World

ટ્રમ્પે લાલ જાજમ પાથરી પણ જિનપિંગે મગનું નામ મરી પાડયું જ નહીં !

By GS Team
26 Sep 20263 mins read
TukuTouch Logo
વોશિંગ્ટનમાં અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે વ્હાઈટ હાઉસમાં મુલાકાત થઈ. પ્રોટોકોલ તોડી લાલ જાજમ પાથરી ટ્રમ્પે જિનપિંગનું સ્વાગત કર્યું. AI અને ટેક્નોલોજી જેવા કેટલાક મુદ્દાઓ પર સહમતી સધાઈ, પરંતુ ટેરિફ વોર, વેપાર, તાઈવાન જેવા મહત્ત્વના મુદ્દાઓ વણઉકેલ્યા રહ્યા. આ બેઠકમાં કોઈ નક્કર પરિણામ ન આવતા, ચર્ચા ઓછી અને દેખાડો વધુ જોવા મળ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પે લાલ જાજમ પાથરી પણ જિનપિંગે મગનું નામ મરી પાડયું જ નહીં !
  • ટ્રમ્પ-જિનપિંગની મુલાકાતમાં ચર્ચા ઓછી, દેખાડો વધુ
  • ટેરિફ, અમેરિકન સામાનની ખરીદી, રેર અર્થના સપ્લાય, ચીનમાં ટેક્નોલોજીની નિકાસ પર પ્રતિબંધો જેવા મુદ્દા વણઉકલ્યા રહ્યા

વોશિંગ્ટન : અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોર તથા વૈશ્વિક ઘર્ષણોમાં આમને-સામને હોવા છતાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણથી સ્ટેટ વિઝિટ પર આવેલા ચીનના પ્રમુખ જિનપિંગ માટે ટ્રમ્પે પ્રોટોકોલ તોડી લાલ જાજમ પાથરી આગતા સ્વાગતા કરી, પરંતુ બંને નેતાઓ વચ્ચે વ્હાઈટ હાઉસમાં થયેલી દ્વિપક્ષીય બેઠકમાં એઆઈ, ટેક્નોલોજી સહિતના કેટલાક મુદ્દાઓ પર સહમતી સધાવા છતાં મહત્વના મુદ્દાઓ પર કોઈ નક્કર પરિણામ આવ્યું નહીં. આ બેઠક પછી ટ્રમ્પે મિત્રની જેમ જિનપિંગને વ્હાઈટ હાઉસમાં ફેરવ્યા હતા.
ચીનના પ્રમુખની સ્ટેટ વિઝિટના બીજા દિવસે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે જિનપિંગને મિત્ર ગણાવી વ્હાઈટ હાઉસમાં ફેરવ્યા, ૫૦ કરોડનું હેલિપેડ બતાવ્યું, યુએસ નેશનલ આર્કાઈવ્સમાં અમેરિકન બંધારણ, સ્વતંત્રતાની જાહેરાત સહિતના ઐતિહાસિક દસ્તાવેજો બતાવ્યા. ટ્રમ્પે જિનપિંગ સમક્ષ અમેરિકાની તાકાત અને વૈભવનો દેખાડો પણ કર્યો, પરંતુ આ પહેલાં બંને મહાસત્તાઓના પ્રમુખોની આ મુલાકાતનું કોઈ પરિણામ આવ્યું નહીં.
ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે વ્હાઈટ હાઉસમાં બંધબારણે બેઠક થઈ હતી. ટ્રમ્પે આ બેઠકને ઘણી જ પ્રોડક્ટિવ ગણાવી અને કહ્યું કે, આ બેઠકમાં અમેરિકા અને ચીન માટે અસાધારણ ચર્ચા થઈ. પરંતુ ટ્રમ્પે આ ચર્ચાની કોઈ વિગતો જાહેર કરી નહીં. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, એઆઈ ટેક્નોલોજીને 'સુપર ઈન્ટેલિજન્સ' ગણવાના તેમના પ્રસ્તાવથી જિનપિંગ સહમત થયા.
જિનપિંગે કહ્યું કે, ચીન-અમેરિકાના સંબંધો નવા ઐતિહાસિક પ્રારંભિક બિંદુ પર છે. પ્રમુખ ટ્રમ્પ અને મેં ગંભીરતાપૂર્વક અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી. આ બેઠકે ચીન અને અમેરિકાના સંબંધોને સકારાત્મક બનાવશે. જિનપિંગે ચીન-અમેરિકાના સંબંધોને સામાન્ય બનાવવા માટે પૂર્વ પ્રમુખ માઓ ઝેડોન્ગ અને અમેરિકન પ્રમુખ રિચાર્ડ નિક્સનના પ્રયત્નોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
જોકે, બંને નેતા વચ્ચે વ્હાઈટ હાઉસના રૂમમાં બંધબારણે થયેલી ચર્ચાનો મુખ્ય મુદ્દો વેપાર રહ્યો. જિનપિંગ અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર ઘર્ષણને એક વર્ષ કરતાં વધુ સમય લંબાવવા માગતા હતા, પરંતુ બંને દેશ અંતે તેને બે મહિના લંબાવવા માટે સહમત થયા. આ સિવાય ટેરિફ, ચીન દ્વારા અમેરિકન સામાનની ખરીદી, રેર અર્થના સપ્લાય પર ચીનના નિયંત્રણ અને ચીનમાં ટેક્નોલોજીના નિકાસ પર અમેરિકાના પ્રતિબંધો જેવા મહત્ત્વના મુદ્દાઓનો આ ચર્ચામાં કોઈ ઉકેલ આવ્યો નહીં.
બીજીબાજુ ચીને ટ્રમ્પ સમક્ષ તાઈવાનનો મુદ્દો ઉઠાવતા સ્પષ્ટ કરી દીધું કે, અમેરિકા અને ચીનના સંબંધો માટે તાઈવાન લાલ રેખા સમાન છે, જેને ટ્રમ્પે પાર કરવી જોઈએ નહીં. જિનપિંગે સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રીય એકતા અને પ્રાદેશિક અખંડતાનું રક્ષણ કરવા બાબતે ચીનનું વલણ એકદમ સ્પષ્ટ છે. પરંતુ ટ્રમ્પે તાઈવાન મુદ્દે અમેરિકા તેના વલણમાં પીછેહઠ કરશે તેવા કોઈ સંકેત આપ્યા નહીં.
જિનપિંગ અને ટ્રમ્પની મુલાકાતને ટાંકીને ચીન ખાતેના અમેરિકાના રાજદૂતે દાવો કર્યો કે ટ્રમ્પે જિનપિંગને સંભળાવી દીધું કે ઈરાનને ચીનની સહાયને તેઓ સાંખી લેશે નહીં. જોકે, આ મુદ્દે ચીન તરફથી કોઈ ખુલાસો થયો નથી. બંને નેતાની ચર્ચા પછી ટ્રમ્પે જિનપિંગને મિત્રની જેમ વ્હાઈટ હાઉસમાં ફેરવ્યા હતા. આ સાથે કોઈપણ નિર્ણાયક નિર્ણયો વિના જિનપિંગની અમેરિકાની સ્ટેટ વિઝિટ પૂરી થઈ હતી.