World

અમેરિકામાં જિનપિંગનું ભવ્ય સ્વાગત, ટ્રમ્પે 11 વર્ષ જૂનો રેકોર્ડ તોડી સૌને ચોંકાવ્યા: 10 જાન્યુઆરી સુધી 'વેપાર યુદ્ધવિરામ'

By GS Team
24 Sep 20264 mins read
TukuTouch Logo
ચીનના પ્રમુખ શી જિનપિંગ 3 દિવસની સત્તાવાર યાત્રાએ વોશિંગ્ટન પહોંચ્યા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 11 વર્ષ જૂનો પ્રોટોકોલ તોડી, મેરીલેન્ડ સ્થિત 'જોઇન્ટ બેઝ એન્ડ્રુઝ' લશ્કરી મથક પર જિનપિંગનું સ્વાગત કર્યું. વેપાર યુદ્ધવિરામ 10 જાન્યુઆરી સુધી લંબાવાયો છે. તાઇવાન અને નિકાસ નિયંત્રણો મુખ્ય મુદ્દા રહેશે, જ્યારે ઈરાન વિવાદ પણ ચર્ચામાં રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકામાં જિનપિંગનું ભવ્ય સ્વાગત, ટ્રમ્પે 11 વર્ષ જૂનો રેકોર્ડ તોડી સૌને ચોંકાવ્યા: 10 જાન્યુઆરી સુધી 'વેપાર યુદ્ધવિરામ'
ચીનના પ્રમુખ જિનપિંગ અને અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ ( ફોટો: વ્હાઈટ હાઉસ/X )

Trump Breaks Protocol To Welcome Xi Jinping In US: ચીનના પ્રમુખ શી જિનપિંગ બુધવારે 3 દિવસની સત્તાવાર યાત્રાએ વોશિંગ્ટન પહોંચ્યા છે. આ મુલાકાતની શરૂઆત સાથે જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષો જૂની રાજદ્વારી પરંપરાઓ બાજુ પર મૂકીને સૌને ચોંકાવી દીધા હતા.

11 વર્ષ જૂનો પ્રોટોકોલ તોડીને ટ્રમ્પે કર્યું સ્વાગત

મેરીલેન્ડ સ્થિત 'જોઇન્ટ બેઝ એન્ડ્રુઝ' લશ્કરી મથક પર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ રૂબરૂ હાજર રહ્યા હતા અને વિમાન પાસે જઈને શી જિનપિંગ તથા તેમની પત્ની પેંગ લિયુઆનનું સ્વાગત કર્યું હતું. C-SPANના પ્રમુખ કાર્યક્રમોના ઐતિહાસિક રેકોર્ડ મુજબ, છેલ્લે વર્ષ 2015માં તત્કાલીન પ્રમુખ બરાક ઓબામાએ પોપ ફ્રાન્સિસનું એરપોર્ટ પર જાતે જઈને સ્વાગત કર્યું હતું. ત્યારપછી કોઈ વિદેશી નેતાનું વિમાન પાસે જઈને સ્વાગત કરવાનો આ પ્રથમ બનાવ છે.

લગભગ 3 વર્ષ પછી અમેરિકા પહોંચેલા ચીની પ્રમુખના આગમન વેળાએ મિલિટ્રી બેન્ડે ધૂન વગાડી હતી અને તોપોની સલામી આપવામાં આવી હતી. આ દરમિયાન ઉપરથી એક B-1 બોમ્બર વિમાન પસાર થતાં ટ્રમ્પ સહેજ ચોંકી ગયા હોય તેવું જણાયું હતું. બંને નેતાઓએ હાથ મિલાવ્યા અને ટૂંકી વાતચીત કરી હતી. ત્યારબાદ બંને નેતાઓ એરબેઝ પરથી અલગ-અલગ રવાના થયા હતા. તેમની વચ્ચેની ઔપચારિક બેઠક ગુરુવારે યોજાનાર છે.

ચીન અને અમેરિકાએ હરીફ બનવાને બદલે એકબીજાના ભાગીદાર બનવું જોઈએ. જો બંને દેશો સાથે મળીને કામ કરશે તો આ અમેરિકા પ્રવાસ અત્યંત ફળદાયી સાબિત થશે. — શી જિનપિંગ (ચીની સ્ટેટ ન્યૂઝ એજન્સી શિન્હુઆ અનુસાર)

વેપાર યુદ્ધ વિરામ 10 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો

ઔપચારિક મંત્રણાઓ પહેલાં જ બંને પક્ષો વચ્ચે એક મહત્ત્વની સહમતિ સધાઈ છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે જણાવ્યું હતું કે, યુએસ-ચીન વચ્ચેનો વેપાર યુદ્ધ વિરામ, જે 10 નવેમ્બરના રોજ પૂર્ણ થવાનો હતો, તેને 2 મહિના વધારીને હવે 10 જાન્યુઆરી સુધી લંબાવી દેવામાં આવ્યો છે. સ્કોટ બેસેન્ટે ફોક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં પુષ્ટિ કરી કે તેમણે અને ચીનના વાઇસ પ્રીમિયર હે લિફેંગે શિખર સંમેલન પૂર્વે આ સમયમર્યાદા લંબાવવા પર સંમતિ દર્શાવી છે. જોકે, વોશિંગ્ટન સ્થિત ચીની દૂતાવાસે આ અંગે તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી નહોતી. બંને પક્ષો ચોક્કસ સેક્ટરો પર ટેરિફ, નશાના કારોબાર સામે સંયુક્ત કાર્યવાહી અને બંને દેશોની સેનાઓ વચ્ચે સીધા સંવાદને મજબૂત કરવાના મુદ્દાઓ પર નાના કરારો કરી શકે છે. આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજી પણ ચર્ચાનો મહત્ત્વનો મુદ્દો રહેશે, જેમાં બંને દેશો એકબીજા સામે ટેકનોલોજીકલ વર્ચસ્વની સ્પર્ધા કરી રહ્યા છે.

તાઇવાન અને નિકાસ નિયંત્રણો: વાટાઘાટોમાં સૌથી કઠિન અડચણ

આ મંત્રણામાં સૌથી જટિલ પ્રશ્ન તાઇવાનનો રહેવાની શક્યતા છે. શી જિનપિંગ સ્વ-શાસિત તાઇવાન પર બેઇજિંગનો અધિકાર હોવાનો દાવો ફરી રજૂ કરશે, જ્યારે અમેરિકા સંવેદનશીલ ટેકનોલોજીની ચીનમાં થતી નિકાસ પરના પ્રતિબંધો જાળવી રાખવા મક્કમ છે.

શી જિનપિંગ દ્વારા ટ્રમ્પ પર તાઇવાનને વેચવામાં આવતા અમેરિકન હથિયારોમાં ઘટાડો કરવા માટે પણ દબાણ લાવવામાં આવશે. ટ્રમ્પ પ્રશાસને ડિસેમ્બર મહિનામાં જ તાઇવાન માટે 11 અબજ ડોલરના હથિયાર પેકેજને મંજૂરી આપી હતી, જે તાઇવાનના ઇતિહાસનું સૌથી મોટું સંરક્ષણ પેકેજ હતું. જ્યારે બીજું 14 અબજ ડોલરનું પેકેજ હાલ રોકી રાખવામાં આવ્યું છે. ટ્રમ્પે ભૂતકાળમાં તાઇવાન સાથેના હથિયારોના સોદાને એક સોદાબાજીના સાધન તરીકે ઓળખાવ્યું હતું.

ઈરાન વિવાદ અને ક્રૂડ ઓઇલ બજારની ગૂંચવણ

ઈરાનનો મુદ્દો બંને નેતાઓ વચ્ચેના સંબંધોની વધુ એક કસોટી કરશે. બેઇજિંગ અને તેહરાન વચ્ચે ઘનિષ્ઠ સંબંધો છે, અને અમેરિકા માને છે કે ચીન પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને આ યુદ્ધની મડાગાંઠ ઉકેલવામાં મદદ કરી શકે છે. જોકે ટ્રમ્પે જણાવ્યું છે કે તેમને આ મામલે ચીનની મદદની જરૂર નથી.

વિશ્વના સૌથી મોટા ઓઇલ આયાતકાર દેશ તરીકે ચીને યુદ્ધ શરૂ થયા પછી ક્રૂડ બજારોને સ્થિર રાખવામાં ભૂમિકા ભજવી છે, જેમાં માગ ઘટાડવી અને પોતાના વ્યૂહાત્મક ભંડારમાંથી તેલ મુક્ત કરવાનો સમાવેશ થાય છે. બીજી તરફ, અમેરિકાએ ઈરાન સાથે વેપાર ચાલુ રાખનારા દેશો સામે ચેતવણી આપી હોવા છતાં, મોટી ચીની બેંકો પર આકરા સેકન્ડરી પ્રતિબંધો લગાવવાનું હાલ ટાળ્યું છે.

વ્હાઇટ હાઉસમાં સ્ટેટ ડિનર અને ટેક દિગ્ગજોની બેઠક

ગુરુવારે વ્હાઇટ હાઉસમાં યોજાનાર ઔપચારિક સ્ટેટ ડિનરમાં વિશ્વના ટોચના ટેક એક્ઝિક્યુટિવ્સ હાજરી આપશે, જેમાં Appleના CEO ટિમ કૂક, Nvidiaના CEO જેનસન હુઆંગ અને OpenAIના CEO સામ ઓલ્ટમેન સામેલ છે. આ કાર્યક્રમમાં વ્હાઇટ હાઉસ ખાતે સૈન્ય જેટ વિમાનોના ફ્લાયઓવર સાથે લશ્કરી સન્માન અને નેશનલ આર્કાઇવ્ઝની મુલાકાત પણ સામેલ છે.

બંને દેશોના આંતરિક પડકારો અને આગામી મુલાકાતો

આ સમિટ એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકામાં નવેમ્બરની કોંગ્રેસ ચૂંટણીઓ પહેલાં ટ્રમ્પ વધતા ઊર્જાના ભાવ અને ઈરાન યુદ્ધને લઈને લોકોના અસંતોષનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ, શી જિનપિંગ મજબૂત વિદેશ વેપાર છતાં ઘરેલું ખર્ચમાં ઘટાડો અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં લાંબી મંદીની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. બંને નેતાઓ આ વર્ષના અંતમાં ફરી મળી શકે છે, જેમાં નવેમ્બરમાં ચીનમાં યોજાનાર એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન (APEC) સમિટ અથવા ડિસેમ્બરમાં અમેરિકામાં યોજાનાર G20 બેઠકનો સમાવેશ થાય છે.