Get The App

છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું... બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા

Updated: Jun 3rd, 2026

GS TEAM

Google News
Google News
છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું... બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા 1 - image

UK Grooming Gang Scandal MP Speech: સગીરાઓનું જાતીય શોષણ કરનારી 'ગ્રુમિંગ ગેંગ્સ'ને લઈને લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ બ્રિટિશ સંસદમાં ફરી એકવાર ચર્ચાયો છે. બ્રિટિશ સાંસદ રુપર્ટ લોવે સંસદમાં એક ચોંકાવનારું ભાષણ આપ્યું છે. આ ભયાનક શોષણ માંથી બચી ગયેલી કેટલીક પીડિતાના નિવેદનના આધારે ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં છોકરીઓને પાંજરામાં કેદ રખાતી અને 700 લોકોએ દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું.

બ્રિટિશ સાંસદ લોવે સાંસદોને આ પીડિતોની ભયાનક વાત સાંભળવાની સાથે કડક પગલાં લેવા વિનંતી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ગયા વર્ષે તેમના નેતૃત્વ હેઠળની એક ખાનગી તપાસમાં બ્રિટનના ઓછામાં ઓછા 85 વિસ્તારોમાં આવા ગેંગ-આધારિત બાળ જાતીય શોષણની જાણકારી મળી હતી.

સાંસદ લોવના જણાવ્યા મુજબ, મુખ્યત્વે પાકિસ્તાની મૂળના પુરુષોની દુષ્કર્મ ગુજારતી ગેંગ્સ છેલ્લા ઘણા દાયકાઓથી સક્રિય છે. જેમાં પાકિસ્તાની પુરુષોની એક ખાસ પેટર્ન અને સરકારી એજન્સીઓની ઘોર બેદરકારી સ્પષ્ટપણે દેખાય છે.

સંસદમાં હૃદયદ્રાવક ઘટના વર્ણવી 

સાંસદ લોવે સંસદમાં વાંચેલા નિવેદન અનુસાર, એક પીડિતાએ કહ્યું, "જ્યારે હું લગભગ 12 કે 13 વર્ષની હતી, ત્યારે એક માણસે મારા પર ખરાબ કામ કર્યું. ત્યારબાદ તેણે મારા શરીરના ભાગમાં ખાલી દારૂની બોટલ દાખલ કરતા કાચ અંદર તૂટી ગયો." બીજી એક પીડિતાએ કહ્યું, "આ બધું ત્યારે શરૂ થયું જ્યારે હું 13 વર્ષની હતી. ત્રણ વર્ષ દરમિયાન લગભગ 600 થી 700 જુદા જુદા પુરુષો દ્વારા મારા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું."

પીડિતાનાની આપવીતી 

બીજી એક પીડિતાના મતે, "ઈદ અને અન્ય રજાઓની આસપાસ દુર્વ્યવહાર વધુ તીવ્ર બનતો હતો. ત્યારબાદ પાર્ટીઓ વધુ હિંસક અને વધુ ભયાનક બનતી, જેમાં ઘણી વધુ છોકરીઓને સામેલ કરવામાં આવતી હતી." એક મહિલાએ જણાવ્યું કે, તેણે 15 થી 20 મહિલાઓને પાંજરામાં બંધ જોઈ હતી.

ધર્મ અને જાતિના હથિયારો

પીડિતોનો આરોપ છે કે, આરોપીઓએ તેમની જાતિ અને ધર્મનો ઉપયોગ તેઓને માનસિક રીતે તોડવા માટે કર્યો હતો. એક પીડિતાએ કહ્યું, "આરોપી સતત કહેતો હતો કે 'ગોરી' અને ખ્રિસ્તી છોકરીઓનું કોઈ ચારિત્ર્ય કે વેલ્યુ હોતી નથી, જ્યારે મુસ્લિમ છોકરીઓની ગરિમા અને ઉચ્ચ સ્થાન હોય છે."

વધુ એક પીડિતાએ કહ્યું કે, "હું મારા ગળામાં પવિત્ર ક્રોસ પહેરતી તો મારી મજાક ઉડાવવામાં આવતી હતી. જેમાં આરોપી કહેતો કે, હવે તમારા ભગવાન ક્યાં છે? શું તમારા ભગવાને તમને છોડી દીધા છે?"

પોલીસ અને હોસ્પિટલો પર પણ ઉઠ્યા સવાલો 

સાંસદના નિવેદનમાં પોલીસ અને આરોગ્ય પ્રણાલી સામે ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા હતા. એક પીડિતાએ દાવો કર્યો હતો કે, "દુર્વ્યવહાર દરમિયાન દેશના વિવિધ ભાગોમાં ઘણા પોલીસ અધિકારીઓ દ્વારા મારા પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું."

અન્ય એક પીડિતાએ કહ્યું કે, "જ્યારે હું 15 વર્ષની હતી, ત્યારે મારા શરીરમાં લોહી વહેતું હોવાથી હું બેસી પણ શકતી ન હતી. જ્યારે હું હોસ્પિટલમાં ગઈ ત્યારે મેં ડરથી સત્ય કહ્યું નહીં અને જણાવ્યું કે મારા ડ્રિંકમાં કંઈક ભેળવવામાં આવ્યું છે. ડોક્ટરોએ મને દવા આપી અને કોઈ પ્રશ્ન પૂછ્યા વિના મને રજા આપી દીધી."

બ્રિટનની 'ગ્રુમિંગ ગેંગ' શું છે?

બ્રિટનમાં "ગ્રુમિંગ ગેંગ્સ" શબ્દનો ઉપયોગ એ મામલામાં કરવામાં આવે છે જ્યાં નબળા અને અસુરક્ષિત બાળકો અથવા સગીરાઓને લાંબા સમય સુધી ઘણા પુરુષો દ્વારા લલચાવી, ડ્રગ્સ આપવામાં આવે છે અથવા ડરાવવામાં આવે છે. રોધરહામ, રોશડેલ અને ઓલ્ડહેમ જેવા શહેરોમાં તપાસ પછી આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું.

સાંસદ રુપર્ટ લોવે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં જાહેર થનારી આ સ્વતંત્ર તપાસનો સંપૂર્ણ અહેવાલ બ્રિટનને હંમેશા માટે બદલી નાખશે. તેમણે તમામ સાંસદોને આ દિશામાં તાત્કાલિક અને નક્કર પગલાં લેવા હાકલ કરી છે.