'અમે જીતી ગયા છીએ, હવે મદદની જરૂર નથી...', બ્રિટનના એરક્રાફ્ટ કેરિયર પ્લાનની ટ્રમ્પે મજાક ઉડાડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US-UK Relations: ઈઝરાયલ-ઈરાન સંઘર્ષ અને અમેરિકાની સૈન્ય કાર્યવાહી વચ્ચે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ સરકાર પર આકરો કટાક્ષ કર્યો છે. બ્રિટન દ્વારા મિડલ ઈસ્ટમાં બે એરક્રાફ્ટ કેરિયર મોકલવાની વિચારણાના અહેવાલો પર પ્રતિક્રિયા આપતા ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, 'જ્યારે અમે યુદ્ધ જીતી લીધું છે, ત્યારે હવે આ મદદની કોઈ જરૂર નથી.'
'ટ્રુથ સોશિયલ' પર ટ્રમ્પનો કટાક્ષ
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરની મજાક ઉડાવતા લખ્યું હતું કે, 'યુનાઇટેડ કિંગડમ, જે આપણો પૂર્વમાં એક મહાન સાથી રહ્યો છે, તે હવે છેક મિડલ ઈસ્ટમાં બે એરક્રાફ્ટ કેરિયર મોકલવાનું ગંભીરતાથી વિચારી રહ્યું છે. પણ વડાપ્રધાન કીર સ્ટાર્મર, હવે અમને તેની જરૂર નથી.'
ટ્રમ્પે વધુમાં ચેતવણીભર્યા લહેકામાં ઉમેર્યું કે, 'અમે આ વિલંબને યાદ રાખીશું. અમને એવા લોકોની જરૂર નથી જે યુદ્ધ પૂરું થઈ ગયા પછી મેદાનમાં આવવાની વાતો કરે છે.'
આ પણ વાંચો: ઈરાન સાથે 'ડીલ' કરશે અમેરિકા? ટ્રમ્પે આપ્યો જવાબ, કહ્યું- તેમના 70 ટકા રોકેટ લોન્ચર તબાહ
શા માટે નારાજ છે ડોનાલ્ડ ટ્રમ્પ?
અમેરિકા અને બ્રિટન વચ્ચેના તણાવ પાછળ મુખ્યત્વે બે કારણો જવાબદાર હોવાનું મનાય છે. ગયા શનિવારે જ્યારે ઈરાન પર હુમલા શરૂ થયા, ત્યારે કીર સ્ટાર્મરે શરૂઆતમાં અમેરિકન વિમાનોને બ્રિટિશ સૈન્ય મથકોનો ઉપયોગ કરવા સામે રોક લગાવી દીધી હતી. જ્યારે બાદમાં બ્રિટન નરમ પડ્યું અને ઈંગ્લેન્ડ તેમજ હિન્દ મહાસાગરમાં આવેલા 'ડિએગો ગાર્સિયા' બેઝના ઉપયોગની મંજૂરી આપી, પરંતુ તેમાં પણ શરત મૂકી કે તેનો ઉપયોગ માત્ર ઈરાનની બેલિસ્ટિક મિસાઈલોના સ્ટોરેજ પર હુમલા માટે જ કરી શકાશે.
રાજદ્વારી તણાવ વધવાની શક્યતા
નિષ્ણાતોના મતે, ટ્રમ્પનું આ નિવેદન દર્શાવે છે કે અમેરિકા હવે બ્રિટનના વિલંબિત નિર્ણયોથી અસંતુષ્ટ છે. મિડલ ઈસ્ટમાં ઈરાન સામે ચાલી રહેલા મિશનમાં અમેરિકાએ પોતાની તાકાત બતાવી દીધી હોવાનો દાવો કરીને ટ્રમ્પે બ્રિટનને આડકતરી રીતે તેની ઘટતી જતી સૈન્ય પ્રાસંગિકતાનો અહેસાસ કરાવ્યો છે. આ નિવેદન બાદ હવે લંડન અને વોશિંગ્ટન વચ્ચેના દાયકાઓ જૂના 'સ્પેશિયલ રિલેશનશિપ' પર જોખમ તોળાઈ રહ્યું હોય તેવું જણાય છે.









