World

રશિયા પર યુક્રેનનો ડ્રોન-મિસાઈલથી સૌથી મોટો હવાઈ હુમલો : 6નાં મોત

By GS Team
16 Aug 20262 mins read
TukuTouch Logo
યુક્રેને છેલ્લા બે દિવસમાં રશિયા પર હજારો ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો, જે 4 વર્ષના યુદ્ધનો સૌથી મોટો હવાઈ હુમલો હતો. યુક્રેને મોસ્કો રિજનમાં વાઈલ્ડબેરીઝના ગોદામો પર હુમલો કરી અબજો ડોલરનો સામાન બાળી નાખ્યો. આ હુમલામાં રશિયામાં કુલ 6 લોકોના મોત થયા, જેમાં 83 વર્ષના એક નાગરિકનો પણ સમાવેશ થાય છે. યુક્રેને 150થી વધુ ડ્રોનથી હુમલો કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

રશિયા પર યુક્રેનનો ડ્રોન-મિસાઈલથી સૌથી મોટો હવાઈ હુમલો : 6નાં મોત

(પીટીઆઈ) મોસ્કો : યુક્રેને છેલ્લા બે દિવસમાં રશિયામાં સરદથી છેક મોસ્કો સુધી હજારો ડ્રોન્સ અને મિસાઈલનો મારો કરીને ચાર વર્ષના યુદ્ધમાં અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો હતો. યુક્રેન આ વર્ષે બચાવના બદલે આક્રમણની સ્થિતિમાં આવી ગયું છે અને લાંબા અતરના મિસાઈલ્સ અને સ્વાર્મ ડ્રોનથી ૧૫૦૦થી ૨૦૦૦ કિ.મી. દૂરથી રશિયન સૈન્ય ઉદ્યોગ અને એનર્જી સુવિધાઓને નિશાન બનાવી રહ્યું છે, જેના પગલે અત્યાર સુધી યુક્રેનમાં લડાતું યુદ્ધ હવે રશિયાની સરહદ જ નહીં મોસ્કોમાં પ્રમુખ પુતિનના ઘર સુધી પહોંચી ગયં છે.
યુક્રેનના સૈન્યે રવિવારે મોસ્કો રિજનમાં વાઈલ્ડબેરીઝના મોટા ગોદામો પર પણ હવાઈ હુમલો કર્યો હતો. તેનાથી રશિયાની સૌથી મોટી ઓનલાઈન રિટેલ કંપનીના અબજો ડોલરનો સામાન સળગીને ખાખ થઈ ગયો. મોસ્કો વિસ્તારમાં યુક્રેનનું ડ્રોન એક નાગરિકના ઘરને અથડાતા ૮૩ વર્ષના એક વ્યક્તિનું મોત થઈ ગયું. યુક્રેનના આ હુમલામાં રશિયામાં કુલ છ વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં.
યુક્રેનના હુમલાની પુષ્ટી કરતા ગવર્નર યુરી સ્લ્યૂસારે કહ્યું કે, રશિયાના દક્ષિણ-પશ્ચિમ રોસ્તોવ વિસ્તારના ત્રણ શહેરોમાં ડ્રોન હુમલા થયા હતા, જેમાં પાંચ લોકોનાં મોત થયા હતા. યુક્રેને ૧૫૦થી વધુ ડ્રોનથી કરેલા આ હુમલામાં અનેક ઘર અને એક રેલવે સ્ટેશનને ભારે નુકસાન થયું હતું અને જંગલમાં આગ લાગી ગઈ હતી.
યુક્રેન પર રશિયાએ ફેબુ્રઆરી ૨૦૨૨માં આક્રમણ શરૂ કર્યા પછી અત્યાર સુધીમાં પહેલી વખત હવે રશિયન જનતા પણ યુદ્ધની ભયાનક્તા અને યુક્રેનના આક્રમણનો સામનો કરી રહી છે. યુક્રેને શનિવારે પણ દક્ષિણ-પશ્ચિમ સમારા ક્ષેત્રમાં વ્યાપક સ્તરે ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા હતા. સમારાના પ્રમુખ ઈવાન નોસ્કાવે કહ્યું કે, હવાઈ સુરક્ષા દળોએ યુક્રેનના મિસાઈલ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. જોકે, શહેરના ઔદ્યોગિક એકમોને સ્થાનિક સ્તરે ભારે નુકસાન થયું હતું. રશિયા પર આક્રમણનો યુક્રેનનો આશય તેની આવકના સ્રોત એવા એનર્જી સ્રોતોનો નાશ કરવાનો છે.
દરમિયાન રશિયાએ પણ યુક્રેન પર જવાબી હુમલો કર્યો હતો. રશિયાના હુમલામાં યુક્રેનમાં અનેક ઘરોનો નાશ થઈ ગયો હતો. કીવનું પ્રખ્યાત બૂક બજાર સળગીને ખાખ થઈ ગયું. રશિયાના સંરક્ષણ ક્ષેત્રે કહ્યું કે, તેણે આખી રાત યુક્રેનના ૮૨૨ ડ્રોનનો નાશ કર્યો હતો. યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ કહ્યું કે, ક્રિવી રિહ પર રશિયાના હુમલામાં બે નાગરિકોનાં મોત થયા અને ૧૪ ઘાયલ થયા હતા. આ સિવાય ક્રિવી રિહમાં યુક્રેનની સૌથી મોટી સ્ટેલી ઉત્પાદક કંપની આર્સેલરમિત્તલના એકમને ભારે નુકસાન થયું હોવાનું કંપનીએ કબૂલ્યું હતું.
રશિયાના હુમલામાં યુક્રેનની રાજધાની કીવમાં પણ અનેક જગ્યાઓ પર આગ લાગી હતી, જેમાં છ લોકો ઘાયલ થયા હતા. રશિયાના મિસાઈલ હુમલામાં શહેરના સૌથી મોટા બૂક માર્કેટમાંથી એકમાં આગ લાગી ગઈ હતી. રશિયાએ કીવમાં અનેક સૈન્ય-ઔદ્યોગિક એકમોને પણ નિશાન બનાવ્યા હતા, જેમાં યુક્રેનના ફ્લેમિંગો મિસાઈલના ઉત્પાદન એકમનો પણ સમાવેશ થાય છે.