Get The App

VIDEO : ઈરાન સાથે ટેન્શન વચ્ચે મોટી દુર્ઘટના, અમેરિકન F-16 ફાઈટર જેટ તૂર્કિયેમાં તૂટી પડ્યું

Updated: Feb 25th, 2026

GS TEAM

Google News
Google News
VIDEO : ઈરાન સાથે ટેન્શન વચ્ચે મોટી દુર્ઘટના, અમેરિકન F-16 ફાઈટર જેટ તૂર્કિયેમાં તૂટી પડ્યું 1 - image


Turkey F-16 Fighter Jet Crash 2026: તૂર્કિયેના બાલીકેસિર પ્રાંતમાં 25 ફેબ્રુઆરી 2026ની વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મિશન ફ્લાઇટ પર નીકળેલું તૂર્કિયે વાયુસેનાનું F-16 ફાઇટર જેટ ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ ગયું હતું. આ કરુણ અકસ્માતમાં પાયલટ મેજર ઇબ્રાહિમ બોલાત શહીદ થયા છે.



જાણો કેવી રીતે સર્જાયો અકસ્માત 

તૂર્કિયેના પશ્ચિમ પ્રાંત બાલીકેસિરના '9મા મેઈન જેટ બેઝ' પરથી 25 ફેબ્રુઆરી 2026ના રોજ વહેલી સવારે (લગભગ 12:50 વાગ્યે) આ ફાઇટર જેટે ઉડાન ભરી હતી. ટેકઓફ થયાની થોડી જ ક્ષણોમાં પ્લેનનો રડાર અને રેડિયો સંપર્ક તૂટી ગયો હતો. આ જેટ બાલીકેસિર નજીક આવેલા ઇસ્તંબુલ-ઇઝ્મીર હાઈવે પાસે જઈને પડ્યું હતું. દુર્ઘટના એટલી ભયાનક હતી કે પ્લેનનો કાટમાળ દૂર-દૂર સુધી વેરાઈ ગયો હતો અને જોરદાર ધડાકા સાથે આગનો ગોળો આકાશમાં ઉઠ્યો હતો.

ડેશકેમમાં કેદ થયા અંતિમ દ્રશ્યો

હાઈવે પરથી પસાર થઈ રહેલી કારના ડેશકેમમાં આ દુર્ઘટનાના દ્રશ્યો કેદ થયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જેટ ખૂબ જ ઝડપથી નીચેની તરફ પડી રહ્યું છે અને ત્યારબાદ જોરદાર વિસ્ફોટ થાય છે. સદનસીબે હાઈવે પર કોઈ સામાન્ય નાગરિકને ઈજા પહોંચી નથી. બચાવ ટુકડીએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કામગીરી શરૂ કરી દીધી હતી.

F-16 ફાઇટીંગ ફાલ્કન: તૂર્કિયેની હવાઈ શક્તિનો સ્તંભ

નિર્માતા: જનરલ ડાયનેમિક્સ (હાલ લોકહીડ માર્ટિન).

ક્ષમતા: આ ચોથી પેઢીનું સુપરસોનિક મલ્ટીરોલ ફાઇટર જેટ છે, જે હવાથી હવામાં અને હવાથી જમીન પર હુમલો કરવામાં માહેર છે.

સ્પીડ: તેની મહત્તમ ઝડપ 2400 કિમી/કલાક છે.

તૂર્કિયેનું બળ: તૂર્કિયે વાયુસેના પાસે 200થી વધુ F-16 જેટ છે, જે નાટો (NATO) મિશનમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

દુર્ઘટનાનું કારણ અને તપાસ

હાલમાં અકસ્માતનું સચોટ કારણ બહાર આવ્યું નથી. તૂર્કિયેના સંરક્ષણ મંત્રાલય અને સ્થાનિક વિભાગો દ્વારા એન્જિન ફેલ્યોર, ટેકનિકલ ખામી કે પાયલટની ભૂલ જેવી વિવિધ શક્યતાઓ પર તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના તૂર્કિયે વાયુસેના માટે એક મોટો આંચકો માનવામાં આવે છે.