સાઉદી અરેબિયામાં હડકંપ: 5થી વધુ મહત્ત્વના ઠેકાણાં પર હુથીઓએ ડ્રોન-મિસાઈલો ઝીંકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Houthi Attack Saudi Arabia : યમનના હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયા પર મોટા પાયે હુમલો કરવાનો દાવો કર્યો છે. હુથીઓ દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, તેમણે સાઉદી અરેબિયાના 5થી વધુ અતિ-મહત્વપૂર્ણ વ્યૂહાત્મક અને ઊર્જા મથકોને ડ્રોન તથા મિસાઈલો વડે નિશાન બનાવ્યા છે. જોકે, આ દાવાઓ અંગે સાઉદી અરેબિયા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી કે નુકસાનની વિગતો સામે આવી નથી.
એરપોર્ટ અને ઓઈલ રિફાઈનરીઓ નિશાના પર
હુથીઓના દાવા અનુસાર, રાજધાની રિયાધ સ્થિત મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, દમ્મામનું કિંગ ફહદ ઈન્ટરનેશનલ એરપોર્ટ, નજરાન એરપોર્ટ અને ખમીસ મુશૈતના એરબેઝ પર મિસાઈલો અને ડ્રોન છોડવામાં આવ્યા છે. આ ઉપરાંત લાલ સમુદ્ર કિનારે આવેલા મહત્વના ઔદ્યોગિક કેન્દ્ર યાનબુ સ્થિત સાઉદી અરામકો પ્લાન્ટ અને રાબિગ ઓઈલ રિફાઈનરી જેવા ઊર્જા સંસ્થાનોને પણ ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે.
મક્કા અને મદીના તરફ છોડાયેલી મિસાઈલો તોડી પડાઈ
સાઉદી સિવિલ ડિફેન્સના જણાવ્યા અનુસાર, હુથીઓ દ્વારા પવિત્ર શહેર મક્કા અને મદીના તરફ છોડવામાં આવેલી 2 બેલિસ્ટિક મિસાઈલોને આકાશમાં જ તોડી પાડવામાં આવી હતી. આ મિસાઈલોનો કાટમાળ મક્કા નજીકના વાદી અલ-મુગમસ વિસ્તારમાં પડ્યો હતો. આ ઉપરાંત તાઈફના વાદી જલીલ, જેદ્દાહના અલ-નુઝા વિસ્તાર તેમજ રાબિગ સ્થિત મસ્તૌરા સેન્ટરમાં પણ તોડી પડાયેલી મિસાઈલોનો કાટમાળ પડ્યો હોવાની માહિતી સાઉદી સિવિલ ડિફેન્સે આપી છે.
વૈશ્વિક તેલ પુરવઠા અને સુરક્ષા પર સંકટ
જો આ હુમલાની પુષ્ટિ થશે તો મિડલ ઈસ્ટમાં ફરી એકવાર મોટો સૈન્ય સંઘર્ષ ભડકી શકે છે. સાઉદી અરેબિયા વિશ્વના અગ્રણી ક્રૂડ ઓઈલ ઉત્પાદકો પૈકીનું એક હોવાથી તેના તેલ મથકો અને એરપોર્ટ પર જોખમ ઊભું થતાં વૈશ્વિક ઉર્જા પુરવઠો ખોરવાઈ જવાની અને તેલના ભાવ ભડકે બળવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે આ પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
કોણ છે હુથી બળવાખોરો અને સાઉદી સાથે કેમ છે સંઘર્ષ?
હુથી યમનનું એક સશસ્ત્ર સંગઠન છે, જેને 'અંસાર અલ્લાહ' તરીકે પણ ઓળખવામાં આવે છે. તે યમનની રાજધાની સના સહિત દેશના મોટા ભાગ પર નિયંત્રણ ધરાવે છે. હુથીઓનો આરોપ છે કે યમનમાં સાઉદી અરેબિયાના સૈન્ય હસ્તક્ષેપને કારણે સામાન્ય લોકોને મોટો ભોગ બનવું પડ્યું છે. બીજી તરફ સાઉદી અરેબિયા આ જૂથની વધતી સૈન્ય તાકાતને પોતાની રાષ્ટ્રીય સુરક્ષા માટે સીધો ખતરો માને છે.
સંઘર્ષમાં ઈરાનની ભૂમિકા
પશ્ચિમ એશિયામાં પોતાનો પ્રભાવ જાળવી રાખવા માટે ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે લાંબા સમયથી સ્પર્ધા ચાલી રહી છે. ઈરાનને હુથી બળવાખોરોનું મુખ્ય પ્રાદેશિક સમર્થક માનવામાં આવે છે, જે તેમને હથિયાર, ટેકનિકલ સહાય અને ડ્રોન ટેક્નોલોજી પૂરી પાડતું હોવાના આક્ષેપો છે. આ પ્રાદેશિક હરીફાઈને કારણે યમનનું આંતરિક યુદ્ધ હવે આખા મિડલ ઈસ્ટ માટે સુરક્ષાનો મોટો પ્રશ્ન બની ગયું છે.




