Get The App

Explainer: પાઇલટને બચાવવાના બહાને ઈરાનમાં ટ્રમ્પની બીજી કોઈ કાર્યવાહી? જાણો અમેરિકન ઓપરેશન સામે ઉઠેલા પાંચ સવાલ

Updated: Apr 6th, 2026

GS TEAM

Google News
Google News
Trump Iran Military Operation

Trump Iran Military Operation: ઈરાનના હવાઈ ક્ષેત્રમાં અમેરિકન F-15 ફાઇટર જેટને તોડી પાડ્યા બાદ હાથ ધરાયેલી બચાવ કાર્યવાહીએ વૈશ્વિક સંરક્ષણ નિષ્ણાતો વચ્ચે નવી ચર્ચા ઊભી કરી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પેન્ટાગોને આ અભિયાનને હિંમતભર્યું રાહત મિશન ગણાવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતાઓ તેનાથી વિપરીત સંકેત આપે છે. ખુઝેસ્તાન ઓઈલ ક્ષેત્રો નજીક C-130 અને ઘાતક A-10 વોર્થોગ જેવા મોટા કાર્ગો વિમાનોની હાજરી એ શંકા જન્માવે છે કે આ માત્ર એક-બે પાઇલટને બચાવવાનું અભિયાન ન હતું, ધારવા કરતાં ઘણો મોટો ખેલ રમાયો હોવાનો સંકેત મળે છે. 

જાણો નિષ્ણાતો કયા પાંચ ગંભીર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. 

1. એક-બે પાઇલટને બચાવવા મહાકાય C-130 વિમાન કેમ?

આ બચાવ અભિયાન માટે C-130 વિમાનનો ઉપયોગ થયો હતો. C-130 જેવા મોટા કાર્ગો વિમાન અનેક ડઝન સૈનિકોને લઈ જઈ શકે છે, તો માત્ર એક કે બે પાઇલટને બચાવવા માટે આટલા મોટા વિમાનનો ઉપયોગ શા માટે થયો એવો પ્રશ્ન ઊઠી રહ્યો છે. નિષ્ણાતોને શંકા છે કે ઘણાં બધા અમેરિકન સૈનિકો ઈરાનમાં તહેનાત હોય અને એમને એક સાથે ત્યાંથી ખસેડવાની જરૂરિયાત ઊભી થઈ હોય, તો જ C-130 વિમાનનો ઉપયોગ થયો હોવો જોઈએ. 

2. બચાવ અભિયાનની આડમાં લશ્કરી કાર્યવાહીને અંજામ?

અમેરિકાએ આપેલા સત્તાવાર નિવેદનોમાં અનેક વિસંગતતા સામે આવી છે. ઈરાન દ્વારા જે રીતે ત્રણ અમેરિકન વિમાનનો નાશ કરાયો, તે એક મોટા લશ્કરી સંઘર્ષ તરફ નિર્દેશ કરે છે. માત્ર એક પાઇલટ માટે આટલા મોટા સાધનોને જોખમમાં નાખવું અતાર્કિક છે. નિષ્ણાતો માને છે કે પાઇલટને બચાવવાના અભિયાનનો ઉપયોગ, અમેરિકાના નિષ્ફળ હુમલા અથવા અન્ય જાસૂસી અભિયાનની, સાચી હકીકત છુપાવવા માટે કરાઈ રહ્યો છે.

3. શું ખુઝેસ્તાનની પસંદગી ઓઈલને લગતી કોઈ મોટી કાર્યવાહીનો સંકેત?

ખુઝેસ્તાન ઈરાનનું મુખ્ય ઓઈલ ઉત્પાદન કેન્દ્ર છે. ત્યાં અમેરિકન વિમાનોની હિલચાલ અને ક્રેશ એ શક્યતા ઊભી કરે છે કે અમેરિકા ખુઝેસ્તાનની ઓઈલ સુવિધાઓ પર હુમલો કરવા કે કબજે કરવા માટે ગુપ્ત જમીની કાર્યવાહી કરી રહ્યું હતું. F-15 કદાચ તે ગુપ્ત મથક કે અભિયાન માટે હવાઈ સુરક્ષા પૂરું પાડતું હતું.

આ પણ વાંચો: ‘વિશ્વગુરુ’ બનવા પાકિસ્તાનના હવાતિયા, ઈરાન-અમેરિકાને મોકલ્યો યુદ્ધ રોકવા પ્રસ્તાવ, હોર્મુઝ પર મડાગાંઠ યથાવત્

4. રેસ્ક્યૂ વખતે A-10 અને વધારાના C-130 શા માટે તહેનાત હતા?

આ બચાવ અભિયાનમાં A-10 વોર્થોગ (જમીની હુમલા માટેનું વિશિષ્ટ વિમાન) અને અનેક C-130નું અચાનક આગમન એક વિચિત્ર ઘટના લાગે છે. પાઇલટની શોધખોળ વખતે ઈરાને અમેરિકાનું ગુપ્ત મથક શોધી કાઢ્યું હોય અને એટલા માટે જ ત્યાંથી બધા જ સૈનિકોને તાત્કાલિક બહાર કાઢવા માટે અમેરિકાએ વિશાળ સૈન્ય કાફલો મોકલવો પડ્યું હોય એવી સંભાવના નકારી શકાય નહીં. 

5. ઈરાનની પાઇલટ માટે ઈનામની જાહેરાત અને સ્થાનિકોની સંડોવણી શું છે?  

પાઇલટની શોધખોળ માટે ઈરાને ઇરાદાપૂર્વક સ્થાનિકોને સામેલ કર્યા હતા અને અમેરિકાના ભૂમિ દળના સ્થાન બાબતે માહિતી આપનારા માટે ઈનામની ઓફર પણ કરી હતી. તેનું કારણ એ છે કે, ઈરાનને શંકા હતી કે ત્યાં માત્ર એક નહીં, પરંતુ ઘણાં બધા અમેરિકન સૈનિકો હોઈ શકે છે. આવું દબાણ સર્જાતા અમેરિકાએ પોતાના સૈનિકોને બચાવવા માટે ઉતાવળે મોટા વિમાન મોકલવાની ફરજ પડી હતી.

Explainer: પાઇલટને બચાવવાના બહાને ઈરાનમાં ટ્રમ્પની બીજી કોઈ કાર્યવાહી? જાણો અમેરિકન ઓપરેશન સામે ઉઠેલા પાંચ સવાલ 2 - image