ટ્રમ્પે ઝૂકવું પડશે : અમેરિકામાં શટ-ડાઉન જલ્દી ખતમ થવાની વધતી જતી આશા

સેનેટે પસાર કરેલા વિધેયકમાં મહત્વની કલમ તે છે કે શટ-ડાઉન દરમિયાન કાઢી મુકેલા કર્મચારીઓને પાછા લેવામાં આવશે
વોશિંગ્ટન: છેલ્લા ૪૦ દિવસથી અમેરિકામાં ચાલી રહેલું શટ-ડાઉન ખત્મ થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. સેનેટે તે અંગેનું વિધેયક પસાર કરી દીધું છે. જે હવે પ્રતિનિધિ સભાને મોકલાશે. આ વિધેયક પ્રમાણે મોટા ભાગની સંધીય એજન્સીઓને જાન્યુઆરી (૨૬) સુધી ફંડ અપાશે, સાથે શટ-ડાઉનની અસરવાળા કર્મચારીઓને 'બેક-પે' (બાકી રહેતો પગાર) પણ અપાશે.
આ સમાધાન ગત સપ્તાહના અંતમાં ડેમોક્રેટિક સેનેટર જીન ચાટીન અને મૈંગી હસને (ન્યુ હેમ્પશાયર) રીપબ્લિકન નેતા જહોન ટયુન અને વ્હાઇટ-હાઉસના પ્રતિનિધિઓએ સાથે મળીને તૈયાર કર્યું છે. ઓછામાં ઓછા ૮ ડેમોક્રેટ સેનેટર્સે પોતાની પાર્ટી-લાઇનથી હઠીને તે બિલને સમર્થન આપ્યું છે. તેમની મદદથી તે બિલ સેનેટમાં ૬૦ મતથી પસાર થયું છે. જોકે ડેમોક્રેટ નેતા ચક શુમરે આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. તેઓએ કહ્યું છે કે, આ વિધેયક, સ્વાસ્થ્ય સેવાઓ, (હેલ્થ કેર) અંગેની કેટલીક મુશ્કેલીઓ ખાસ કરીને 'એફોર્ડેબલ કેર એક્ટ'ની સબસીડી જેવા મુદ્દાઓ નજર અંદાજ કરે છે.
આ બિલમાં મહત્વની કલમ તે છે કે, તેમાં 'શટ-ડાઉન' દરમિયાન 'ઘરે બેસાડી દીધેલા' કર્મચારીઓને પાછા સેવામાં લેવા પડશે તે સાથે ફૂડ-સ્ટેમ્પ-પ્રોગ્રામને વિત્ત વર્ષ ૨૦૨૬ સુધી ફંડ આપવાનું વચન અપાયું છે. તેથી ઓછી આવકવાળા લાખ્ખો કુટુમ્બોને રાહત મળશે.
રીપબ્લિકન નેતાઓએ આશ્વાસન આપ્યું છે કે ડીસેમ્બરનાં બીજા સપ્તાહ સુધી તો આરોગ્ય સેવાઓ સાથે સંલગ્ન સબસીડી અંગે એક અલગ વિધેયક તૈયાર કરાવી તેની ઉપર મતદાન કરશે. આ વિધેયક વિષે ડેમોક્રેટ્સ અને રીપબ્લિકન નેતાઓ વચ્ચે સંસદ ફરી શરૂ થશે ત્યારે વાતચીત થશે.
તે સર્વવિદિત છે કે, લાંબા શટ-ડાઉનને લીધે દેશભરમાં સરકારી કામકાજમાં વિલંબ થયો છે. એર-ટ્રાવેલ સૌથી વધુ પ્રભાવિત થઈ છે. કેટલીયે અમેરિકન એરલાઇન્સે પોતાના ઉડ્ડયનો ઘટાડી દીધા છે. રવિવારે હજારો ફલાઈટ રદ કરવી પડી હતી. ફેડરલ-એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફ.એ.એ)એ ફલાટસમાં ૪ ટકા ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે. એર ટ્રાફિક કંટ્રોલમાં સ્ટાફની ભારે અછતને લીધે મુસાફરોની મુશ્કેલીઓ વધી ગઈ છે. ખાસ કરીને થેંક્સ ગિવિંગ સેરીમની દરમિયાન રજાઓ પર જનારા બે વખત વિચારે છે.
હવે સૌનું ધ્યાન નીચલા ગૃહ (હાઉસ ઓફ રેપ્રિઝેન્ટેટીવ્ઝ ઉપર છે) જો ત્યાં આ બિલ પસાર થશે તો સરકારી કામકાજ ફરી યથાવત્ શરૂ થઈ જશે.
અમેરિકાના ઈતિહાસમાં આ સૌથી લાંબો શટ-ડાઉન છે તેથી ઉડ્ડયનોથી શરૂ કરી સરકારી સંશોધન કેન્દ્રો પણ ઠપ્પ રહ્યાં છે.








