Get The App

'યુદ્ધનો ખર્ચ અમેરિકા ઉઠાવે, નહીં તો ઓઇલના સોદા યુઆનમાં થશે', UAEની ટ્રમ્પને સ્પષ્ટ ચેતવણી

Updated: Apr 20th, 2026

GS TEAM

Google News
Google News
'યુદ્ધનો ખર્ચ અમેરિકા ઉઠાવે, નહીં તો ઓઇલના સોદા યુઆનમાં થશે', UAEની ટ્રમ્પને સ્પષ્ટ ચેતવણી 1 - image

UAE vs USA Dollar: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષે હવે નવો વળાંક લીધો છે. અત્યાર સુધી અમેરિકાના સાથી ગણાતા સંયુક્ત આરબ અમીરાતે(UAE) વોશિંગ્ટન પાસે યુદ્ધમાં થયેલા નુકસાન માટે વળતરની માંગણી કરી છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, UAE એ સ્પષ્ટ કર્યું છે કે, જો અમેરિકા આર્થિક ગેરંટી નહીં આપે, તો તે તેલના વેપાર માટે ડૉલર છોડીને ચીની ચલણ યુઆન તરફ શિફ્ટ થઈ શકે છે.

UAEની માગ યુદ્ધ તમે શરૂ કર્યું, તો ખર્ચ પણ તમે ઉઠાવો

UAEના અધિકારીઓનો દાવો છે કે અમેરિકાએ પ્રાદેશિક સહયોગીઓ સાથે ચર્ચા કર્યા વગર આ યુદ્ધ શરૂ કર્યું હતું. આ યુદ્ધમાં મિડલ-ઈસ્ટના દેશોની સંપત્તિઓને ભારે નુકસાન પહોંચ્યું છે. ઈરાની મિસાઇલોએ દુબઈના ફેયરમોન્ટ ધ પામ હોટેલ અને એમેઝોનના બે ડેટા સેન્ટરને નુકસાન પહોંચાડ્યું છે. ફુજૈરા ઓઇલ નિકાસ ટર્મિનલ જેવી ઊર્જા સુવિધાઓને મોટું નુકસાન થયું છે. ડેટા સેન્ટરો પરના હુમલાથી આખા ક્ષેત્રમાં ક્લાઉડ અને કમ્પ્યુટિંગ સેવાઓ ખોરવાઈ ગઈ છે અને બૅંકિંગ સેવાઓ ઠપ્પ થઈ ચૂકી છે. 

અમેરિકા માટે અબજો ડૉલરનો બોજ

આ યુદ્ધ અમેરિકા માટે અત્યંત મોંઘું સાબિત થઈ રહ્યું છે. રિપોર્ટ અનુસાર અમેરિકા દરરોજ 89 કરોડથી 1 અબજ ડૉલર યુદ્ધ પાછળ ખર્ચ કરી રહ્યું છે. ખાડી દેશોમાં ઊર્જા માળખાના સમારકામનો ખર્ચ 60 અબજ ડૉલરથી વધુ થવાનો અંદાજ છે. સાઉદી અરેબિયાએ પણ તેની રાસ તનુરા રિફાઇનરી બંધ કરવી પડી છે અને કતારની LNG નિકાસ ક્ષમતામાં 17%નો ઘટાડો થયો છે.

આ પણ વાંચો :પાકિસ્તાનમાં થનારી શાંતિ મંત્રણા નિષ્ફળ! ટ્રમ્પે કહ્યું આખું ઈરાન રાખ કરી નાંખીશું, તેહરાને શરતો ઠુકરાવી

ડૉલરના વર્ચસ્વ પર ખતરો

UAE સેન્ટ્રલ બૅંકના ગવર્નર ખાલિદ મોહમ્મદ બાલામાએ અમેરિકી ફેડરલ રિઝર્વ પાસે કરન્સી સ્વેપની માંગ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે, જો હોર્મુઝ ખાડીની નાકેબંધીને કારણે ડૉલરની આવક ઘટશે, તો UAE ઓઇલના વેપારમાં યુઆન અથવા અન્ય ચલણનો ઉપયોગ કરવા મજબૂર બનશે. આ પગલું વૈશ્વિક બજારમાં અમેરિકી ડૉલરની પકડ નબળી પાડી શકે છે.

ઈરાને પણ માંગ્યું 270 અબજ ડૉલરનું વળતર

માત્ર સાથી દેશો જ નહીં, પણ ઈરાને પણ સાઉદી અરેબિયા, UAE, કતાર અને જોર્ડન પાસે આંતરરાષ્ટ્રીય નિયમોના ઉલ્લંઘન બદલ 270 અબજ ડૉલરનું વળતર માંગ્યું છે. બીજી તરફ, અમેરિકા અને ઈરાન વચ્ચેનો યુદ્ધવિરામ 22 એપ્રિલે પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે મંત્રણામાં કોઈ પ્રગતિ ન થતાં ખાડી દેશોમાં ભારે ચિંતા છે.

આ પણ વાંચો: ઈરાને પાકિસ્તાનને સોંપ્યો 10 મુદ્દાનો પ્રસ્તાવ, અમેરિકા સાથે વાતચીતનો કર્યો ઈનકાર