દુનિયા ફરી ટેન્શનમાં, રશિયાએ કીવમાં બેલેસ્ટિક મિસાઈલ વરસાવતા યુક્રેનમાં હડકંપ, પોલેન્ડમાં એલર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ફરી એકવાર અત્યંત ભયાનક વળાંક પર પહોંચી ગયું છે. ગુરુવારે (બીજી જુલાઈ) વહેલી સવારે રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર અત્યાર સુધીનો સૌથી મોટો ગણી શકાય તેવો જોરદાર હવાઈ હુમલો કર્યો છે. રશિયન સેનાએ કીવને નિશાન બનાવીને એકસાથે ડઝનબંધ ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલોનો મારો ચલાવ્યો હતો. આ હુમલાને પગલે સમગ્ર યુક્રેનમાં હડકંપ મચી ગયો છે, તો બીજી તરફ પડોશી દેશ પોલેન્ડે પણ પોતાની સરહદો પર હાઈ ઍલર્ટ જાહેર કરી દીધું છે.
આખી રાત સાયરન વાગ્યા, હજારો લોકો બંકરોમાં છુપાયા
અહેવાલો અનુસાર, મોડી રાત્રે શરૂ થયેલા રશિયન મિસાઈલ હુમલાના કારણે સમગ્ર કીવ શહેરમાં એર રેડ (હવાઈ હુમલા)ના સાયરન ગૂંજવા લાગ્યા હતા. હુમલો એટલો તીવ્ર હતો કે જીવ બચાવવા માટે હજારો નાગરિકોને અડધી રાત્રે મેટ્રો સ્ટેશનો અને અંડરગ્રાઉન્ડ બંકરો તરફ ભાગવાની ફરજ પડી હતી. સમગ્ર આકાશ મિસાઈલો અને યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમના ટ્રેસર ફાયરના પ્રકાશથી ઓળખાઈ ગયું હતું. યુક્રેનના સંરક્ષણ દળોએ રશિયન મિસાઈલોને હવામાં જ તોડી પાડવા માટે આખી રાત જવાબી કાર્યવાહી કરી હતી.
હોટલ અને રહેણાંક ઈમારતો પર મિસાઈલ પડતા ભારે આગ
કીવના મેયર વિતાલી ક્લિત્સ્કોના જણાવ્યા અનુસાર, રશિયાના હુમલામાં શહેરના અનેક વિસ્તારોને મોટું નુકસાન થયું છે અને ઘણી જગ્યાએ ભીષણ આગ ફાટી નીકળી છે. મધ્ય કીવમાં આવેલા શેવચેન્કો બુલેવાર્ડ પર એક હોટલના ઉપરના માળે મિસાઈલ અથડાતા આગ લાગી હતી, જેની જ્વાળાઓ માઈલો દૂરથી જોઈ શકાતી હતી. એક રહેણાંક વિસ્તારમાં આવેલી 9 માળની એપાર્ટમેન્ટ બિલ્ડિંગનો એક મોટો ભાગ મિસાઈલના પ્રહારથી પત્તાની જેમ ધરાશાયી થઈ ગયો હતો.
એમ્બ્યુલન્સ સ્ટેશન પણ નિશાન બન્યું
રશિયન પ્રહારોમાં એક એમ્બ્યુલન્સ સ્ટેશનને પણ સીધી ટક્કર વાગી હતી, જેમાં એક પેરામેડિક સ્ટાફ મેમ્બર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાના અહેવાલ છે. પ્રાથમિક માહિતી મુજબ આ હુમલામાં 11થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ હોવાથી જાનહાનિનો આંકડો વધવાની આશંકા છે.
રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સકીએ વિદેશ પ્રવાસ ટૂંકાવ્યો
યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સકીએ આ હુમલા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, 'દેશની ગુપ્તચર એજન્સીઓએ રશિયા દ્વારા આવા કોઈ મોટા હુમલાની ચેતવણી અગાઉથી જ આપી દીધી હતી.' પરિસ્થિતિની ગંભીરતાને જોતા રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સકીએ પોતાનો આયર્લેન્ડના ડબલિનનો સત્તાવાર પ્રવાસ અધવચ્ચેથી જ ટૂંકાવી દીધો હતો અને તાત્કાલિક યુક્રેન પરત ફરવાનો નિર્ણય કર્યો હતો.
પડોશી દેશ પોલેન્ડ કેમ આવ્યું ઍલર્ટ પર?
રશિયા દ્વારા પશ્ચિમી યુક્રેનની સરહદોની નજીક કરાયેલા આ મિસાઈલ હુમલાને પગલે નાટો (NATO)ના સભ્ય દેશ પોલેન્ડમાં પણ ખળભળાટ મચી ગયો છે. રશિયન મિસાઈલો ભૂલથી પણ પોતાની સરહદમાં ન પ્રવેશે તે માટે પોલેન્ડે તાત્કાલિક અસરથી મિલિટરી અને એરફોર્સને હાઈ ઍલર્ટ પર મૂકી દીધી છે. યુરોપના નિષ્ણાતો આ ઘટનાને આગામી દિવસોમાં યુદ્ધ વધુ ઉગ્ર બનવાના સંકેત તરીકે જોઈ રહ્યા છે.









