Get The App

સીઝફાયરની આશા પર પાણી? ઈરાન પર બંકર બસ્ટર બોમ્બથી ભીષણ હુમલો, ટ્રમ્પે શેર કર્યો વીડિયો

Updated: Mar 31st, 2026

GS TEAM

Google News
Google News
Trump Iran Strikes Video

Trump Iran Strikes Video: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા આ ભીષણ યુદ્ધમાં જ્યાં દુનિયા શાંતિની આશા રાખી રહી હતી, ત્યાં આ તાજેતરના હુમલાએ સીઝફાયરની તમામ શક્યતાઓ પર પાણી ફેરવી દીધું હોય તેમ લાગે છે. ઈરાન પર બંકર બસ્ટર બોમ્બથી કરવામાં આવેલા આ પ્રચંડ હુમલા અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે અમેરિકા અત્યારે નરમ પડવાના મૂડમાં નથી. ઇસ્ફહાનમાં લાગેલી આ આગ માત્ર સૈન્ય ઠેકાણાઓ સુધી મર્યાદિત નથી, પરંતુ તે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ વણસાવી રહી છે. ટ્રમ્પની આ આક્રમક વ્યૂહનીતિ અને પરમાણુ મથકોને નિશાન બનાવવાની આ કાર્યવાહીએ હવે પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળોને વધુ ઘેરા બનાવ્યા છે, જેના કારણે આગામી દિવસોમાં આ સંઘર્ષ વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે.

ઈરાન વિરુદ્ધ અમેરિકાનું આક્રમક સૈન્ય અભિયાન શરૂ

'ઓપરેશન એપિક ફ્યુરી' હેઠળ કરવામાં આવેલા આ હુમલામાં અમેરિકાએ તેના શક્તિશાળી B2 બંકર બસ્ટર બોમ્બનો ઉપયોગ કર્યો હોવાના અહેવાલ છે. ટ્રમ્પે અગાઉ જ ચેતવણી આપી હતી કે જો ઈરાન વહેલી તકે સમજૂતી નહીં કરે તો તેના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જડબાતોડ જવાબ આપીને નેસ્તનાબૂદ કરી દેવામાં આવશે. ઇસ્ફહાન શહેર, જે આશરે 2.3 મિલિયનની વસ્તી ધરાવે છે અને જ્યાં બદ્ર મિલિટરી એરબેઝ આવેલું છે, ત્યાં રાત્રિના સમયે થયેલા પ્રચંડ વિસ્ફોટોથી આખું આકાશ ગુંજી ઉઠ્યું હતું.

સમૃદ્ધ યુરેનિયમનો સંગ્રહ કરતાં ઇસ્ફહાન શહેર પર એરસ્ટ્રાઇક

વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, અમેરિકન દળોએ ઇસ્ફહાનમાં આવેલા દારૂગોળાના મોટા ડેપો પર 2,000 પાઉન્ડના બંકર-બસ્ટર બોમ્બ વડે હુમલો કર્યો છે. ઇસ્ફહાન શહેર ઈરાનના પરમાણુ કાર્યક્રમ સાથે જોડાયેલા સમૃદ્ધ યુરેનિયમનો સંગ્રહ કરવા માટે જાણીતું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ઉનાળામાં 'ઓપરેશન મિડનાઇટ હેમર' હેઠળ પણ અમેરિકાએ આ શહેરના પરમાણુ મથકોને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં વપરાયેલા B2 બોમ્બર વિમાનો વિશ્વના સૌથી અદ્યતન વિમાનોમાંના એક છે, જે જમીનની ઊંડે ઉતરીને વિસ્ફોટ કરવાની ક્ષમતા ધરાવતા GBU-57 બંકર-બસ્ટર બોમ્બ લઈ જવા માટે સક્ષમ છે.

આ પણ વાંચો: 'પાકિસ્તાન પોતે આતંકવાદથી ઘેરાયેલું...', ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી માટે ઈઝરાયલે ભારત પર મૂક્યો ભરોસો

કોઈપણ દેશની સુરક્ષા વ્યવસ્થા ભેદીને હુમલો કરવાની ક્ષમતા

B2 બોમ્બર તેની અદ્યતન ડિઝાઇન અને ખાસ મટીરિયલને લીધે રડારની નજરમાં આવતું નથી, જે તેની સૌથી મોટી ખાસિયત છે. આ વિશેષતાને કારણે તે કોઈપણ દેશની સુરક્ષા વ્યવસ્થાને તોડીને જમીનની અંદર ખૂબ જ ઊંડે આવેલા પરમાણુ મથકો અને કમાન્ડ સેન્ટરોને ધ્વસ્ત કરી શકે છે. વિશ્વભરમાં માત્ર આ એક જ એવું વિમાન છે જે અત્યંત શક્તિશાળી GBU-57 બોમ્બ ફેંકવાની ક્ષમતા ધરાવે છે. ગયા વર્ષે જૂનમાં હાથ ધરાયેલા 'ઓપરેશન મિડનાઇટ હેમર' વખતે સાત B2 બોમ્બરોએ ઈરાનના ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાન જેવા સંવેદનશીલ પરમાણુ સ્થળો પર કુલ 14 બોમ્બ વરસાવ્યા હતા. આ સૈન્ય કાર્યવાહી દ્વારા અમેરિકાએ દુનિયાને બતાવી દીધું કે ગમે તેટલી ઊંડાઈએ છુપાયેલા દુશ્મનના ઠેકાણાઓને પણ તે પળવારમાં નેસ્તનાબૂદ કરવાની તાકાત રાખે છે.

સીઝફાયરની આશા પર પાણી? ઈરાન પર બંકર બસ્ટર બોમ્બથી ભીષણ હુમલો, ટ્રમ્પે શેર કર્યો વીડિયો 2 - image