From Poverty to Global Prosperity: The Inspiring Rise of Luxembourg | એક સમયે ગરીબીની હાડમારી વેઠતો, માણસોના સ્થળાંતરનો સામનો કરતો યુરોપિયન દેશ ‘લક્ઝમબર્ગ’ આજે વિશ્વમાં ઉચ્ચ જીવન ગુણવત્તામાં ટોચનું સ્થાન ધરાવે છે. 'વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ' દ્વારા તાજેતરમાં જાહેર અહેવાલ પ્રમાણે લક્ઝમબર્ગે સલામતી, આરોગ્ય, પોષણ અને સંતોષના માપદંડો પર પહેલા ક્રમે સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભૂતકાળમાં જ્યાં લોકો રોજગાર અને સુખી જીવનની શોધમાં લક્ઝમબર્ગ છોડી દેતા હતા, તેઓ આજે એ જ દેશમાં સ્થાયી થવા માટેની વિશ્વભરના લોકોમાં હોડ મચી છે.
વિભિન્ન સામ્રાજ્યોની છાયા હેઠળ વીતેલો ભૂતકાળ
લક્ઝમબર્ગ શરૂઆતમાં ફક્ત એક કિલ્લો હતો. મધ્યયુગમાં તે વિવિધ યુરોપિયન સામ્રાજ્યના નિયંત્રણ હેઠળ આવ્યો. તેનું ભૂગોળીય સ્થાન જર્મની, ફ્રાંસ અને બેલ્જિયમ જેવા યુરોપના ત્રણ મહત્ત્વના અને મોટા દેશો વચ્ચે હોવાથી તે સતત રાજકીય અને લશ્કરી સંઘર્ષોનું કેન્દ્ર બનતું રહ્યું. સદીઓ સુધી આ પડોશી દેશોએ લક્ઝમબર્ગને 'પ્રોક્સી યુદ્ધો'નું મેદાન બનાવ્યું, જેના કારણે ત્યાંની રાજકીય અસ્થિરતા અને આર્થિક સ્થિતિમાં કોઈ ખાસ સુધારો થયો નહીં.

19મી સદીનું સંકટ: ગરીબીને પાપે મોટા પાયે સ્થળાંતર
19મી સદીમાં લક્ઝમબર્ગની સ્થિતિ વધુ ગંભીર બની. કદની રીતે નાનકડા લક્ઝમબર્ગનું અર્થતંત્ર મુખ્યત્વે થોડીઘણી જમીનમાં ખેતી પર ટકેલું હતું. ઔદ્યોગિકીકરણ તો નગણ્ય હતું. એક તબક્કે વસ્તી વધારાને કારણે લક્ઝમબર્ગની થોડી જમીન પર દબાણ વધી ગયું. વધુમાં, ત્યાં ત્રાટકેલા ગંભીર દુષ્કાળે સ્થિતિ વધુ વિકટ બનાવી. પરિણામે લક્ઝમબર્ગમાં મોટા પાયે સ્થળાંતર શરૂ થયું. ગરીબી અને અનિશ્ચિત ભવિષ્યથી છુટકારો મેળવવા હજારો લોકો દેશ છોડી ગયા. ઘણાં લોકો નવી તકોની શોધમાં અમેરિકા ગયા, તો ઘણાં ફ્રાંસ અને બેલ્જિયમ જેવા ઝડપથી ઔદ્યોગિકીકરણ પામી રહેલા પડોશી દેશોમાં સ્થાયી થઈ ગયા. એ સમયે લક્ઝમબર્ગ યુરોપના સૌથી ગરીબ દેશો પૈકીનો એક ગણાતો હતો.
20મી સદીમાં લોખંડ અને સ્ટીલથી આર્થિક પુનઃસ્થાપના
20મી સદીની શરૂઆતમાં લક્ઝમબર્ગનું નસીબ બદલાયું. દેશમાં મોટા પ્રમાણમાં લોખંડ અને સ્ટીલના ભંડાર શોધાયા. આ સંસાધનોએ ઔદ્યોગિક વિકાસ માટેનો પાયો નાંખ્યો. સ્ટીલ ઉદ્યોગ ઝડપથી વિકસિત થયો, રોજગારના નવા અવસરો બન્યા. બીજા વિશ્વયુદ્ધ પછીના પુનઃનિર્માણ દરમિયાન લક્ઝમબર્ગનો સ્ટીલ ઉદ્યોગ યુરોપમાં એક મહત્ત્વપૂર્ણ શક્તિ બનીને ઉભર્યો.

1980માં થયો વૈશ્વિક નાણાકીય કેન્દ્રનો ઉદય
લક્ઝમબર્ગે 1980ના દાયકામાં પોતાને વૈશ્વિક નાણાકીય કેન્દ્ર તરીકે વિકસિત કરવાનું શરૂ કર્યું. સરકારે ઉદાર બૅન્કિંગ નિયમો અને આકર્ષક કર માળખા દ્વારા વૈશ્વિક રોકાણ અને બૅન્કિંગને આમંત્રણ આપ્યું. આ વ્યૂહરચના અત્યંત સફળ રહી. ટૂંક સમયમાં અનેક આંતરરાષ્ટ્રીય બેંકો અને વીમા કંપનીઓએ લક્ઝમબર્ગમાં ઓફિસો સ્થાપી. આ પરિવર્તનથી મોટી માત્રામાં નોકરીઓનું સર્જન થયું, આર્થિક સમૃદ્ધિનો લાભ સામાન્ય નાગરિકો સુધી પહોંચ્યો, જેનાથી દેશની માથાદીઠ આવક (GDP per capita) વિશ્વમાં સૌથી ઊંચી હોવાના સ્તરે પહોંચી ગઈ.

જીવનશૈલીના શ્રેષ્ઠ માપદંડો ધરાવતું આજનું લક્ઝમબર્ગ
'વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ' જેવા સ્વતંત્ર સંશોધનો દર્શાવે છે કે લક્ઝમબર્ગની સફળતા માત્ર આર્થિક સંપન્નતા સુધી મર્યાદિત નથી. આજે, એ દેશ વિશ્વમાં રહેવા માટેની સૌથી શ્રેષ્ઠ જગ્યા તરીકે ઉભરી આવ્યો છે, જેના મુખ્ય કારણ આ છે:
1. ઉત્તમ આરોગ્ય સંભાળ: સરકાર આરોગ્ય પર ઉદારતાથી ખર્ચ કરે છે. પરિણામે ઉચ્ચ-ગુણવત્તાવાળી સુવિધાઓ અને જાહેર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ છે.
2. મજબૂત સુરક્ષા: દેશને ઉચ્ચ સુરક્ષા સ્કોર (100 માંથી લગભગ 70) છે, જે ગુનાખોરીનો દર ઓછો હોવાનું સૂચન કરે છે.
3. સંતુલિત રહેઠાણ ખર્ચ: અન્ય શ્રેષ્ઠ દેશોની તુલનામાં રહેણાકનો ખર્ચ તુલનાત્મક રીતે સંતુલિત છે.
4. આનંદદાયક હવામાન: લક્ઝમબર્ગના લોકો ત્યાંના હવામાનથી સૌથી વધુ સંતુષ્ટ છે. ખુશનુમા વાતાવરણ અને લીલાછમ વિસ્તારો ધરાવતા આ દેશમાં ઉનાળામાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી જ હોય છે.
લક્ઝમબર્ગમાં સ્થળાંતર તો ચાલુ છે, પરંતુ ઊંધી દિશામાં
19મી સદીમાં લોકો લક્ઝમબર્ગ છોડીને જતા હતા, પરંતુ હવે બહારથી આવીને લોકો લક્ઝમબર્ગમાં વસી જાય છે. યુરોપમાં સૌથી વધુ વિદેશી નાગરિકોનું વસ્તી પ્રમાણ (લગભગ 48%) લક્ઝમબર્ગ ધરાવે છે. એટલે કે અહીં દર બેમાંથી એક વ્યક્તિ વિદેશી છે. યુરોપિયન દેશો ઉપરાંત અમેરિકા અને અન્ય દેશના લોકો પણ ઉચ્ચ જીવનધોરણ, સારી નોકરીઓ અને સુરક્ષિત વાતાવરણના આકર્ષણથી લક્ઝમબર્ગને પોતાનું ઘર બનાવી રહ્યા છે.

સંકલ્પશીલતા અને વ્યૂહરચનાની સફળતાની કહાણી
સંસાધન-વિનાના દેશે સંકલ્પશીલતા, વ્યવહારુ નીતિઓ અને વૈશ્વિક તકોનો લાભ લેવાની ક્ષમતા દ્વારા કેવી રીતે સંપૂર્ણ પરિવર્તન સાધ્યું એની પ્રેરણાદાયી મિસાલ એટલે લક્ઝમબર્ગ. ખેતી પર આધારિત ગરીબ અર્થતંત્રથી શરૂઆત કરી, સ્ટીલ ઉદ્યોગમાં પ્રગતિ કરી અને અંતે વિશ્વના અગ્રણી નાણાકીય કેન્દ્રોમાંનું એક બનવા સુધીની તેની યાત્રા અદ્ભુત છે. આજે, લક્ઝમબર્ગ માત્ર આર્થિક સમૃદ્ધિ જ નહીં, પરંતુ ઉચ્ચ જીવનગુણવત્તા, સામાજિક સુરક્ષા અને પર્યાવરણીય સંતુલન પ્રદાન કરે છે.
લક્ઝમબર્ગ આંકડામાં
રાજધાની- લક્ઝમબર્ગ સિટી.
વિસ્તાર- ફક્ત 2,586 ચોરસ કિલોમીટર. (ગોવા 3,702 ચો.કિ.મી.માં ફેલાયેલું છે)
વસ્તી- 6,80,453
માથાદીઠ આવક- 1,31,380 અમેરિકન ડૉલર.
લક્ઝમબર્ગમાં મજૂરી થકી લઘુતમ આવક- 2,571 યુરો (રૂ. 2,71,908 પ્રતિ માસ)
Photos : Envato


