Get The App

ટ્રમ્પનો માસ્ટર સ્ટ્રોક 'TrumpRx' શું છે? જેણે અમેરિકન ફાર્મા કંપનીઓની ઊંઘ હરામ કરી

Updated: Jan 30th, 2026

GS TEAM

Google News
Google News
ટ્રમ્પનો માસ્ટર સ્ટ્રોક 'TrumpRx' શું છે? જેણે અમેરિકન ફાર્મા કંપનીઓની ઊંઘ હરામ કરી 1 - image


USA and Donald Trump and TrumpRX News  : અમેરિકાના ટ્રમ્પ પ્રશાસને દવાની વધતી કિંમતોને અંકુશમાં લેવા માટે એક નવું હથિયાર અજમાવ્યું છે, જેનું નામ છે ‘TrumpRx’. આ પ્લેટફોર્મને કારણે અમેરિકાની જાયન્ટ ફાર્મા કંપનીઓ અને મેડિકલ સ્ટોર્સમાં અત્યારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

શું છે TrumpRx પ્લેટફોર્મ?

અમેરિકાનું ટ્રમ્પ પ્રશાસન આ જ મહિને (જાન્યુઆરી 2026) ‘TrumpRx’ નામની એક સરકારી વેબસાઇટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ પ્લેટફોર્મનો મુખ્ય ઉદ્દેશ્ય દર્દીઓને વચેટિયાઓ (Middlemen) અને વીમા કંપનીઓની માયાજાળમાંથી મુક્ત કરી સીધા જ દવા ઉત્પાદક કંપનીઓ પાસેથી રાહત દરે દવાઓ ખરીદવાની સુવિધા આપવાનો છે. સરકારનો દાવો છે કે આનાથી દવાની કિંમતોમાં 50% થી લઈને 60% સુધીનો ધરખમ ઘટાડો થઈ શકે છે.

કેવી રીતે કામ કરશે આ વેબસાઈટ?

TrumpRx પોતે દવાઓ વેચશે નહીં, પરંતુ તે દર્દીઓને સીધા જ તે કંપનીઓની વેબસાઈટ પર મોકલશે જેણે સરકાર સાથે સસ્તી દવાઓ પૂરી પાડવાના કરાર કર્યા છે. અત્યાર સુધીમાં Pfizer, Eli Lilly, અને Novo Nordisk જેવી દિગ્ગજ કંપનીઓ સહિત કુલ 14 જેટલી કંપનીઓએ ટ્રમ્પ સરકાર સાથે હાથ મિલાવ્યા છે. આ પ્લેટફોર્મ પર ખાસ કરીને ડાયાબિટીસ અને વજન ઘટાડવાની મોંઘી દવાઓ (GLP-1s) ખૂબ જ સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવવાની યોજના છે.

ડેમોક્રેટ્સ અને નિષ્ણાતોની ચિંતા

આ યોજના સામે ડેમોક્રેટ સાંસદોએ મોરચો માંડ્યો છે. એલિઝાબેથ વોરેન અને ડિક ડર્બિન જેવા નેતાઓએ આરોપ લગાવ્યો છે કે આ પ્લેટફોર્મ પર હિતોનો સંઘર્ષ (Conflict of Interest) અને સારવારની ગુણવત્તા સાથે સમાધાન થઈ શકે છે. વધુમાં, જો દર્દીઓ પોતાની વીમા પોલિસીની બહાર જઈને રોકડેથી દવા ખરીદશે, તો તે ખર્ચ તેમના ઇન્શ્યોરન્સ ડિડક્ટિબલમાં ગણાશે નહીં, જે લાંબે ગાળે દર્દી માટે આર્થિક નુકસાનકારક પણ હોઈ શકે છે.

ફાર્મા કંપનીઓ અને મેડિકલ સ્ટોર્સ કેમ પરેશાન?

અત્યાર સુધી અમેરિકામાં ફાર્મસી બેનિફિટ મેનેજર્સ (PBMs) દવાની કિંમતો નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવતા હતા. TrumpRx આ વચેટિયાઓને બાયપાસ કરી રહ્યું છે, જેના કારણે પરંપરાગત મેડિકલ સ્ટોર્સ અને વીમા કંપનીઓના નફામાં મોટો ગાબડો પડી શકે છે. ટ્રમ્પ પ્રશાસન 'મોસ્ટ ફેવર્ડ નેશન' (MFN) પ્રાઈસિંગ મોડલ અપનાવી રહ્યું છે, જેનો અર્થ એ છે કે અમેરિકી નાગરિકોને એ જ ભાવે દવા મળવી જોઈએ જે ભાવે અન્ય વિકસિત દેશોમાં મળે છે.