World

બાવી વાવાઝોડાએ ચીન, જાપાન અને ફિલિપાઈન્સને ઘમરોળ્યું, 17થી વધુના મોત, 200 ઈજાગ્રસ્ત

By GS Team
12 Jul 20262 mins read
TukuTouch Logo
જાપાન, તાઇવાન અને ફિલીપીન્સમાં 'બાવી' વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. જેમાં 17થી વધુ લોકોના મોત થયા છે અને 200 ઘાયલ થયા છે. 144 કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવન સાથે આ વાવાઝોડું હવે ચીન તરફ આગળ વધી રહ્યું છે. ચીનમાં 17 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે અને 17000 રેસ્ક્યૂ વર્કર્સને એલર્ટ કરાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાવી વાવાઝોડાએ ચીન, જાપાન અને ફિલિપાઈન્સને ઘમરોળ્યું, 17થી વધુના મોત, 200 ઈજાગ્રસ્ત
China Bavi Typhoon

Bavi Typhoon news : ચીનમાં પૂરે ભારે તારાજી સર્જી છે. એવામાં સુપર ટાઇફૂન બાવી ત્રાટક્યું છે, ચીન પહેલાથી જ પૂરનો સામનો કરી રહ્યું છે અને આશરે છ જેટલી નદીઓ ભયજનક સપાટી પર વહી રહી છે. ભારે પૂરને કારણે આશરે એક લાખ લોકો ઘર વિહોણા થઇ ગયા છે. જ્યારે બાવી વાવાઝોડાની ભીતિને પગલે 17 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ફિલીપીન્સ, જાપાન અને તાઇવાનમાં પણ બાવી વાવાઝોડાએ જનજીવનને ભારે અસર કરી છે અને 20 જેટલા લોકોનો ભોગ લીધો છે. હવે આ વાવાઝોડુ ચીન તરફ આગળ વધી રહ્યું છે.

ચીને શનિવારે સવાર સુધીમાં જ આશરે આશરે 20 લાખ નાગરિકોને સુરક્ષીત સ્થળે ખસેડયા હતા, બાવી વાવાઝોડાને પહોંચી વળવાની તૈયારીના ભાગરૂપે તમામ સમુદ્રી વિસ્તારોમાંથી લોકોને સુરક્ષીત સ્થળે ખસેડાઇ રહ્યા છે. આશરે 17000 ઇમર્જન્સી રેસ્ક્યુ વર્કર્સને એલર્ટ રખાયા છે, સંભવીત પ્રભાવીત વિસ્તારોની તમામ શાળાઓ અને કોલેજોને બંધ રાખવામાં આવી છે. ફેરી સર્વિસ પણ સસ્પેન્ડ કરી દેવાઇ છે, હજારો ફ્લાઇટ્સ પણ રદ કરી દેવાઇ છે.

બાવી વાવાઝોડુ ચીન પર ત્રાટકે તે પહેલા ફિલિપાઇન્સમાં ભારે તારાજી સર્જી હતી, ગ્રામીણ વિસ્તારોમાં આશરે 10 લોકો માર્યા ગયા હતા, કાલાનોગાસ ટાઉનમાં ભુસ્ખલનને કારણે પાંચ લોકો માર્યા ગયા હતા. જ્યારે છથી વધુ લોકો ગૂમ થયા છે. આશરે ૨૦ હજાર જેટલા લોકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા છે, 100 જેટલા ઇમર્જન્સી શેલ્ટર હોમ તૈયાર કરાયા છે. જાપાન અને તાઇવાન પર પણ બાવી વાવાઝોડાએ ભારે અસર કરી છે.

તાઇવાનમાં આશરે 113 લોકો ઘાયલ થયા છે, જ્યારે 15000 જેટલા લોકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા છે. શનિવારે દેશની તમામ શાળાઓ, કોલેજોને બંધ રાખવામાં આવી હતી. જાપનના ઓકીનાવા વિસ્તારમાં બાવી વાવાઝોડાએ ભારે અસર પહોંચાડી હતી, ભારે પવન સાથે ત્રાટકેલા વાવાઝોડાને પગલે 200 જેટલી ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી હતી. વાવાઝોડુ તાઇવાનથી આગળ નીકળી ગયું છે અને હવે ચીનની નજીક પહોંચી ગયું છે. ચીનના તાઇઝોઉ, જીન્જીદાઓ સહિતના આસપાસના ટાપુઓમાં ભારે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બાવી વાવાઝોડાની ચીનના ઝેજીઆંગ પ્રાંતમાં સૌથી વધુ અસર થવાની ભીતિ છે, આ વિસ્તારમાં આશરે એક કરોડ લોકો રહે છે. ચીનના પૂર્વોત્તર સમુદ્રી કિનારે હાલ સ્થિતિ ભયજનક છે. ઝેજીઆંગમાંથી 20 લાખ લોકોને બાજુના પ્રાંત ફુજિઆનમાં ખસેડવા પડયા છે. સ્થાનિક હવામાન વિભાગે સમગ્ર પ્રાંત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રવિવારે વહેલી સવારે જ બાવી વાવાઝોડુ ચીનને ઘમરોળશે તેવુ અનુમાન છે. હવાની ગતિ પ્રતિ કલાક આશરે 144 કિમીની છે. સ્થાનિકોમાં હાલ ભયનો માહોલ છે.