યુક્રેનનો એવો હુમલો કે રશિયા કાળા વાદળોથી ઢંકાયું, 370 ડ્રોન વડે ભયાનક હુમલો, પુતિને લીધો બદલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ukrainian Drone Attack Moscow 2026 : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે એક અત્યંત ખતરનાક અને નિર્ણાયક વળાંક પર પહોંચી ગયું છે. યુક્રેને રશિયા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને મોટો વળતો પ્રહાર કરીને તેની રાજધાની મોસ્કો સહિતના વિસ્તારોને નિશાન બનાવ્યા છે. યુક્રેને એકસાથે 370થી વધુ ડ્રોન લોન્ચ કરીને રશિયાની સરહદની અંદર ઘૂસીને ભારે તબાહી મચાવી છે. આ ભયાનક ડ્રોન હુમલાને કારણે મોસ્કોથી આશરે 50 કિલોમીટર પૂર્વમાં આવેલા ઇલેક્ટ્રોસ્ટાલના વાઇલ્ડબેરીઝ લોજિસ્ટિક્સ કોમ્પ્લેક્સ અને નોગિન્સ્કના એક મહત્વપૂર્ણ ઓઇલ ડેપોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે કલાકો સુધી આકાશમાં કાળો ધુમાડો છવાયેલો રહ્યો હતો.
મોસ્કોના એનર્જી અને સપ્લાય સેક્ટર પર સીધો પ્રહાર
સ્થાનિક ગવર્નર અને મોસ્કોના મેયરે આ હુમલાની સત્તાવાર પુષ્ટિ કરી છે. યુક્રેની ડ્રોન્સે જે નોગિન્સ્ક ઓઇલ ડેપોને નિશાન બનાવ્યો છે, ત્યાં ઇંધણ સંગ્રહ કરવા માટેના 24 મોટા સ્ટોરેજ ટેન્ક આવેલા છે, જે સમગ્ર મોસ્કો ક્ષેત્ર માટે પેટ્રોલિયમ સપ્લાયનું મુખ્ય કેન્દ્ર છે. આ હુમલાના કારણે આગામી દિવસોમાં સ્થાનિક સ્તરે ઇંધણની કિંમતો અને સપ્લાય પર મોટી અસર પડી શકે છે. બીજી તરફ, વાઇલ્ડબેરીઝ એ રશિયાનું સૌથી મોટું ઇ-કોમર્સ પ્લેટફોર્મ છે અને તેનો આ લોજિસ્ટિક્સ કોમ્પ્લેક્સ રશિયાની સપ્લાય ચેઇનનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે.
ઝેલેન્સ્કીનો દાવો: ‘રશિયાને ડ્રોનના પાર્ટ્સ સપ્લાય કરાતા હતા’
યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આ હુમલા અંગે મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે, રશિયા દ્વારા યુક્રેનના શહેરો પર સતત કરવામાં આવતી બોમ્બમારો અને મિસાઇલ હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે ગંભીર આરોપ લગાવ્યો હતો કે, આ લોજિસ્ટિક્સ સેન્ટરો પ્રતિબંધિત હોવા છતાં રશિયાની સેનાને ડ્રોન બનાવવા માટેના પાર્ટ્સ અને સાધનો પૂરા પાડતા હતા, જેથી તેને સૈન્ય સપ્લાય ચેઇન તોડવાના ભાગરૂપે નિશાન બનાવાયા છે.
રશિયાની ‘S-400’ એર ડિફેન્સ સિસ્ટમ ફેઇલ?
રશિયાની રાજધાની મોસ્કોને વિશ્વની સૌથી અભેદ્ય એર ડિફેન્સ સિસ્ટમ ગણાતી S-400 સહિતની અન્ય સિસ્ટમોથી સુરક્ષિત માનવામાં આવે છે. જો કે, યુક્રેને અપનાવેલી નવી રણનીતિ હેઠળ એકસાથે 370થી વધુ ડ્રોન હવામાં છોડવામાં આવતા રશિયન ડિફેન્સ સિસ્ટમ પર દબાણ વધી ગયું હતું. રશિયાએ દાવો કર્યો છે કે તેમણે મોટાભાગના ડ્રોન હવામાં જ તોડી પાડ્યા છે, પરંતુ તેમ છતાં કેટલાક ડ્રોન પોતાના ટાર્ગેટ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા, જેણે રશિયન રક્ષા નિષ્ણાતોની ચિંતા વધારી દીધી છે.
રશિયાનો 41 મિસાઇલો સાથે પલટવાર
યુક્રેનના વિદેશ મંત્રીના જણાવ્યા અનુસાર, યુદ્ધ શરૂ થયા બાદ રશિયાએ પણ અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યામાં બેલિસ્ટિક મિસાઇલો વડે યુક્રેન પર હુમલો કર્યો છે. યુક્રેનની વાયુસેનાએ માહિતી આપી છે કે રશિયાએ રાતભરમાં 41 મિસાઇલો લોન્ચ કરી હતી. જેમાંથી યુક્રેની સેનાએ 18 મિસાઇલોને સફળતાપૂર્વક હવામાં જ તોડી પાડી હતી. આ હુમલામાં રશિયાએ 3 ટન વજન ધરાવતો અત્યંત શક્તિશાળી બોમ્બ પણ ફેંક્યો હોવાના અહેવાલો છે. જેના શૉકવેવનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અને તેમની સરકારે આ હુમલાની આકરી નિંદા કરતા તેને યુક્રેનની ‘આતંકવાદી હરકત’ ગણાવી છે.









