World

અમેરિકામાં કાયદાકીય અને રાજકીય રીતે ઈસ્લામવાદ ઘૂસાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે

By GS TEAM
21 Dec 20251 min read
અમેરિકામાં કાયદાકીય અને રાજકીય રીતે ઈસ્લામવાદ ઘૂસાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે

અમેરિકી નેશનલ ઈન્ટેલિજન્સના ડાયરેક્ટર તુલસી ગબાર્ડનો મત

ઈસ્લામવાદી વિચારધારાનો ભય કાલ્પનિક નથી તેમાં વ્યક્તિગત સ્વતંત્રતાને અવકાશ નથી

વોશિંગ્ટન: અમેરિકા ફેસ્ટ કાર્યક્રમમાં નેશનલ ઇન્ટેલિજંસના ડાયરેક્ટર તુલસી ગબાર્ડે ઇસ્લામિક વિચારધારાને લઇને નિવેદન આપ્યું હતું, તેમણે કહ્યું હતું કે ઇસ્લામવાદી વિચારધારાથી પેદા થતા ખતરા અનેક સ્વરૂપે સામે આવતા હોય છે. આ વિચારધારા અમેરિકાના નાગરિકોની સ્વતંત્રતા અને લોકશાહીના મૂલ્યો માટે ખતરા સમાન છે.

તુલસી ગબાર્ડે ઇસ્લામવાદી વિચારધારાને લઇને ચેતવણી આપતા કહ્યું હતું કે આ કોઇ કાલ્પનિક કે ભવિષ્યની શંકા નથી પરંતુ અમેરિકામાં જ આ મુદ્દે અવાજ ઉઠવા લાગ્યો છે. અમેરિકામાં કાયદાકીય કે રાજકીય રીતે ઇસ્લામવાદ ઘૂસાડવા પ્રયાસ થઇ રહ્યો છે. બળજબરીથી હિંસા આચરીને પણ આ વિચારધારા અપનાવવા લોકો પર દબાણ થઇ રહ્યું છે. અમેરિકામાં કેટલાક સ્થળોએ આ ટ્રેન્ડ શરૂ થઇ ગયો છે. 

તુલસીએ વધુમાં કહ્યું હતું કે ઇસ્લામિઝમના ખતરા પર વાત કરીએ ત્યારે વ્યક્તિગત સ્વતંત્રતા જેવુ કઇ જ નથી રહેતું, તુલસી ગબાર્ડની આ ટિપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો હતો. કેટલાકે તેની આ વાતનું સમર્થન કર્યું તો કેટલાકે વિરોધ કર્યો હતો. આ પહેલા તુલસીએ કહ્યું હતું કે રાજકીય ઇસ્લામની હું ટિકાકાર છું, મુસ્લિમ કે ઇસ્લામ ધર્મની હું ટિકા નથી કરી રહી. તુલસી ગબાર્ડ હાલ અમેરિકન નેશનલ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર છે.