યુક્રેનમાં નવા વડાપ્રધાન : યુદ્ધની ભીષણ સ્થિતિ વચ્ચે ઝેલેન્સ્કીએ સૌથી ભરોસાપાત્ર નેતાને સોંપી PMની ખુરશી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sergiy Koretsky Ukraine New PM : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે યુક્રેનમાં એક મોટો રાજકીય ઉલટફેર થયો છે. રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ સરકારમાં મોટો ફેરબદલ કરીને પોતાના સૌથી ભરોસાપાત્ર અને ઉર્જા ક્ષેત્રના નિષ્ણાત સેરગી કોરેત્સ્કીને દેશના નવા વડાપ્રધાન બનાવ્યા છે. યુક્રેનની સંસદે ભારે મતદાન બાદ 289 મતોથી તેમની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. આ બદલાવનો મુખ્ય હેતુ યુદ્ધ દરમિયાન દેશની ઉર્જા સુરક્ષા અને આર્થિક સ્થિતિને મજબૂત કરવાનો છે.
નવા વડાપ્રધાનની 3 મુખ્ય પ્રાથમિકતાઓ
સંસદમાં મતદાન પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં સેરગી કોરેત્સ્કીએ સાંસદોને સંબોધિત કર્યા હતા. તેમણે દેશ સમક્ષ રહેલા પડકારો વચ્ચે પોતાની ત્રણ મોટી પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરી હતી. જેમાં યુક્રેનની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવી, દેશની આર્થિક સ્થિરતાને જાળવી રાખવી અને યુરોપીયન યુનિયનમાં સામેલ થવાની પ્રક્રિયાને ઝડપી બનાવવાનો સમાવેશ થાય છે.
કોણ છે સેર્ગી કોરેત્સ્કી?
48 વર્ષના સેર્ગી કોરેત્સ્કી વ્યવસાયે એન્જિનિયર અને અર્થશાસ્ત્રી છે. તેઓ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી અને તેમની પાસે અગાઉ સરકારમાં કામ કરવાનો કોઈ અનુભવ પણ નથી. જોકે, ઉર્જા ક્ષેત્રમાં 20 વર્ષથી વધુનો તેમનો બહોળો અનુભવ તેમને આ પદ માટે ખાસ બનાવે છે. તેઓ મે 2025થી દેશની મુખ્ય ગેસ કંપનીના સીઈઓ તરીકે ફરજ બજાવી રહ્યા હતા અને તે પહેલાં યુક્રેનની સૌથી મોટી તેલ ઉત્પાદક કંપનીના વડા પણ રહી ચૂક્યા છે.
શિયાળાની ઋતુ અને રશિયન હુમલાનો મોટો પડકાર
નવા વડાપ્રધાન સામે અત્યારે સૌથી મોટી અગ્નિપરીક્ષા આગામી શિયાળા માટે દેશના ઉર્જા માળખાને સજ્જ કરવાની છે. છેલ્લા કેટલાક મહિનાઓથી રશિયાના મિસાઈલ અને ડ્રોન હુમલાઓએ યુક્રેનના વીજળી મથકો અને ગેસ પાઈપલાઈનોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ સેર્ગીની નિમણૂક કરતા કહ્યું કે, 'ઉર્જા ક્ષેત્રમાં તેમના પ્રદર્શનને જોતા, આગામી શિયાળામાં યુદ્ધ પ્રભાવિત દેશની મદદ માટે તેઓ સૌથી યોગ્ય વિકલ્પ છે.' નવા વડાપ્રધાનને આશા છે કે તેમના અનુભવથી તેઓ વીજળી અને ગેસનો પુરવઠો સામાન્ય રાખી શકશે જેથી નાગરિકોને મુશ્કેલી ન પડે.









