World

ટ્રમ્પને આપખુદી ભારે પડી : ચૂંટણીમાં રિપબ્લિકન્સને લપડાક

By GS Team
5 Nov 20264 mins read
TukuTouch Logo
વોશિંગ્ટનમાં અમેરિકાની મિડ-ટર્મ ચૂંટણીમાં ટ્રમ્પ પર મતદારોએ લગામ કસી છે. સેનેટમાં ડેમોક્રેટ્સે 54 અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં 231 બેઠકો જીતી બહુમતી મેળવી. રિપબ્લિકન ગઢ ટેક્સાસ, જ્યોર્જિયા, આયોવા, ઓહાયોમાં પણ ડેમોક્રેટ્સ જીત્યા. ટ્રમ્પ જ્યાં ડબલ ડિજિટ માર્જિનથી જીત્યા હતા ત્યાં પણ ડેમોક્રેટ્સે 24થી વધુ બેઠકો મેળવી.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પને આપખુદી ભારે પડી : ચૂંટણીમાં રિપબ્લિકન્સને લપડાક
  • અમેરિકામાં સેનેટમાં ૫૪ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ૨૩૧ બેઠકો સાથે ડેમોક્રેટ્સનું પ્રભુત્ત્વ
  • ટ્રમ્પ ૨૦૨૪માં ડબલ ડિજિટ માર્જિનથી જીત્યા હતા તેવા વિસ્તારમાં ડેમોક્રેટ્સે બે ડઝનથી પણ વધુ બેઠકો જીતી
  • રિપબ્લિકન પાર્ટીના ગઢ મનાતા વિસ્તારો ટેક્સાસ, જ્યોર્જિયા, આયોવા, ઓહાયોમાં ડેમોક્રેટ્સના ઉમેદવારોએ બાજી મારી

વોશિંગ્ટન : અમેરિકાના મિડ ટર્મ ઇલેકશન ૨૦૨૬માં અમેરિકન મતદારોએ છેવટે બેફામ બનેલા અમેરિકન પ્રમુખ ટ્રમ્પ પર બરોબરની કસીને લગામ નાખી છે. અમેરિકન કોંગ્રેસમાં સેનેટની કુલ ૧૦૦ બેઠકમાં ડેમોક્રેટ્સ ૫૪ બેઠકો જીતી ચૂક્યા છે અને બે બેઠક પર આગળ છે, આમ તેણે બહુમતી માટે જરુરી ૫૧ બેઠકનો આંકડો પસાર કરી દીધો છે. રિપબ્લિકન ૪૪ બેઠક જીતી શક્યા છે અને એક જ બેઠક પર આગળ છે. જ્યારે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની કુલ ૪૩૫ બેઠકોમાં ડેમોક્રેટ્સે બહુમતી માટે જરુરી ૨૧૮નો આંકડો વટાવી ૨૩૧ પર જીત મેળવી છે અને હજી પણ ૨૭ પર આગળ છે, જ્યારે રિપબ્લિકન ૧૩૯ પર જીત્યા છે અને ૩૪ પર આગળ છે.
અમેરિકન પ્રમુખ પર મતદારોએ ડેમોક્રેટ્સના સ્વરુપમાં નાખેલી આ ધૂંસરી આગામી બે વર્ષ સુધી પ્રમુખપદની ચૂંટણી યોજાઈ ત્યાં સુધી રહેવાની છે. ટ્રમ્પે વિશ્વના દેશો પર આડેધડ ટેરિફ ઝીંકીને અમેરિકન પ્રજાને મોંઘવારીના ખપ્પરમાં હોમી દીધુ અને આટલું ઓછું હોય તેમ ઇરાન સાથે યુદ્ધ છેડીને પોતાના જ પગ પર કુહાડો મારી લીધો. વેનેઝુએલા સામેના સફળ ઓપરેશન પછી તાનમાં આવી ગયેલા ટ્રમ્પને ઇરાનને ગણતરીના દિવસોમાં પાડી દઇશું તેવી ગણતરી હતી, તેથી જ તેની ટોચની નેતાગીરીને ઠાર કરી દીધી, પણ અહીં જ તેણે ભૂલ કરી. આટલી બધી ટોચની નેતાગીરી ખતમ કરવા છતાં પણ ઇરાન હજી પણ અમેરિકા સામે અડગ ઊભું છે.
આજે આઠ મહિના પછી પણ ટ્રમ્પ ઇરાન યુદ્ધનો નીવેડો લાવી શક્યા નથી. તેના લીધે અમેરિકામાં ગેસોલીન અને ડીઝલના ભાવ આકાશને આંબી ગયા છે. ચૂંટણીના દિવસે જ ગેસોલીનનો ભાવ પ્રતિ ગેલન ૪.૧૨ ડોલરની નવી ઊંચાઈએ અને ડીઝલનો ભાવ પ્રતિ ગેલન ૬.૨૮ ડોલરના સ્તરે પહોંચી ગયો હતો. આમ અમેરિકન ટ્રમ્પના બેફામ વલણથી ત્રાહિમામ પોકારી ગઈ તેનું પ્રતિબિંબ આ ચૂંટણીમાં જોવા મળ્યું છે. તેના લીધે આજે પાંચ-પાંચ દાયકાથી પણ ચૂંટાતા ન હોય તેવા રિપબ્લિકનના પ્રભુત્વવાળા રાજ્યમાં ડેમોક્રેટ્સ ચૂંટાઈ આવ્યા છે. ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના ગઢ મનાતા વિસ્તારો ટેક્સાસ, જ્યોર્જિયા, આયોવા, ઓહાયોમાં ડેમોક્રેટ્સના ઉમેદવારોએ બાજી મારી છે. ડેમોક્રેટ્સે અહીં ગવર્નરની ચૂંટણીમાં રિપબ્લિકનોને હરાવતા તે હતપ્રભ બની ગયા છે. આ એવા સ્થળો છે જ્યાં રિપબ્લિકનોના પરાજયનો વિચાર સુદ્ધા થઈ શકતો ન હોવાનું કહેવાય છે.
ટ્રમ્પ ૨૦૨૪માં જ્યાં ડબલ ડિજિટના માર્જિનથી જીત્યા હતા તેવા વિસ્તારોમાં પણ ડેમોક્રેટ્સે બે ડઝનથી પણ વધુ બેઠકો કબ્જે કરી છે. રિપબ્લિકન લીડર ક્રિસ ક્રિસ્ટીએ એબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે ટ્રમ્પનો યુગ ખતમ થઈ ગયો છે. અગાઉની સેનેટમાં રિપબ્લિકનોની ૫૩-૪૭ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમા ૨૨૦-૨૧૫ની બહુમતી હતી, જે હવે ભૂતકાળ બની ગઈ છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે હું જો મતપત્રક પર હોત તો રિપબ્લિકન્સે આ ચૂંટણીમાં દમદાર વિજય મેળવ્યો હોત. આ ચૂંટણી મારી નહીં પણ રિપબ્લિકન ઉમેદવારોની હતી, તેથી અમારા ઉમેદવાર પ્રજાને પસંદ આવ્યા નથી તેમ લાગે છે. નોર્થ કેરોલિના સેનેટની એવી પ્રથમ સીટ હતી જ્યારે ડેમોક્રેટના રોય કૂપરે રિપબ્લિકન માઇકલ વોટલીને હરાવ્યા હતા. આ ઉપરાંત કૈશા લાન્સ બોટમ્સે રિપબ્લિકન ઉમેદવાર રિક જેકસનને હરાવ્યા તે સાથે જ્યોર્જિયાના પ્રથમ બ્લેક વુમન ગવર્નર બનવાનો ઇતિહાસ સર્જયો હતો.
નિત્યા રમન અમેરિકાના બીજા નબરના શહેરની મેયર બની શકે
અર્બન પ્લાનર અને લોસ એન્જલસ સિટી કાઉન્સિલના સભ્ય નિત્યા રમનની લોસ એન્જલ્સના મેયર પદની રેસમાં ડેમોક્રેટ કરેન બાસ સામે જબરદસ્ત ફાઇટ છે. છેલ્લા આંકડા દર્શાવે છે કે રમન બાસ પર સરસાઈ ધરાવે છે. જો તે વિજય મેળવશે તો અમેરિકાના બીજા નંબરના સૌથી વધુ વસ્તીવાળા શહેરની મેયર બનશે. આમ ન્યૂયોર્ક પછી વધુ એક શહેરના મેયર તરીકે ભારતીય મૂળની વ્યક્તિ હશે.

સેનેટમાં બહુમતી ગુમાવવા પર ટ્રમ્પને આ નુકસાન
ન્યાયાધીશોની નિમણૂકમાં અડચણ આવી શકે : સુપ્રીમ કોર્ટ સહિત રાજ્યની અદાલતોમાં ન્યાયાધીશોની નિમણૂક અટકી શકે છે. ગમતા ઉમેદવારોના નામ ઉપર પ્રશ્નાર્થ સર્જાઈ શકે.
મંત્રીઓની નિમણૂકમાં વિલંબ થશે : વિદેશ અને સંરક્ષણ મંત્રી સહિત અનેક મોટા અધિકારીઓના નામોને મંજૂરી મળવામાં મુશ્કેલી થઈ શકે છે.
વિદેશ નીતિ પર વિપક્ષનું દબાણ : આંતરરાષ્ટ્રીય સંધિઓને મંજૂરી અપાવવી મુશ્કેલ બનશે. જોકે, દરેક સમજૂતી માટે સિનેટની મંજૂરી જરૂરી નથી.
કાયદા અને બજેટ પર ઘર્ષણ વધશે : હાઉસમાંથી પસાર થયેલા ખરડાઓને સિનેટમાં મંજૂરી અપાવવી મુશ્કેલ થઈ શકે છે.

હાઉસમાં બહુમતી ગુમાવવા પર ટ્રમ્પને આ નુકસાન

કાયદા પસાર કરવામાં અડચણ : ટેક્સ, ટેરિફ કે ઈમિગ્રેશન જેવા મુદ્દે નવા કાયદા લાવવા કે તેમાં સુધારા કરવામાં ડેમોક્રેટ્સ લગામ લગાવી શકે અને વિરોધ કરી શકે.
બજેટ ઉપર લગામ લાગશે : ટ્રમ્પ દ્વારા જે રીતે ઈરાન યુદ્ધ અને નોન ઈમિગ્રન્ટ્સને હાંકી કાઢવામાં અબજો ડોલરના ખર્ચ કરાય છે તેના ઉપર લગામ લાગી શકે છે.
સરકારી કામકાજમાં તપાસની શક્યતા : ટ્રમ્પ દ્વારા પહેલા બે વર્ષમાં જે સરકારી કામ કરવામાં આવ્યા છે તેમાં સંસદિય સમિતિઓ દ્વારા તપાસની માગણી કરવામાં આવી શકે છે.
ત્રીજી વખત મહાભિયોગની શક્યતાઓ : ડેમોક્રેટ્સ દ્વારા અત્યાર સુધીમાં ટ્રમ્પ સામે બે વખત મહાભિયોગની માગણી કરાઈ હતી. આ પરિણામ બાદ ત્રીજી વખત પણ માગણી કરાઈ શકે. જો કે, તેના માટે પ્રક્રિયા લાંબી અને જટિલ છે.

મિડટર્મ ઈલેક્શન : ઈતિહાસના ૬ મોટા ઊલટફેર

૨૦૧૦ : ઓબામા - ૬૩ સીટ
૧૯૯૪ : ક્લિન્ટન - ૫૪ સીટ
૧૯૫૮ : આઇઝનહાવર - ૪૮ સીટ
૧૯૭૪ : ફોર્ડ - ૪૮ સીટ
૧૯૬૬ : જ્હોનસન - ૪૭ સીટ
૨૦૧૮ : ટ્રમ્પ - ૪૧ સીટ

અમેરિકાની મિડ-ટર્મ ચૂંટણીના પરિણામો

હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (ટોટલ ૪૩૫)
અગાઉ
રિપબ્લિકન્સ ૨૧૯
ડેમોક્રેટ્સ ૨૧૪
ખાલી બેઠક ૨
સેનેટ (ટોટલ ૧૦૦)

અગાઉ
રિપબ્લિકન્સ ૫૩
ડેમોક્રેટ્સ ૪૫
અપક્ષ ૨

હાલ
રિપબ્લિકન્સ ૧૩૯
ડેમોક્રેટ્સ ૨૨૮

હાલ
રિપબ્લિકન્સ ૪૪
ડેમોક્રેટ્સ ૫૪