરોગ્ય સેવાઓ, શૈક્ષણિક દ્રષ્ટિકોણ, ઓનલાઇન પ્લેટફોર્મની જવાબદારી અને કાનૂની કાર્યવાહીનું સંતુલિત મિશ્રણ જરૂરી છે.