મક્કા પર 1,100 કિ.મી. દૂરથી ડ્રોન ત્રાટકતા આખું વિશ્વ સ્તબ્ધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- સાઉદીએ હુથીઓ પર દોષનો ટોપલો ઢોળ્યો, જેને તેઓએ ફગાવ્યો
- મક્કા પર ત્રાટકેલા ડ્રોનને સાઉદીની એર ડિફેન્સ સિસ્ટમે તોડી પાડયુ અને જણાવ્યું કે હુથીઓએ બધી હદ વટાવી દીધી
કૈરો : મુસલમાનોના પવિત્ર શહેર મક્કા પર થયેલા ડ્રોન હુમલાના પ્રયત્નથી આખું વિશ્વ સ્તબ્ધ છે. મક્કા ઇસ્લામનું સૌથી પવિત્ર સ્થળ છે. સાઉદી સરકારે આ ઘટના માટે હુથીઓને જવાબદાર ઠેરવ્યા છે. મંગળવારે સાઉદીના સમય મુજબ સાંજે ૬:૫૦ વાગે મક્કાના દક્ષિણમાં એક ડ્રોન આવ્યુ હતુ. સાઉદીની એર ડિફેન્સ સિસ્ટમે તેને નષ્ટ કર્યુ હતુ. હુથીઓએ સાઉદીના દાવાને નકાર્યો છે.
સાઉદી અરબ અને યમનની સરકારી સેનાના પ્રવકતા મેજર જનરલ તુર્કી અલ માલ્કીએ બુધવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે હુથીઓનો આ હુમલો રેડ લાઇન વટાવવા જેવો હતો. તેને મુસલમાનોની ભાવના ભડકાવવા માટે જાણીબૂઝીને કરવામાં આવનારી હરકત માનવામાં આવશે. સાઉદીના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમણે મોહમ્મદ પયગંબરના જન્મસ્થાન પર હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરે તે પહેલાં જ ડ્રોનને નષ્ટ કરી દીધું હતું.
હુથી પ્રવક્તાએ દાવો કર્યો હતો કે તેમના ઓપરેશન સાઉદીના ઓઇલ કેન્દ્રો અને લશ્કરી મથકોને નિશાન બનાવે છે, ધાર્મિક સ્થળોને નહી. અમે અત્યાર સુધીમાં એકપણ હુમલો ધાર્મિક સ્થળો પર કર્યો નથી. અમારા કારણે કોઈપણ ધાર્મિક અને પવિત્ર સ્થળોને કોઈ ભય નથી. હવે સવાલ એ છે કે જો હુથીઓએ મક્કા તરફ ડ્રોન છોડયું ન હતું તો પછી યમનની સરહદથી ૧,૧૦૦ કિ.મી. મક્કા પર ડ્રોન કોણે છોડયું હતું. પશ્ચિમ એશિયામાં આ સવાલ પેચીદો એટલા માટે છે કેમકે કેટલાય આતંકી સમૂહો પાસે ઇરાની ટેકનિક, ટ્રેનિંગ, શસ્ત્રોની સપ્લાય સાથે જોડાયેલા નેટવર્ક હોવાનું કહેવાય છે.
સાઉદી પર હુમલો તે સાઉદી, તુર્કી અને પાકિસ્તાન વચ્ચે થયેલા મક્કા કરારની પરીક્ષા કરનારા છે. જો કે આ અંગે પાકિસ્તાનનું કહેવું છે કે અમે સાઉદી પાસેથી મદદની કોઈ સત્તાવાર વિનંતી મળી નથી. જો કે મક્કા પરના હુમલાની નિંદા કરતાં પાક. વડાપ્રધાન શહબાઝ શરીફે જણાવ્યું હતું કે તેમને દેશ આ બાબતને લઈને સાઉદી અરેબિયા સાથે ખભેખભા મિલાવીને ઊભો છે. ૫૭થી વધુ મુસ્લિમ દેશોનું પ્રતિનિધિત્વ કરનારા ઓર્ગેનાઇઝેેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશને પણ તેની આકરી ટીકા કરી છે. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારનો હુમલો તે પવિત્ર સ્થળની પવિત્રતાનો ભંગ છે.
આ દરમિયાન હુથીઓ અને આરબો વચ્ચે સંઘર્ષ જારી છે. હુથીઓના પ્રવક્તા યાહ્યા સારીએ જણાવ્યું હતું કે તેના ગુ્રપે ખામિસ મુસૈત એરબેઝ પર હુમલો કર્યો અને યાનૂબમાં સાઉદીની પેટ્રોકેમિકલ કંપની અરામ્કોને પણ ટાર્ગેટ કરી છે. હુથીઓએ આ સિવાય દાવો કર્યો છે કે તેમણે મધ્ય પ્રાંત મારિબ પર સાઉદીના નેતૃત્વવાળા જોડાણના એફ-૧૫ ફાઇટર જેટને તોડી પાડયું છે. જો કે કયા દિવસે તોડી પાડયું તે જણાવ્યું નથી. તેમના દાવાની હજી સ્વતંત્ર ચકાસણી થઈ શકી નથી. હુથીઓનો યમનમાં ઉત્તર-પશ્ચિમમાં કબજો છે અને હવે તે દક્ષિણ તરફ આગળ વધી રહ્યા છે. જ્યારે યમનની સરકારી સેનાનો દક્ષિણ અને પૂર્વમાં કબજો છે, જો કે દક્ષિણમાં હુથીઓ સામે તે પરાસ્ત થઈ રહ્યા છે. હુથીઓએ પણ ટૂંક સમયમાં યમનના દક્ષિણ હિસ્સાન કબજે કરી લેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આમ સાઉદી અરેબિયા દક્ષિણમાં હુથીઓથી તો ઉત્તરમાં ઇરાકમાં અને સીરિયામાં શિયા આતંકી જૂથોથી ઘેરાઈ ગયું છે, જેમણે તેની બધી રીતે આર્થિક ઘેરાબંધી કરી દીધી છે. તેના કારણે સાઉદી માટે ક્રૂડ ઓઇલની નિકાસ કરવી લગભગ અશક્ય થઈ ગઈ છે. તેથી તેના અર્થતંત્રને મોટો માર પડી રહ્યો છે.




