'..તો 1 જ મિનિટમાં યુદ્ધનો અંત આવી જાય', ઈરાનનું નામ લઈ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Trump Issues Stern Warning to Iran: અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન સામે આવ્યું છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, જો અમે ઇચ્છીએ તો આ વિવાદનો ઉકેલ માત્ર 'એક મિનિટ'માં આવી શકે તેમ છે, પરંતુ અમેરિકા કોઈ પણ કામચલાઉ સમજૂતી કરવા માંગતું નથી. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે તેમનો ભાર એક 'સ્થાયી ઉકેલ' પર છે. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે દાવો કર્યો હતો કે સમુદ્ર પર અમેરિકાનું પૂર્ણ નિયંત્રણ છે અને ઈરાને અગાઉ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની તૈયારી બતાવી હતી, પરંતુ હવે તે ફરી બંધ કરી દીધું છે.
અમેરિકન નેવીને આકરા આદેશ
દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન નેવીને અત્યંત કડક આદેશ આપતા કહ્યું છે કે, 'હોર્મુઝ સ્ટ્રેટમાં બારૂદી સુરંગો બિછાવતી ઈરાનની કોઈપણ બોટને જોતાંની સાથે જ 'નષ્ટ' કરી દેવામાં આવે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે, 'આ બાબતમાં કોઈ પણ પ્રકારની ખચકાટ રાખવી જોઈએ નહીં.' આ સાથે જ તેમણે સમુદ્રી માર્ગમાંથી બારૂદી સુરંગો હટાવવાની કામગીરી ત્રણ ગણી ઝડપથી કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. આ આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે ઈરાની દળોએ તાજેતરમાં જ ત્રણ માલવાહક જહાજો પર હુમલો કરી બેને પોતાના કબજામાં લીધા હોવાના અહેવાલ છે.
પાકિસ્તાનની મધ્યસ્થતા અને શાંતિ પ્રયાસો
એક તરફ તણાવ વધી રહ્યો છે, તો બીજી તરફ પાકિસ્તાન બંને દેશોને ફરીથી વાટાઘાટોના ટેબલ પર લાવવા માટે સક્રિય બન્યું છે. પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ અમેરિકન ઉપરાજદૂત નતાલી બેકર સાથે મુલાકાત કરી હતી. ઇસ્લામાબાદમાં યોજાનારી આ બીજા રાઉન્ડની શાંતિ મંત્રણા માટે પાકિસ્તાન સરકાર અને સૈન્ય નેતૃત્વ પૂરો પ્રયાસ કરી રહ્યા છે. ટ્રમ્પે હાલમાં યુદ્ધવિરામની અવધિમાં વધારો કર્યો છે, જેને પાકિસ્તાને એક સકારાત્મક પગલું ગણાવ્યું છે.
આ પણ વાંચો: 'ઈરાન ઉપર પરમાણુ હુમલો નહીં કરું...', મિડલ ઈસ્ટમાં ટેન્શન વચ્ચે ટ્રમ્પની મોટી જાહેરાત
ઈરાનનો પલટવાર
બીજી તરફ, ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ આ તમામ અશાંતિ માટે અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલાઓને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે જણાવ્યું કે ઈરાન માત્ર પોતાની સુરક્ષા અને રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે, ટ્રમ્પનું માનવું છે કે ઈરાની નેતૃત્વમાં આંતરિક વિખવાદ છે, જેના કારણે તેઓ યોગ્ય નિર્ણય લઈ શકતા નથી. હાલમાં ઇસ્લામાબાદમાં આ સંભવિત મંત્રણાને લઈને સુરક્ષા વ્યવસ્થા અત્યંત સખત કરી દેવામાં આવી છે.









