યુએનના નકશામાં અક્સાઇ ચીન અને અરુણાચલને ભારતથી અલગ દેખાડાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ભારતે સમર્થન જાહેર કર્યું હતું તે નવા વૈશ્વિક નકશામાં ભારતને જ ઝટકો
- સંયુક્ત રાષ્ટ્રના નકશામાં ભારત અને ચીનની સરહદોની નજીક આ બન્ને વિસ્તારોને દેખાડીને સ્વતંત્ર પ્રાંત દર્શાવાયા
- નકશામાં અક્સાઇ ચીનના પશ્ચિમમાં ભારત જ્યારે પૂર્વમાં ચીનની સરહદ, અરુણાચલની એકબાજુ આસામ જ્યારે બીજી તરફ ચીન
- ભારત અને પાક. વચ્ચેની એલઓસીને ડોટ રેખા તરીકે દર્શાવાઇ
સંયુક્ત રાષ્ટ્રો/નવી દિલ્હી : સંયુક્ત રાષ્ટ્રએ વિશ્વનો નકશો બદલી નાખ્યો છે, જે નવો નકશો જાહેર કરવામાં આવ્યો તેને ભારત દ્વારા પણ સમર્થન જાહેર કરાયું હતું. જોકે હવે આ નકશામાં ભારતને જ સંયુક્ત રાષ્ટ્રએ ઝટકો આપ્યો છે. કેમ કે નવા વૈશ્વિક નકશામાં ભારતના અક્સાઇ ચીન અને અરુણાચલ પ્રદેશ બન્નેને ભારતથી અલગ કરીને દર્શાવાયા છે, એટલુ જ નહીં ભારતના આ બન્ને વિસ્તારોને સ્વતંત્ર દેખાડવામાં આવ્યા છે. અગાઉ ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં આ નકશાને સાચો ગણાવીને તેનું સમર્થન કર્યું હતું. જોકે હવે નકશામાં મોટી ભુલ સામે આવી છે.
તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વનો નવો નકશો જાહેર કરવામાં આવ્યો હતો, જોકે નવા નકશા માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો, જેને ભારત સહિત ૧૬૦ કરતા વધુ દેશોએ સમર્થન આપ્યું હતું. માત્ર અમેરિકા દ્વારા જ તેનો વિરોધ કરાયો હતો કેમ કે નવા નકશામાં આફ્રિકાને અમેરિકા કરતા મોટું દેખાડવામાં આવ્યું છે. હવે જ્યારે નકશો સામે આવ્યો છે ત્યારે સંયુક્ત રાષ્ટ્રએ ભારતને ઝટકો આપ્યો છે. ચીન વારંવાર ભારતના જે અરુણાચલ પ્રદેશ પર દાવો કરતું આવ્યું છે તેને સંયુક્ત રાષ્ટ્રના આ નકશામાં ભારતથી અલગ કરીને એક સ્વાયત પ્રાંત તરીકે દર્શાવવામાં આવ્યું છે. એટલુ જ નહીં ભારતના લદ્દાખનો હિસ્સો અક્સાઇ ચીનને પણ આ નવા નકશામાં ભારતથી અલગ દર્શાવવામાં આવ્યું છે. વિશ્વના નવા નકશામાં એક ટપકાવાળી લાઇન દેખાડવામાં આવી છે, આ લાઇન ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ કાશ્મીર વિભાજીત કરનારી એલઓસીને દર્શાવી રહી છે. નવા નકશામાં અરુણાચલ પ્રદેશની નાગાલેન્ડ સાથેની સરહદને હટાવી દેવામાં આવી છે. અને આ ક્ષેત્રને આસામ તેમજ ચીનની સરહદો સાથે જોડાયેલા એક સ્વતંત્ર રાજ્ય તરીકે દર્શાવવામાં આવ્યું છે. તેવી જ રીતે નકશામાં અક્સાઇ ચીનને એક સ્વતંત્ર ક્ષેત્ર જાહેર કરાયો છે. જેની પશ્ચિમી સરહદ ભારત જ્યારે પૂર્વી સરહદ ચીન સાથે જોડાયેલી દર્શાવાઇ છે. અક્સાઇ ચીન લદ્દાખનો જ એક અભિન્ન હિસ્સો છે.




