World

અમેરિકામાં 115 ડિગ્રી જેવો અનુભવ કરાવતી ગરમીથી હાહાકાર, ખતરનાક હીટવેવ જીવલેણ બનશે!

By GS Team
1 Jul 20263 mins read
TukuTouch Logo
અમેરિકામાં આ વર્ષની સૌથી ભીષણ હીટવેવનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. પૂર્વીય અને મધ્ય ભાગોમાં 115 ડિગ્રી ફેરનહાઇટ એટલે કે 46 ડિગ્રી સેલ્સિયસ જેટલી દઝાડતી ગરમી અનુભવાઈ રહી છે. નેશનલ વેધર સર્વિસે 18 રાજ્યોમાં જૂના રેકોર્ડ તૂટવાની અને 6 કરોડથી વધુ નાગરિકોને હીટ એલર્ટ હેઠળ રાખવાની ચેતવણી આપી છે. 4 જુલાઈના લોન્ગ વીકેન્ડ સુધી આકરી ગરમી ચાલુ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકામાં 115 ડિગ્રી જેવો અનુભવ કરાવતી ગરમીથી હાહાકાર, ખતરનાક હીટવેવ જીવલેણ બનશે!
IMAGE - IANS

US extreme heatwave 2026: અમેરિકા હાલમાં આ વર્ષની સૌથી ભીષણ અને ખતરનાક હીટવેવનો સામનો કરી રહ્યું છે. દેશના પૂર્વીય અને મધ્ય ભાગોમાં પડી રહેલી પ્રચંડ ગરમીએ સામાન્ય જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, વાસ્તવિક તાપમાન કરતાં પણ વધુ ગંભીર સ્થિતિ હવામાં રહેલા અતિશય ભેજના કારણે સર્જાઈ છે. આ ભેજને લીધે લોકોને 115 ડિગ્રી ફેરનહાઇટ એટલે કે અંદાજે 46 ડિગ્રી સેલ્સિયસ જેટલી દઝાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અમેરિકાની નેશનલ વેધર સર્વિસ (NWS) દ્વારા જાહેર કરવામાં આવેલી ચેતવણી મુજબ, આગામી દિવસોમાં દેશના 18 રાજ્યોમાં ગરમીના તમામ જૂના રેકોર્ડ તૂટી શકે છે. હાલમાં 6 કરોડથી વધુ નાગરિકોને હીટ ઍલર્ટ હેઠળ રાખવામાં આવ્યા છે.

4 જુલાઈના લોન્ગ વીકેન્ડ સુધી આકરી ગરમીની આશંકા

નેશનલ વેધર સર્વિસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતા જણાવ્યું છે કે, દેશના પૂર્વીય બે-તૃતીયાંશ ભાગમાં આ જીવલેણ ગરમીનો પ્રકોપ જોવા મળશે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ હીટવેવ 4 જુલાઈ એટલે કે અમેરિકાના સ્વતંત્રતા દિવસના લોન્ગ વીકેન્ડ સુધી સતત ચાલુ રહેવાની આશંકા છે.

હવામાન વિભાગના મતે, ગરમીની ખરી ચિંતા માત્ર તાપમાન નથી પરંતુ 'હીટ ઇન્ડેક્સ' છે. હીટ ઇન્ડેક્સ એ એવું માપદંડ છે જેમાં વાસ્તવિક તાપમાનની સાથે હવામાં રહેલા ભેજને પણ ગણતરીમાં લેવાય છે. આથી જ થર્મોમીટરમાં ભલે તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ દેખાય, પણ માનવ શરીરને તે 46 ડિગ્રી જેટલું આકરું લાગશે. મોટાભાગના વિસ્તારોમાં હીટ ઇન્ડેક્સ 100થી 110 ડિગ્રી ફેરનહાઇટ અને કેટલાક સ્થળોએ 115 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

દિવસ તો ઠીક, હવે રાત્રે પણ ગરમીથી રાહત નહીં મળે

હવામાન વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આ વખતે લોકોને માત્ર દિવસ દરમિયાન જ નહીં, પરંતુ રાત્રિના સમયે પણ અસહ્ય ઉકળાટ સહન કરવો પડશે. અમેરિકાના ઘણા મુખ્ય શહેરોમાં રાતનું તાપમાન પણ 80 ડિગ્રી ફેરનહાઇટ એટલે કે આશરે 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ શકે છે. રાત્રે પણ વાતાવરણ ઠંડુ ન થવાને કારણે લોકોમાં હીટ સ્ટ્રોક (લૂ લાગવી) અને ડિહાઇડ્રેશન (શરીરમાં પાણી ઘટી જવું)નું જોખમ અનેકગણું વધી જશે.

સ્વાસ્થ્ય એજન્સીઓની કડક સલાહ: હીટ સ્ટ્રોકથી બચો

ગરમીની ગંભીર સ્થિતિને જોતા આરોગ્ય એજન્સીઓએ નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી છે. લોકોને બપોરના સમયે સીધા તડકામાં બહાર નીકળવાનું ટાળવા, પુષ્કળ પ્રમાણમાં પાણી કે પ્રવાહી પીવા અને બને ત્યાં સુધી એર કંડિશનર અથવા ઠંડી જગ્યાઓ પર રહેવાની અપીલ કરવામાં આવી છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ, લાંબા સમય સુધી સખત તડકામાં રહેવાથી હીટ ક્રેમ્પ્સ, હીટ એક્ઝોશ્ચન અને જાનલેવા હીટ સ્ટ્રોક થઈ શકે છે, તેથી વડીલો, બાળકો અને બીમાર લોકોની વિશેષ કાળજી રાખવી જરૂરી છે.

પૂર્વમાં કાળઝાળ ગરમી, તો પશ્ચિમ અમેરિકામાં ઠંડક

અમેરિકાના હવામાનમાં અત્યારે એક ખૂબ જ રસપ્રદ અને વિરોધાભાસી ચિત્ર જોવા મળી રહ્યું છે. જ્યાં એકતરફ દેશનો પૂર્વીય ભાગ આગ ઓકતી ગરમીથી ત્રસ્ત છે, ત્યાં બીજી તરફ પશ્ચિમી રાજ્યોમાં હવામાન બિલકુલ અલગ છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ, પશ્ચિમના રાજ્યોમાં તાપમાન સામાન્ય કરતાં 20થી 35 ડિગ્રી ફેરનહાઇટ જેટલું નીચું રહેવાનો અંદાજ છે. જો કે, દેશના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે આ ભીષણ હીટવેવ જ વહીવટીતંત્ર અને જનતા માટે સૌથી મોટો પડકાર બનેલી છે.