Get The App

ટ્રમ્પની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી, ઈરાનના 'આર્થિક કરોડરજ્જુ' પર ભીષણ હુમલો

Updated: Mar 14th, 2026

GS TEAM

Google News
Google News
ટ્રમ્પની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી, ઈરાનના 'આર્થિક કરોડરજ્જુ' પર ભીષણ હુમલો 1 - image

Trump Orders Attack on Iran Kharg Island | મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ જંગ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરીને ઈરાનના વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવા ખાર્ગ આઈલેન્ડ (Kharg Island) પર અમેરિકાના હુમલાની પુષ્ટિ કરી છે.

ટ્રમ્પની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી, ઈરાનના 'આર્થિક કરોડરજ્જુ' પર ભીષણ હુમલો 2 - image

મિડલ ઈસ્ટના ઇતિહાસનો સૌથી શક્તિશાળી હુમલો

ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમના નિર્દેશ પર અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડે ઈરાનના સૌથી મહત્વના વ્યૂહાત્મક વિસ્તાર એવા ખાર્ગ આઈલેન્ડ પર જોરદાર બોમ્બમારો કર્યો છે. આ હુમલામાં ટાપુ પર આવેલા તમામ ઈરાની સૈન્ય ઠેકાણાઓને સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યા છે. ટ્રમ્પે કહ્યું કે, "અમારા હથિયારો દુનિયામાં સૌથી શક્તિશાળી અને અત્યાધુનિક છે. ઈરાન પાસે અમારી કાર્યવાહી સામે બચવાની કોઈ ક્ષમતા નથી."

ઓઈલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અત્યારે છોડ્યું, પણ મોટી ચેતવણી

ટ્રમ્પે જણાવ્યું કે સંયમ જાળવીને તેમણે જાણીજોઈને ખાર્ગ આઈલેન્ડ પરના ઓઈલ ટર્મિનલ્સ અને પાઈપલાઈનને નષ્ટ કરી નથી, જેથી વૈશ્વિક તેલ પુરવઠો તરત જ ન ખોરવાય. જોકે, તેમણે કડક ચેતવણી આપી છે કે જો ઈરાન કે અન્ય કોઈ દેશ હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માંથી પસાર થતા જહાજોને રોકવાની કોશિશ કરશે, તો અમેરિકા તરત જ તેલના ઠેકાણાઓને પણ નષ્ટ કરતા ખચકાશે નહીં.

ઈરાન માટે કેમ 'લાઇફલાઇન' છે ખાર્ગ આઈલેન્ડ?

90% નિકાસ: ઈરાનનું 90% જેટલું કાચું તેલ આ ટાપુ પરથી જ અન્ય દેશોમાં નિકાસ થાય છે.

ક્ષમતા: અહીંથી દરરોજ અંદાજે 70 લાખ બેરલ તેલ જહાજોમાં ભરી શકાય છે.

આર્થિક કરોડરજ્જુ: ઈરાનની સરકાર અને તેની સેનાને મળતું ફંડ મોટાભાગે આ ટાપુ પરથી થતી તેલની કમાણી પર આધારિત છે.

લોકેશન: ફારસની ખાડીમાં ઈરાની તટથી 33 કિમી દૂર આવેલો આ ટાપુ ઈરાનનું સૌથી મોટું ઓઈલ એક્સપોર્ટ હબ છે.

પરમાણુ હથિયાર અને ઈરાની સરકારને અલ્ટીમેટમ

ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઈરાનને ક્યારેય પરમાણુ હથિયાર મેળવવા દેવામાં આવશે નહીં. તેમણે ઈરાની સેના અને ત્યાંની સરકારને સલાહ આપી છે કે, "સમજદારી એમાં જ છે કે તમે હથિયાર નીચે મૂકી દો અને દેશના જે પણ હિસ્સા બચ્યા છે તેને બચાવવાનો પ્રયાસ કરો, કારણ કે હવે તમારી પાસે વધુ કંઈ બચ્યું નથી."