World

Explainer: યુદ્ધના 3 મહિના બાદ શું ઈરાન સામે હારી રહ્યા છે ટ્રમ્પ? આ 7 કારણો જવાબદાર

By GS Team
23 May 20263 mins read
TukuTouch Logo
Iran War Analysis Three Months After Attack : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર સૈન્ય હુમલો કર્યાના ત્રણ મહિના બાદ હવે વૈશ્વિક સ્તરે એક બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે: શું ટ્રમ્પ આ યુદ્ધ હારી રહ્યા છે? અમેરિકાની સેનાએ ક્ષેત્રીય સ્તરે ભલે તમામ નાની-મોટી લડાઈઓ જીતી લીધી હોય અને ઈરાનને ભારે આર્થિક અને સૈન્ય નુકસાન પહોંચાડ્યું હોય, પરંતુ જિઓ-પોલિટિકલ એટલે કે વ્યૂહાત્મક સ્તરે અમેરિકા આ યુદ્ધને પોતાની જીતમાં બદલવામાં નિષ્ફળ રહ્યું હોવાના સંકેતો મળી રહ્યા છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ઈરાનનો મજબૂત સકંજો અને પરમાણુ કરાર પર ઝૂકવાનો ઈરાનનો ઈનકાર અમેરિકાની ચિંતા વધારી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: યુદ્ધના 3 મહિના બાદ શું ઈરાન સામે હારી રહ્યા છે ટ્રમ્પ? આ 7 કારણો જવાબદાર

Iran War Analysis Three Months After Attack : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર સૈન્ય હુમલો કર્યાના ત્રણ મહિના બાદ હવે વૈશ્વિક સ્તરે એક બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે: શું ટ્રમ્પ આ યુદ્ધ હારી રહ્યા છે? અમેરિકાની સેનાએ ક્ષેત્રીય સ્તરે ભલે તમામ નાની-મોટી લડાઈઓ જીતી લીધી હોય અને ઈરાનને ભારે આર્થિક અને સૈન્ય નુકસાન પહોંચાડ્યું હોય, પરંતુ જિઓ-પોલિટિકલ એટલે કે વ્યૂહાત્મક સ્તરે અમેરિકા આ યુદ્ધને પોતાની જીતમાં બદલવામાં નિષ્ફળ રહ્યું હોવાના સંકેતો મળી રહ્યા છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ઈરાનનો મજબૂત સકંજો અને પરમાણુ કરાર પર ઝૂકવાનો ઈરાનનો ઈનકાર અમેરિકાની ચિંતા વધારી રહ્યો છે. 

યુદ્ધના 3 મહિના... શું નિષ્ફળ થયા ડોનાલ્ડ ટ્રમ્પ? 

વ્હાઇટ હાઉસના પ્રવક્તા ઓલિવિયા વેલ્સે ભલે દાવો કર્યો હોય કે અમેરિકાએ 'ઓપરેશન એપિક ફ્યુરી' હેઠળ પોતાના તમામ સૈન્ય લક્ષ્યો પાર પાડી દીધા છે, પરંતુ પશ્ચિમી દેશોના રક્ષણ નિષ્ણાતો અને થિંક ટેન્ક આ યુદ્ધને ટ્રમ્પની એક લાંબા ગાળાની વ્યૂહાત્મક નિષ્ફળતા તરીકે જોઈ રહ્યા છે.

યુદ્ધના 3 મહિના પછી પણ ટ્રમ્પના લક્ષ્યો અધૂરા

અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત રીતે 28 ફેબ્રુઆરી 2026ના રોજ ઈરાન વિરુદ્ધ આ યુદ્ધ છેડ્યું હતું. ટ્રમ્પે શરૂઆતમાં આ યુદ્ધ વધુમાં વધુ 6 અઠવાડિયા ચાલશે તેવો અંદાજ લગાવ્યો હતો, પરંતુ આજે યુદ્ધ તેના સમયગાળા કરતા બમણું ચાલી ચૂક્યું છે અને દોઢ મહિનાથી સીઝફાયર હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. ટ્રમ્પના મુખ્ય યુદ્ધ લક્ષ્યો હજુ પણ અધૂરા છે. 

પરમાણુ મુદ્દે ઝૂકવા તૈયાર નથી ઈરાન 

અમેરિકા અને ઈઝરાયલના અગાઉના હવાઈ હુમલા છતાં, ઈરાનનો અત્યંત સંવર્ધિત યુરેનિયમનો જથ્થો જમીનની અંદર સુરક્ષિત દટાયેલો છે. ઈરાનના સર્વોચ્ચ નેતાએ આદેશ આપ્યો છે કે આ યુરેનિયમ દેશની બહાર મોકલી શકાશે નહીં.

પ્રોક્સી ગૃપોનો આતંક યથાવત

ઈરાન દ્વારા સંચાલિત હિઝબુલ્લાહ અને હુથી જેવા સશસ્ત્ર પ્રોક્સી જૂથોને રોકવામાં અમેરિકાને સફળતા મળી નથી.

ઈરાનમાં સત્તાપલટો થઈ શક્યો નહીં

ટ્રમ્પને આશા હતી કે યુદ્ધના કારણે ઈરાનની જનતા ત્યાંની કટ્ટરપંથી સરકારને ઉથલાવી દેશે, પરંતુ ઈરાનનું શાસન આજે પણ યથાવત છે અને હવે ત્યાં પહેલા કરતાં પણ વધુ કટ્ટરપંથી નેતાઓ સત્તા પર આવી ગયા છે.

મોંઘું પેટ્રોલ અને ચૂંટણીનું દબાણ... ટ્રમ્પની લોકપ્રિયતા ઘટી

અમેરિકામાં આગામી નવેમ્બર મહિનામાં મિડ ટર્મ ચૂંટણીઓ યોજાવાની છે. તેવામાં ઈરાન દ્વારા હોર્મુઝનો દરિયાઈ રસ્તો રોકવાના કારણે વૈશ્વિક સ્તરે તેલ અને ગેસના ભાવો આકાશે આંબી ગયા છે. અમેરિકામાં પેટ્રોલના ભાવ વધતા ટ્રમ્પનું પોપ્યુલારિટી રેટિંગ ખુબ જ ઘટી ગયું છે અને રિપબ્લિકન પાર્ટી માટે સંસદ પર કંટ્રોલ રાખવો મુશ્કેલ બની રહ્યો છે.

ઈરાનને પોતાની ક્ષમતા સમજાઈ 

નેશનલ ઇન્ટેલિજન્સના પૂર્વ ડેપ્યુટી ઓફિસર જોનાથન પેનીકોફના જણાવ્યા અનુસાર, ઈરાન ભલે સૈન્ય રીતે તૂટી ગયું હોય, પણ ઈરાનના નેતાઓ માને છે કે માત્ર હુમલા સામે ટકી જવું એ જ તેમની જીત છે. ઈરાનને સમજાઈ ગયું છે કે તે દુનિયાના 20 ટકા તેલ સપ્લાયને રોકીને અમેરિકા અને તેના મિત્ર દેશોને આર્થિક રીતે લાચાર બનાવી શકે છે.

અમેરિકાના વૈશ્વિક મિત્રો સાથેના સંબંધોમાં તિરાડ

ટ્રમ્પે આ યુદ્ધ શરૂ કરતા પહેલા પોતાના પરંપરાગત યુરોપિયન સાથી દેશો સાથે કોઈ પરામર્શ કર્યો નહોતો. પરિણામે, યુરોપના મોટાભાગના દેશોએ અમેરિકાને આ યુદ્ધમાં સૈન્ય મદદ આપવાનો સાફ ઈનકાર કરી દીધો છે, જેનાથી પશ્ચિમી ગઠબંધનમાં મોટી તિરાડ પડી છે.

ચીન અને રશિયાએ લીધો મોટો પાઠ

આ યુદ્ધ દરમિયાન ચીન અને રશિયા જેવા શક્તિશાળી દેશોએ અમેરિકન સેનાની નબળાઈઓનો ઊંડો અભ્યાસ કર્યો છે. અમેરિકાના હથિયારોના ભંડાર આ યુદ્ધમાં ખાલી થઈ રહ્યા હોવાનો અંદાજ ગ્લોબલ પાવર બેલેન્સ બદલી શકે છે.