‘જો કોઈ દેશ અમારી સાથે ખેલ કરશે તો...’ ટ્રમ્પની વધુ એક ચેતવણીએ ફરી વધાર્યું ટેન્શન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US President Donald Trump Warns World : અમેરિકન બંધારણમાં ટેરિફ નાંખવાનો અધિકાર માત્ર સંસદને અપાયેલો છે... પ્રમુખ ટ્રમ્પને ટેરિફ નાંખવાનો કોઈ કાયદાકીય અધિકાર જ નથી... ટ્રમ્પે દુનિયાના દેશો પર નાંખેલા રેસિપ્રોકલ સહિતના ટેરિફ ગેરકાયદે છે... અમેરિકન સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખુબ ગુસ્સામાં આવી ગયા છે અને તેમણે કોર્ટનો ગુસ્સો વિશ્વ પર ઉતારવાનું શરૂ કરી દીધું છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે (20 ફેબ્રુઆરી)એ ટેરિફ મામલે ચુકાદો આપ્યાના થોડી જ મિનિટોમાં ટ્રમ્પે વોશિંગ્ટનથી પ્રેસ કોન્ફરન્સ કરીને વિશ્વ પર 10 ટકા ટેરિફ ઝિંકવાની જાહેરાત કરી હતી, આટલું ઓછું પડ્યું હોય આ ઓછું હોય તેમ જાહેરાત કર્યાના થોડાજ કલાકોમાં ટ્રમ્પે ગ્લોબલ ટેરિફ વધારીને 15 ટકા કરી નાખ્યો હતો. ત્યારે આ તમામ ઘટનાક્રમ વચ્ચે ટ્રમ્પે સોમવારે (23 ફેબ્રુઆરી) વધુ એક ચેતવણીરૂપ નિવેદન કરી વિશ્વભરનું ટેન્શન વધારી દીધું છે.
‘જો કોઈ દેશ રમત રમવાનો પ્રયાસ કરશે તો...’ ટ્રમ્પની ચેતવણી
સુપ્રીમ કોર્ટના ચુકાદાથી નારાજ થયેલા ટ્રમ્પે આજે સ્પષ્ટ કહ્યું છે કે, અમેરિકન સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ, ટેરિફ બાબતે જો કોઈ દેશ રમત રમવાનો પ્રયાસ કરશે તો તે દેશ પર પહેલાં કરતાં વધુ ટેરિફ ઝીંકવામાં આવશે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ પર સ્પષ્ટ કહ્યું છે કે, આવા દેશોએ ખૂબ જ વધુ ટેરિફનો સામનો કરવો પડશે.
અમેરિકન રાષ્ટ્રપ્રમુખે ટ્રુથ પર ચેતવણી આપી છે કે, ‘જો કોઈ દેશ સુપ્રીમ કોર્ટના નિર્ણયનો લાભ ઉઠાવીને રમત રમવાનો પ્રયાસ કરશે, ખાસકરીને તે દેશ, જેમણે વર્ષો અને દાયકાઓથી અમેરિકાને લૂંટ્યું છે, તો આવા દેશો પર પહેલેથી જ વધુ ટેરિફ લાદવામાં આવશે. આનાથી પણ વધુ ખતરનાક એ થશે કે, આવા દેશો પર ટ્રેડ ડીલ હેઠળ હાલનો જે ટેરિફ નિર્ધારીત કરાયો છે, તેનાથી પણ વધુ ટેરિફ લાદવામાં આવશે.’

સુપ્રીમ કોર્ટે ટ્રમ્પને આપ્યો હતો મોટો ઝટકો
ઉલ્લેખનીય છે કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે બીજા કાર્યકાળમાં સત્તા સંભાળ્યા પછી નેશનલ ઈમર્જન્સી પાવર એક્ટ હેઠળ દુનિયાના લગભગ બધા દેશો પર 'રેસિપ્રોકલ' ટેરિફનું શસ્ત્ર ઉગામીને આખા વિશ્વને હચમચાવી નાંખ્યું હતું. પરંતુ હવે એક વર્ષ પછી અમેરિકાની સુપ્રીમ કોર્ટે શુક્રવારે આદેશ આપ્યો છે કે, અમેરિકન બંધારણમાં ટેરિફ નાંખવાનો અધિકાર માત્ર સંસદને અપાયેલો છે. પ્રમુખ ટ્રમ્પને ટેરિફ નાંખવાનો કોઈ કાયદાકીય અધિકાર જ નથી. આથી, ટ્રમ્પે દુનિયાના દેશો પર નાંખેલા રેસિપ્રોકલ સહિતના ટેરિફ ગેરકાયદે છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે 6-3ની બહુમતીથી આ ચૂકાદો આપતા ટ્રમ્પની આક્રમક વિદેશ અને વેપાર નીતિને મોટો ફટકો પહોંચાડયો છે. જોકે, ટ્રમ્પે ટેરિફ મારફત દુનિયાભરમાંથી ડિસેમ્બર 2025 સુધીમાં 133 અબજ ડોલર અમેરિકાના ખજાનામાં ઠાલવ્યા છે. આ રકમ કંપનીઓને રીફન્ડ કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટે કોઈ ફોડ પાડયો નથી. બીજીબાજુ અમેરિકાના નાના ઉદ્યોગોએ ઝડપથી રીફન્ડ મળવાની આશા વ્યક્ત કરી છે. આ ચૂકાદાથી અમેરિકાના આયાતકારોને લાભ થયો છે.
સુપ્રીમ કોર્ટનો ચુકાદો છતાં ટ્રમ્પે 15 ટકા ગ્લોબલ ટેરિફ ઝિંક્યો
અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પે દુનિયા પર નાંખેલા ટેરિફને ગેરકાયદે ઠેરવતા અમેરિકન આયાતકારો અને વિશ્વને ટ્રમ્પના ટેરિફની ચુંગાલમાંથી છુટવાની રાહત મળશે તેવી આશા જાગી હતી. પરંતુ અમેરિકન સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ તુરંત જ પ્રમુખ ટ્રમ્પે 10 ટકા ગ્લોબલ ટેરિફ (Global Tariff) ઝીંકી બધાની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. આ ઓછું હોય તેમ જાહેરાત કર્યાના થોડાજ કલાકોમાં ટ્રમ્પે ગ્લોબલ ટેરિફ વધારીને 15 ટકા કરી નાખ્યો હતો. આ ટેરિફનો અમલ મંગળવારે 24 ફેબ્રુઆરીથી થશે. સુપ્રીમના આદેશ છતાં ટ્રમ્પે કહ્યું કે, કશું જ બદલાયું નથી. ભારતે ટેરિફ આપવો જ પડશે અને અમેરિકા ટેરિફ નહીં જ આપે. હું જે ઈચ્છું તે કરી શકું છું. જોકે, ભારત માટે રાહત વાત એ છે કે અમેરિકા સાથે વેપાર સોદામાં લગાવાયેલો 18 ટકા ટેરિફ હવે 15 ટકા થઈ ગયો છે.
15 ટકા ગ્લોબલ ટેરિફનો કેટલાક સામાન પર અમલ નહીં
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે દુનિયાના દેશો પર 15 ટકા ટેરિફ નાંખવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા પછી વ્હાઈટ હાઉસે ફેક્ટશીટ જાહેર કરી જણાવ્યું કે, અમેરિકન અર્થતંત્રની જરૂરિયાતના કારણે અને અમેરિકા સામેની મૂળભૂત આંતરરાષ્ટ્રીય ચૂકવણી સમસ્યાઓને વધુ અસરકારક રીતે સંબોધવા માટે ડયુટી વધુ અસરકારક રીતે સુનિશ્ચિત કરવા કેટલાક માલ-સામાન પર કામચલાઉ ઈમ્પોર્ટ ડયુટી લાગુ નહીં પડે. આ સામાનમાં ચોક્કસ દુર્લભ ખનીજો, ચલણ અને બુલિયનમાં વપરાતી ધાતુઓ, એનર્જી અને એનર્જીના ઉત્પાદનો, કુદરતી સંશાધનો અને કેટલાક ખાતર, બીફ, ટામેટાં અને નારંગી સહિત ચોક્કસ કૃષિ ઉત્પાદનો, ફાર્માસ્યુટિકલ્સ અને ફાર્માસ્યુટિકલ ઘટકો, ચોક્કસ ઈલેક્ટ્રોનિક્સ, પેસેન્જર વાહનો, ચોક્કસ હળવા ટ્રક, ચોક્કસ મધ્યમ અને ભારે ડયુટી વાહનો, બસો અને પેસેન્જર વાહનોના કેટલાક પાર્ટ્સ અને કેટલાક એરોસ્પેસ ઉત્પાદનોનો સમાવેશ થાય છે.








