- રશિયાએ 100થી વધારે ડ્રોન, બે બેલેસ્ટિક મિસાઇલ છોડી
- વિવિધ દેશોનાં ડિપ્લોમેટિક મિશનનાં સભ્યોને કીવ છોડી દેવાની રશિયાની અપીલની ખાસ કોઇ અસર નહીં
- રશિયાએ યુક્રેનનાં લોકોને સૈન્ય અને સરકારી પરિસરોથી દૂર રહેવા જણાવ્યું : રશિયાની ધમકીમાં કશું પણ નવું નથી : યુક્રેન
- રશિયાનાં સંભવિત લક્ષ્યાંકોમાં યુક્રેનનાં બંકરો સામેલ : યુક્રેન હજુ પણ એર ડિફેન્સ મિસાઇલોની અછતનો સામનો કરી રહ્યું છે : ઝેલેન્સ્કી
કીવ : રશિયાએ સમગ્ર રાત દરમિયાન ૧૦૦થી વધારે ડ્રોન અને બે બેલેસ્ટિક મિસાઇલ છોડી હતી તેમ યુક્રેનનાં એરફોર્સે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું. બીજી તરફ યુક્રેનનાં વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે હુમલા ઝડપી બનાવવાની રશિયાની તાજેતરની ધમકીમાં કશું પણ નવું નથી.
ઉલ્લેખનીય છે કે રશિયાએ સોમવારે ડિપ્લોમેટિક મિશનનાં સભ્યો સહિતનાં વિદેશી લોકોને અપીલ કરી હતી કે તે યુક્રેનની રાજધાની વહેલામાં વહેલી તકે છોડી દે.
રશિયાએ સ્થાનિક રહેવાસીઓને સૈન્ય અને સરકારી પરિસરોથી દૂર રહેવા જણાવ્યું છે. કીવ પર સુનિયોજિત હુમલાની તૈયારી કરવામાં આવી રહી છે.
રશિયાનાં વિદેશ પ્રધાન સર્ગેઇ લાવરોવે સોમવારે ફોન પર અમેરિકાનાં વિદેશ પ્રધાન માર્કો રૂબિયો સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે અમેરિકાએ કીવમાંથી પોતાના ડિપ્લોમેટિક સ્ટાફને હટાવી લેવો જોઇએ.
આ વાતચીત પછી રૂબિયોએ સ્પષ્ટતા કરી ન હતી કે અમેરિકા કીવમાંથી પોતાના રાજદ્વારી સ્ટાફને હટાવશે કે નહીં પણ તેમણે ભારત યાત્રા દરમિયાન ચિંતા વ્યક્ત કરી હતી કે યુક્રેનમાં ચાલી રહેલું ભયાનક યુદ્ધ હજુ પણ ભીષણ બની શકે છે.
ટ્રમ્પ વહીવટી તંત્ર છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી રશિયા અને યુક્રેન વચ્ચેનાં યુદ્ધને રોકવાનાં પ્રયત્નો કરી રહ્યું છે. જો કે આ પ્રયત્નોને ખાસ કોઇ સફળતા મળી નથી અને હવે અમેરિકાનું ધ્યાન ઇરાન યુદ્ધ પર કેન્દ્રિત છે.
રશિયાની અપીલ છતાં કીવ સ્થિત યુરોપિયન યુનિયન, ફ્રાન્સ, પોલેન્ડનાં ડિપ્લોમેટિક સ્ટાફે જણાવ્યું છે કે તે કીવ છોડીને જશે નહીં.
બીજી તરફ યુક્રેને જણાવ્યું છે કે તે કીવમાં વિવિીધ દેશોનાં રાજદ્વારી મિશનોની સુરક્ષા વધારવા માટે તૈયાર છે.
આ દરમિયાન રશિયાએ જણાવ્યું છે કે રશિયાનાં લક્ષ્યાંકોમાં યુક્રેનની સંસદ અને પ્રમુખનું કાર્યાલય સામેલ નથી. રશિયાએ જણાવ્યું છે કે તે યુક્રેનનાં બંકરોને નિશાન બનાવી શકે છે.
આ દરમિયાન યુક્રેનનાં પ્રમુખ ઝેલેન્સકીએ જણાવ્યું છે કે યુક્રેન હજુ પણ એર ડિફેન્સ મિસાઇલોની અછતનો સામનો કરી રહ્યું છે.


