West Asia Conflict: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના બીજા મહિને ઈઝરાયલના વિદેશ મંત્રાલયના વિશેષ દૂત ફ્લેર હસન-નહૂમે એક અત્યંત મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે આ યુદ્ધને શરૂઆતથી જ 'મલ્ટી-ફ્રન્ટ' એટલે કે બહુઆયામી પ્રાદેશિક યુદ્ધ ગણાવ્યું છે. યરૂશલેમથી વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે, ગત 7 ઑક્ટોબરે દક્ષિણમાંથી હમાસ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેને ઈરાનનું સમર્થન પ્રાપ્ત છે. આ ઘટનાના બીજા જ દિવસે ઉત્તર દિશામાંથી પણ હુમલા શરૂ થઈ ગયા હતા, જેનાથી સ્પષ્ટ થયું કે ઈઝરાયલે એકસાથે અનેક મોરચે લડવું પડી રહ્યું છે. જોકે, તેમણે દાવો કર્યો છે કે ઈઝરાયલે સૈન્ય રીતે આ જંગમાં મોટી બઢત મેળવી લીધી છે.
મધ્યસ્થતા માટે પાકિસ્તાન કરતાં ભારત વધુ સક્ષમ અને યોગ્ય
મધ્યસ્થતાના મુદ્દે ફ્લેર હસન-નહૂમે પાકિસ્તાન કરતાં ભારતની ભૂમિકાને વધુ મહત્ત્વની ગણાવી છે. તેમણે પાકિસ્તાનની ક્ષમતા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, પાકિસ્તાન પોતે જ આતંકવાદની સમસ્યાથી ઘેરાયેલું છે, તેથી તે મધ્યસ્થી તરીકે સફળ થઈ શકે તેમ નથી. તેની સામે ભારતના તમામ દેશો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધોની પ્રશંસા કરતાં તેમણે જણાવ્યું કે, ભારત પાકિસ્તાન કરતાં ઘણું સારું મધ્યસ્થ સાબિત થઈ શકે છે. અમેરિકાની ભૂમિકા અંગે વાત કરતાં તેમણે ઉમેર્યું કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હંમેશા વાતચીતની તક આપી છે, પરંતુ ઈરાનની જીદના કારણે કોઈ પણ સમજૂતી થઈ શકી નથી.
આ પણ વાંચો: શાંતિ નથી ઈચ્છતા આ 4 ખાડી દેશો! ટ્રમ્પને પાઠવ્યો સિક્રેટ મેસેજ- ઈરાન પર હુમલા ચાલુ રાખો
વિરોધી પક્ષોના 80% રોકેટ લોન્ચ સિસ્ટમનો ઈઝરાયલ દ્વારા નાશ
છેલ્લા એક મહિનાની સૈન્ય કાર્યવાહી અંગે દાવો કરતાં ઈઝરાયલી દૂતે જણાવ્યું કે, વિરોધી તાકાતો હવે ઘણી નબળી પડી ગઈ છે. તેમના જણાવ્યા અનુસાર, ઈરાન સાથે જોડાયેલા રોકેટ લોન્ચ સિસ્ટમનો આશરે 80% હિસ્સો નષ્ટ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, વિરોધી પક્ષની નૌસેના અને ટોચના સૈન્ય તેમજ રાજકીય નેતૃત્વને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. તેમણે ઈરાનની અંદર વધતી અસ્થિરતા અને નેતૃત્વમાં પડેલી તિરાડોનો પણ ઉલ્લેખ કર્યો હતો. અંતમાં તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપી કે, જે દેશ ખુલ્લેઆમ વિનાશની વાત કરતો હોય તેને કોઈ પણ સંજોગોમાં પરમાણુ હથિયાર રાખવાની પરવાનગી આપી શકાય નહીં.


