UAE Ready to Enter Iran War : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 33 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં હવે ત્રીજા દેશની એન્ટ્રી થવાની સંભાવના છે. વાસ્તવમાં અમેરિકાનું સમર્થન કરી રહેલા સંયુક્ત આરબ અમીરાતે (UAE) યુદ્ધમાં ઉતરવા માટે વિચારણા શરૂ કરી દીધી છે. રિપોર્ટ મુજબ, ઈરાને બંધ કરેલો હોર્મુઝ જળમાર્ગ ખોલવા માટે UAEએ અમેરિકા અને સાથી દેશોનો સાથ મેળવીને કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ જે જળમાર્ગ છે, જ્યાંથી વિશ્વભરમાં ક્રૂડ ઓઇલ-ગેસ સહિતના પુરવઠાની સપ્લાય થાય છે. હોર્મુઝ બંધ કરાયા બાદ અનેક દેશોના સપ્લાય ચેઇન પર ગંભીર અસર પડી છે.
UNમાં પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં UAE
રિપોર્ટ મુજબ, ઈરાન યુએઈ અને ખાડી દેશો પર સતત હુમલાઓ કરી રહ્યું હોવાથી યુએઈનું વલણ બદલાઈ ગયું છે. જો યુએઈ યુદ્ધમાં સામેલ થશે તો તે આવું કરનારો પહેલો ખાડી દેશ હશે. યુએઈએ ઈરાન વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક પ્રસ્તાવ લાવવાની તૈયારી શરૂ કરી છે. આ ઉપરાંત તેણે હોર્મુઝ જળમાર્ગ સુરક્ષિત કરવા માટે અમેરિકા, યુરોપ અને એશિયાના દેશોને ગઠબંધન બનાવવાની અપીલ કરી છે. જોકે રશિયા અને ચીન યુએઈના પ્રસ્તાવને અટકાવી શકે છે.
UAE ઈરાન વિરુદ્ધ લડવા તૈયાર
સાઉદી અરેબિયા અને મધ્ય પૂર્વના અન્ય દેશો પણ ઈરાન વિરુદ્ધ કડક વલણ અપનાવી રહ્યા છે. જોકે તેઓએ હજુ સુધી યુદ્ધમાં પોતાની સેના ઉતારી નથી. બીજીતરફ અમેરિકી નૌસેનાનો પાંચમો કાફલો જે દેશમાં છે તે બહેરીને UAEના પ્રસ્તાવનું સમર્થન કર્યું છે. હવે આ પ્રસ્તાવ પર ટૂંક સમયમાં મતદાન થઈ શકે છે. જો યુએઈ યુદ્ધમાં ઉતરશે તો અમેરિકાને ઘણો ફાયદો થશે.
UN મંજૂરી ન આપે તો પણ UAE કાર્યવાહી કરવા તૈયાર
એવી માહિતી પણ સામે આવી છે કે, જો સંયુક્ત રાષ્ટ્ર મંજૂરી નહીં આપે તો પણ યુએઈ સૈન્ય કાર્યવાહી કરવા માટે તૈયાર છે. યુએઈ ઈરાન દ્વારા સમુદ્રમાંથી બિછાવેલી સુરંગો હટાવવા અને અન્ય લોજિસ્ટિક મદદ કરવાની તૈયારીમાં છે. યુએઈએ સૂચન આપ્યું છે કે, જો અમેરિકા હોર્મુઝ જળમાર્ગ પાસેના કેટલાક ટાપુ પર નિયંત્રણ મેળવી લે તો પરિસ્થિતિ સુધરી શકે છે. વાસ્તવમાં યુએઈ ઈરાનના કબજાવાળા અબુ મૂસા દ્વિપની વાત કરી રહ્યું છે અને યુએઈ આ દ્વિપ પર દાવો કરે છે. અગાઉ યુએઈ ઈરાન-અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવાનો પ્રયાસ કર્યો હતો, જો કે હવે તેણે વલણ બદલીને અમેરિકાને સમર્થન આપ્યું છે.


