| (IMAGE - IANS) |
Trump vs US Judiciary: અમેરિકામાં ટેરિફ મુદ્દે ચાલી રહેલા વિવાદમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સુપ્રીમ કોર્ટે મોટો આંચકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે 6-3ના બહુમતી ચુકાદામાં ટ્રમ્પ દ્વારા ઇમરજન્સી કાયદા હેઠળ લાદવામાં આવેલા ટેરિફને ગેરકાયદે જાહેર કર્યા છે. અદાલતે સ્પષ્ટ કર્યું કે ટ્રમ્પે જે 1977ના 'ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ'(IEEPA, 1977)નો સહારો લીધો હતો, તે તેમને ટેરિફ લાદવાની સત્તા આપતો નથી. આ કાયદા હેઠળ ટ્રમ્પ વેપારને નિયંત્રિત કરી શકે છે, પરંતુ તેના દ્વારા વધારાનો ટેરિફ વસૂલી શકાય નહીં. આ ચુકાદાના કારણે ભારત, ચીન, મેક્સિકો અને કેનેડા જેવા દેશો પર લાદવામાં આવેલા ભારે ટેરિફ હવે કાનૂની મુશ્કેલીમાં મુકાયા છે.
કોર્ટ સામે ટ્રમ્પનો રોષ અને નવો દાવ
કોર્ટના આ આદેશ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કોર્ટની ટીકા કરતા કહ્યું કે, 'મારે આ કોર્ટનું કંઈક કરવું પડશે.' એક સિક્રેટ મીટિંગમાં તેમણે આ ચુકાદાને શરમજનક ગણાવ્યો હતો. ટ્રમ્પે દલીલ કરી હતી કે ટેરિફથી અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ અને રોકાણ વધે છે. ચુકાદાના તુરંત બાદ તેમણે હાર માનવાને બદલે નવો દાવ રમ્યો છે અને વૈશ્વિક સ્તરે 10 ટકા નવો ટેરિફ લાદવાની જાહેરાત કરી દીધી છે. તેમણે વ્યંગમાં એમ પણ કહ્યું કે, 'હું દેશને બરબાદ કરી શકું કે પ્રતિબંધ લગાવી શકું, પણ એક ડોલર ચાર્જ ન કરી શકું તે કેટલી અજીબ વાત છે!'
આ પણ વાંચો: નાઈજિરિયામાં નરસંહાર : હથિયારધારીઓએ 50 લોકોની હત્યા કરી, મહિલા-બાળકોના અપહરણ
વેપારીઓનો વિજય અને ભાવ વધારામાં રાહતની આશા
કોર્ટનો આ નિર્ણય તે અમેરિકન રાજ્યો અને કંપનીઓ માટે મોટી જીત સમાન છે જેઓ લાંબા સમયથી આ ટેરિફનો વિરોધ કરી રહ્યા હતા. વેપારીઓનો તર્ક હતો કે ટેરિફ વધવાને કારણે સામાન્ય ગ્રાહકો માટે ચીજવસ્તુઓ મોંઘી થઈ હતી અને વેપાર પર ભારે બોજ વધ્યો હતો. આ ચુકાદા બાદ હવે અબજો ડોલરના રિફંડનો રસ્તો ખુલી શકે છે. જોકે, ટ્રમ્પ પોતાની આર્થિક નીતિઓ પર મક્કમ છે અને આગામી સમયમાં ન્યાયતંત્ર તેમજ સરકાર વચ્ચે મોટો બંધારણીય સંઘર્ષ જોવા મળી શકે છે.


