World

ઈરાન વિરુદ્ધ સાથ ન આપ્યો એટલે ટ્રમ્પનો મોટો નિર્ણય, દોસ્ત બન્યો 'દુશ્મન' અને દુશ્મન બન્યો 'દોસ્ત'

By GS Team
17 Aug 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણ કોરિયા સાથેની સંયુક્ત લશ્કરી કવાયત 'ઉલ્ચી ફ્રીડમ શીલ્ડ'માં કાપ મૂકવાનો આદેશ આપ્યો છે. ટ્રુથ સોશિયલ પર તેમણે આ નિર્ણયની જાણ કરી હતી. ટ્રમ્પે જણાવ્યું કે આ વાર્ષિક કવાયત ખર્ચાળ છે અને ઉત્તર કોરિયા માટે આક્રમક સંકેત આપે છે. દક્ષિણ કોરિયાના ઈરાન મામલે સહકાર ન આપવાથી પણ તેઓ નારાજ છે. 17 ઓગસ્ટથી શરૂ થનારી આ કવાયતનું કદ ઘટાડવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન વિરુદ્ધ સાથ ન આપ્યો એટલે ટ્રમ્પનો મોટો નિર્ણય, દોસ્ત બન્યો 'દુશ્મન' અને દુશ્મન બન્યો 'દોસ્ત'

US Military Drills: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પેન્ટાગોન (અમેરિકી સંરક્ષણ મંત્રાલય)ને દક્ષિણ કોરિયા સાથે યોજાનારી સંયુક્ત લશ્કરી કવાયતમાં કાપ મૂકવાનો નિર્દેશ આપ્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટ શેર કરીને આ નિર્ણયની માહિતી આપી હતી. કવાયત શરૂ થવાના ગણતરીના કલાકો પહેલાં જ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે હવે 'આ કવાયત રદ કરવો તે શક્ય નથી, પરંતુ અમેરિકા તેમાં સામેલ થવા માટે અગાઉ સંમત થયું હતું તે બાબતથી ખુશ નથી.'

ઉત્તર કોરિયા સાથેના સંબંધો અને કવાયતના ખર્ચ પર સવાલ

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની આ નિર્ણય પાછળ ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન સાથેના પોતાના સંબંધોનો હવાલો આપ્યો છે. ટ્રમ્પે લખ્યું કે, 'આ વાર્ષિક લશ્કરી અભ્યાસ અત્યંત ખર્ચાળ છે અને તેનો મોટો હિસ્સો અમેરિકાએ ચૂકવવો પડે છે. સાથે જ આ કવાયત ઉત્તર કોરિયા જેવા દેશ માટે એક ગલત અને આક્રમક સંકેત મોકલે છે, જે તેમના પ્રમુખપદ દરમિયાન અમેરિકા પ્રત્યે સન્માનજનક વલણ ધરાવતો રહ્યો છે.'

કવાયત છેલ્લી ઘડીએ રદ થઈ શકે તેમ ન હોવાથી તેમણે સંરક્ષણ મંત્રી પીટ હેગસેથને સંયુક્ત લશ્કરી કવાયતનું કદ અને વ્યાપ નોંધપાત્ર રીતે ઘટાડી દેવા આદેશ આપ્યો છે.

ઈરાન મામલે દક્ષિણ કોરિયાના વલણથી નારાજગી

ટ્રમ્પે પોતાની પોસ્ટમાં દક્ષિણ કોરિયા સામે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે. તેમણે દાવો કર્યો હતો કે તાજેતરમાં તેમણે દક્ષિણ કોરિયાના પ્રમુખ લી જે-મ્યાઉંગને પૂછ્યું હતું કે, 'શું તે ઈરાનને પરમાણુ મુક્ત કરવાની અમેરિકાની ઝુંબેશમાં સાથ આપશે, પરંતુ દક્ષિણ કોરિયાએ તેમાં જોડાવાની સાફ ના પાડી દીધી હતી.'

17 ઓગસ્ટથી શરૂ થવાની હતી ‘ઉલ્ચી ફ્રીડમ શીલ્ડ’ કવાયત

દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચે દર વર્ષે યોજાતી આ વાર્ષિક સંયુક્ત લશ્કરી કવાયત 'ઉલ્ચી ફ્રીડમ શીલ્ડ' (Ulchi Freedom Shield) 17મી ઓગસ્ટથી 27મી ઓગસ્ટ સુધી ચાલનાર છે. આ 11 દિવસીય કવાયતમાં દક્ષિણ કોરિયાના આશરે 18000 સૈનિકો ભાગ લઈ રહ્યા છે. આ વખતની કવાયતમાં ઉત્તર કોરિયાના ડ્રોન હુમલા રોકવા, જીપીએસ (GPS) સિગ્નલ જામ કરવા અને સાયબર હુમલા સામે રક્ષણ મેળવવા જેવી કામગીરી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર કોરિયા હંમેશા આ કવાયતને પોતાના પરના હુમલાની તૈયારી ગણાવીને વિરોધ કરતું રહ્યું છે. તાજેતરમાં જ ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા અને જાપાનના દરિયાઈ વિસ્તાર તરફ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ પણ કર્યું હતું. ટ્રમ્પના આ આદેશ બાદ બંને દેશો વચ્ચેના સંરક્ષણ સંબંધો અને ક્ષેત્રીય રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે.