- અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરીએ કરેલો ઘટસ્ફોટ
- હોર્મુઝ સ્ટ્રેઇટસ ઉપરાંત ઈરાનનાં તમામ બંદરોની અમેરિકાએ ઘેરાબંધી કરતાં ઈરાનનું અર્થતંત્ર ડામાડોળ થઈ રહ્યું છે
નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે સીઝફાયર અચોક્કસ મુદત સુધી લંબાવ્યો છે તે સાથે કેટલાએ લોકો તેમ માનવા લાગ્યા છે કે એક તરફ અમેરિકાનો શસ્ત્રસરંજામ ખૂટી રહ્યો છે. બીજી તરફ અમેરિકામાં તેલના કારણે જ મોંઘવારી વધતી જાય છે. ત્રીજી તરફ ઈરાનના પ્રત્યાઘાતો પણ પ્રબળ બનતા જાય છે. પરિણામે ટ્રમ્પને યુદ્ધ વિરામ લંબાવવાની ફરજ પડી છે.
આ મંતવ્યોથી વાસ્તવિકતા તદ્દન જુદી જ છે, તેમ અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બીસેન્ટનું કહેવું છે. તેઓ કહે છે કે ઈરાનના તમામ બંદરો અને હોર્મુઝ સ્ટ્રેઇટ સામે અમેરિકાએ કરેલી સખત ઘેરાબંધીને લીધે ઈરાનનું તેલ બજારમાં જતું નથી. પરિણામે એક તરફ દિવસે દિવસે તેલના બજારમાં ભાવ વધતા જ જાય છે, પરંતુ સાથે ઈરાન ઉપર આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે. કારણ કે તેના અર્થતંત્રમાં તેલ નિકાસથી થતી આવકનો ૭૦ ટકા જેટલો ફાળો છે. તેને રોજની આશરે ૫૫૦ મિલિયન ડોલર્સની ખેંચ પડે છે.
આ સંયોગોમાં ઈરાનનું નાક દબાવીને તેને મંત્રણાના મેજ ઉપર લાવવાની અમેરિકાની રણનીતિ છે.
સ્કોટ બીસેન્ટ આગળ તેના 'એક્સ' પ્લેટફોર્મ પર લખે છે કે પ્રમુખ ટ્રમ્પે સીઝફાયર લંબાવવાની અને તે પણ અચોક્કસ મુદત સુધી લંબાવવાની કરેલી જાહેરાત પાછળ પ્રમુખનો હેતુ લડયા સિવાય જ ઈરાનને ઘૂંટણે પાડવાનો છે. ઉપરાંત આર્થિક ભીંસને લીધે ઈરાનની જનતામાં ખોમેઈની રાજ સામે વિરોધ જગાવવાનો છે.


