ગૌતમ અદાણી સામે કેસ કરવાની જરૂર જ નહોતી, તમામ આરોપ રદ કરો : અમેરિકા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકન ન્યાય વિભાગનો કોર્ટમાં 10 પાનાનો જવાબ
કેસ ટ્રમ્પ સરકારની કાયદાકીય પ્રાથમિક્તાઓને અનુરૂપ નથી, અમેરિકન રોકાણકારોને નાણાકીય નુકસાન થયું નથી
ઉદ્યોગપિત ગૌતમ અદાણી અને અન્ય સાત સામેના ક્રિમિનલ કેસ કાયમી ધોરણે બંધ કરાયા
ન્યૂયોર્ક : અમેરિકન ન્યાય વિભાગે ભારતના અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને અન્ય સાત લોકો સામે અમરિકામાં ચાલી રહેલા ક્રિમિનલ કેસને પડતો મૂકવાનો નિર્ણય કર્યો હતો. ફેડરલ જજ સમક્ષ આ નિર્ણયનો બચાવ કરતા અમેરિકન ન્યાય વિભાગ (ડીઓજે)એ ભારપૂર્વક કહ્યું કે, ગૌતમ અદાણી સામે કેસ કાયદાકીયરૂપે અત્યંત નબળો હતો અને કુટનીતિકરૂપે દેશ માટે નુકસાનકારક હતો. આ કેસ કરવાની જરૂર જ નહોતી.
અમેરિકન ન્યાય વિભાગ(ડીઓજે)એ અદાણી ગૂ્રપના ચેરમેન ગૌતમ અદાણી અને સાત લોકો વિરુદ્ધ ચાલી રહેલા ક્રિમિનલ કેસને પાછો લેવાના નિર્ણયના સંદર્ભમાં ફેડરલ જજ સમક્ષ ૧૦ પાનાનો જવાબ આપ્યો હતો. ડીઓજેએ કહ્યું કે, આ કેસ એક વર્ષ પહેલા જ બંધ કરી દેવાની જરૂર હતી અથવા તેને શરૂ કરવાની જ જરૂર નહોતી. આ કેસ ટ્રમ્પ સરકારની કાયદાકીય પ્રાથમિક્તાઓને અનુરૂપ નથી.
ગૌતમ અદાણી અને અન્ય સાત લોકો સામેનો કેસ પાછો ખેંચવાના ડીઓજેના નિર્ણય મુદ્દે યુએસ ડિસ્ટ્રિક્ટ જજ નિકોલસ ગરૌફિસે ટ્રમ્પ સરકારને આ કેસની ચાર્જશીટ હંમેશા માટે શા માટે ખતમ કરવા માગો છો તેવો સવાલ પૂછ્યો હતો.
ડિસ્ટ્રિક્ટ જજને જવાબ આપતા ડીઓજેએ કહ્યું, પ્રોસિક્યુટર્સે દરેક વખતે કોઈ કેસ પાછો લેવાના કારણ જાહેર કરવા પડે તો ભવિષ્યમાં આવા નિર્ણયો લેવામાં સમસ્યા પેદા થઈ શકે છે. તેનાથી તેની આંતરિક ચર્ચા અને કાયદાકીય રણનીતિ બધાની સામે આવી શકે છે, જે યોગ્ય નથી.
વધુમાં ડીઓજેએ કહ્યું કે, બધા આરોપ પાછા લેવા પાછળ કેટલાક મહત્વના કારણો છે. આ કેસમાં દર્શાવાયેલી કથિત ઘટનાઓ ભારતમાં થઈ હતી. ભારતીય એજન્સીઓએ આ આરોપોની તપાસ કરી છે અને તેમને તેમાં કોઈ ગડબડ મળી નથી. આ સિવાય અમેરિકામાં રોકાણકારોને કોઈ નાણાકીય નુકસાન થયું નથી. આ કેસ સાથે સંકળાયેલા મહત્વના પુરાવા અને સાક્ષીઓ અમેરિકાની બહાર છે. આરોપીઓના અમેરિકાની અદાલતમાં હાજર થવાની સંભાવના ઓછી છે અને પ્રોસિક્યુટર્સને આરોપ સાબિત કરવામાં કાયદાકીય અને પુરાવા સંબંધિત અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.









