- યુદ્ધવિરામ પૂરો થવાની ડેડલાઇન નજીક આવતા બધા પક્ષો સક્રિય
- હું ચીન સહિત સમગ્ર દુનિયા માટે હોર્મુઝની ખાડી ખોલી રહ્યો છું, હું બૈજિંગ જઈશ ત્યારે ચીનના પ્રમુખ મને ભેટી પડશે: ટ્રમ્પ
- અમેરિકા ઘેરાબંધી નહીં ખોલે તો આખી ખાડી, ઓમાનનો દરિયો અને રાતા સમુદ્રમાંથી આયાત-નિકાસ જ બંધ કરીશું : ઇરાનની ધમકી
- અમેરિકાએ કુલ 8 ટેન્કર અટકાવતા પરત ફર્યા, 24 કલાકમાં એક પણ ટેન્કર પસાર થવા ન દીધાનો યુએસ સેન્ટ્રલ કમાન્ડનો દાવો
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે હોર્મુઝને હું ચીન માટે પણ ખોલાવીશ, આખા વિશ્વ માટે ખોલાવીશ. ચીન એ વાતથી ખુશ છે કે હોર્મુઝને હું હમેશા માટે ખોલી રહ્યો છું. ટ્રમ્પે એમ પણ જણાવ્યું હતું કે તેઓ ચીનના પ્રીમિયર જિનપિંગને મળશે તો જિનપિંગ આનંદ અને ઉત્સાહમાં તેમને ગળે લગાવી દેશે. હવે દુશ્મની નહીં થાય. દોસ્તી થશે. આમ ખાડીયુદ્ધના સમીકરણો બદલાઈ રહ્યા છે. ટ્રમ્પ-જિનપિંગ ભાઈભાઈનો નારો વેગ પકડી રહ્યો છે. આ સંજોગોમાં ટ્રમ્પના બદલાયેલા સુર યુદ્ધ પર કેવી અસર પાડી શકે છે તે જોવાનું રહ્યુ.
તેમેણે જણાવ્યું હતું કે મિત્રતાનું કામ લડાઈ-ઝઘડા કરતાં વધારે સારું છે. આશ્ચર્યની વાત એ છે કે આ સાથે તેમણે ચીનને ચેતવણી પણ આપી હતી કે અમેરિકા લડવામાં પણ ઘણુ કાબેલ છે. તે ક્યાંય પણ અને ગમે ત્યાં લડી શકે છે. ટ્રમ્પનું આ નિવેદન ઠીક ચીનના પ્રવાસ પહેલાં આવ્યું છે. ટ્રમ્પ આગામી મહિને ચીનનો પ્રવાસ ખેડવાના છે.
ટ્રમ્પે ફરીથી શરૂ થનારી મંત્રણા પૂર્વે ઇરાન પર દબાણ વધારતા જણાવ્યું હતું કે જો ઇરાન પરમાણુ શસ્ત્ર બનાવવાની દિશામાં આગળ વધે છે તો તેની સાથે કોઈપણ ડીલ શક્ય નહીં બને. તેમણે દાવો કર્યો કે વર્તમાન સંઘર્ષ ઝડપથી ખતમ થશે અને તેલના અને તથા ગેસના ભાવમાં પણ કડાકો બોલી જશે.
અમેરિકાએ તેના સૌથી મોંઘા ડ્રોનમાંથી એક ડ્રોન ગુમાવી દીધું છે. અમેરિકાનું ડ્રોન એમક્યુ-૪સી ટાઇટન ૯ એપ્રિલના રોજ તૂટી પડયું હતું શરૂઆતમાં તો ઇરાને તેને તોડી પાડયાના સમાચાર મળ્યા હતા, પરંતુ અમેરિકાએ સ્પષ્ટ જણાવ્યું છે કે ડ્રોન ક્રેશ થઈ ગયું છે. કોઈ જવાન ઇજા પામ્યો નથી. આ ડ્રોન ૯મી એપ્રિલના રોજ પર્સિયન ગલ્ફ પરથી ઉડી રહ્યુ હતુ, અચાનક તે ફ્લાઇટ ટ્રેકિંગ સિસ્ટમથી ગાયબ થઈ ગયું. તેના કારણે ૨૫ લાખ ડોલરથી વધુ રકમનો ફટકો પડયો છે.
આ સિવાય અમેરિકા દ્વારા પ્રતિબંધિત રિચ સ્ટારી ટેન્કર ગઇકાલે અખાતમાંથી નીકળ્યા પછી પાછુ હોર્મુઝની ખાડીમાં આવી ગયું છે. આમ તે અમેરિકન ઘેરાબંધીને તોડવામાં કે ચાતરી જવામાં નિષ્ફળ રહ્યું હતું. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોઈપણ જહાજ અમેરિકન ઘેરાબંધીને તોડીને આગળ વધી શક્યું નથી.
મધ્યપૂર્વમાં જારી તનાવ વચ્ચે પાકિસ્તાનના લશ્કરી વડા અસીમ મુનીર ઇરાનને અમેરિકાનો સંદેશ પહોંચાડવા માટે પ્રતિનિધિમંડળ સાથે તહેરાન પહોંચ્યા છે. પાક. પ્રતિનિધિમંડળ અમેરિકા-ઇરાન મંત્રણાના બીજા રાઉન્ડનો તખ્તો તૈયાર કરી શકે છે. આ મંત્રણા ઇસ્લામાબાદમાં આગામી બેએક દિવસમાં યોજાય તેવી પૂરેપૂરી સંભાવના છે.
ઇરાનના સરકારી પ્રદાર માધ્યમોએ ઇરાનના જોઇન્ટ મિલિટરી કમાન્ડના કમાન્ડરને ટાંકીને ચેતવણી આપી છે કે જો અમેરિકા ઇરાનના બંદરોની ઘેરાબંધી નહીં ખોલે તો ઇરાન આખા અખાત વિસ્તાર, ઓમાનના દરિયા અને લાલ સમુદ્રમાંથી થતી આયાત અને નિકાસ બંને બંધ કરાવી દેશે. તેમણે જણાવ્યું હતું કે અમેરિકાની ઘેરાબંધી યુદ્ધવિરામનો ભંગ છે. જો કે ઇરાને અમેરિકાની ઘેરાબંધીનો તોડ શોધી કાઢ્યો છે. તેમણે બીજા દેશોના બંદરો પર તેના જહાજો લાંગરવાનો પ્રારંભ કરાવવા માંડયો છે.
મલક્કા ખાડીની નાકાબંધી થઈ તો ભારતને ફટકો પડશે
નવી દિલ્હી : અમેરિકા-ઇરાન યુદ્ધથી હોર્મુઝની ખાડી તો અવરોધાઈ છે જ, પરંતુ અમેરિકાએ હવે ઇન્ડોનેશિયા સાથે મળીને મલક્કાની ખાડી પર તેનું ફોકસ વધારી દીધું છે. આ ખાડીને વિશ્વના કારોબારની ધમની માનવામાં આવે છે. બીબીસીના રિપોરટ મુજબ આ ખાડીમાંથી દર વર્ષે ૯૦ હજાર જહાજો પસાર થાય છે. વિશ્વનો ૪૦ ટકા કારોબાર આ રુટે થાય છે. આ સંજોગોમાં ટ્રમ્પ ભવિષ્યમાં કંઈપણ થાય તો આ ખાડીનું નાકુ દબાવીને ભારત અને ચીન બંનેને દાબમાં રાખી શકે છે. અમેરિકાએ તાજેતરમાં ઇન્ડોનેશિયામાં એક મોટા સંરક્ષણ સોદા પર સહી કરી છે. આ મુજબ અમેરિકાને તેના લશ્કરી વિમાનોનું ઓપરેશન ઇન્ડોનેશિયાના એરસ્પેસ સુધી પહોંચાડવાની તક મળી ગઈ છે. મલક્કાની ખાડી ભારતની ઘણી નજીક છે.
તે હિંદ મહાસાગારમાં આવેલા અંદામાનનિકોબાર, અને દક્ષિણ ચીન મહાસાગર (પ્રશાંત મહાસાગર)ને જોડતો જળમાર્ગ છે. તે ઇન્ડોનેશિયન દ્વીપની વચ્ચે આવેલો છે. પશ્ચિમમાં સુમાત્રા અને પૂર્વમાં પ્રાયદ્વીપિય (પશ્ચિમી) મલેશિયા અને દક્ષિણી થાઇલેન્ડથી ઘેરાયેલી આ ખાડી લગભગ ૬૫,૦૦૦ વર્ગ ચોરસ કિ.મી.માં ફેલાયેલી છે. તે લગભગ ૮૦૦ કિ.મી. લાંબી છે, પરંતુ ફક્ત ૬૫ કિ.મી. જ પહોળી છે. તેનું નામ મલય તટ પર આવેલા બંદર મેલાકા એટલે કે મલક્કાના નામે રાખવામાં આવ્યું છે. આ ખાડી ફિલિપ ચેનલ પાસે ફક્ત ત્રણ કિ.મી. જ પહોળી છે. ભારતનો એલએનજીની આયાતનો ૬૦ ટકા હિસ્સો આ ખાડીમાંથી પસાર થાય છે. આ સિવાય ઓઇલ, કાર, સેમીકંડક્ટર અને દરેક પ્રકારની વસ્તુ લઈને જહાજો પસાર થાય છે.


