- ઇરાનના નવા સુપ્રીમ લીડરે આપી ધમકી
- ખાડી યુદ્ધના લીધે ઇરાનની અંદર 32 લાખ અને લેબનોનમાં કુલ આઠ લાખ લોકો વિસ્થાપિત થયા
તહેરાન : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ખાતરી આપી છે કે હોર્મુઝની ખાડીમાંથી વહાણ પસાર કરો કોઈ વાંધો નહીં આવે, તેને પડકારતા હોય તેમ ઇરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ જણાવ્યું છે કે હોર્મુઝની ખાડી બંધ રહેશે. તેમા પણ અમેરિકા અને ઇઝરાયેલ તથા યુરોપના વહાણોને તો પસાર નહીં થવા દઈએ. આ ઉપરાંત અમેરિકાના ઓઇલ ટેન્કર પર ઇરાનના હુમલામાં એક ભારતીયનું મોત થયું છે.
ઇરાકના બસરા શહેર નજીક સમુદ્રમાં અમેરિકાના ઓઇલ ટેન્કર પર ઇરાને કરેલા હુમલામાં ભારતીયનું મોત થયું છે. ખાડી યુદ્ધમાં પહેલો ભારતીય મોતને ભેટયો છે. ઇરાનનું લશ્કર છેલ્લા કેટલાક સમયથી અખાતમાંથી પસાર થતાં કોમર્સિયલ શિપને પણ નિશાન બનાવી રહ્યું છે. ઇરાનના અવિરત હુમલાના લીધે ક્રૂડ ઓઇલ ફરીથી ૧૦૦ ડોલરને વટાવી ગયું છે. ઇરાને દુબઈના કાંઠે કન્ટેનર શિપ પર હુમલા કર્યા હતા. તેના પછી તેણે બહેરિનના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હુમલા કર્યા હતા.આ ઉપરાંત તેણે સાઉદીના મહત્ત્વના ઓઇલફિલ્ડને ડ્રોન વડે ટાર્ગેટ બનાવ્યું હતું. આ બધાના લીધે ઇરાકે તેના બંદર પરના બધા ઓઇલ ટર્મિનલો પરના કામકાજને અટકાવી દેવાની ફરજ પડી છે. ઇરાને આ ઉપરાંત યુએનમાં તેની સામે હુમલા બંધ કરવાના પસાર કરવામાં આવેલા ઠરાવને ખામીવાળો ગણાવ્યો હતો.
ઇરાનના હુમલાના લીધે જેરુસલેમમાં સાઇરનો વાગી હતી. ઇઝરાયેલ પણ ઇરાનના મિસાઇલ હુમલાથી ધણધણી ઉઠયુ હતુ. બીજી બાજુએ ઇઝરાયેલે લેબનોનમાં હીઝબુલ્લાહના ઠેકાણા પર કરેલા હુમલામાં ૧૧ના મોત થયા છે. ઇઝરાયેલ લેબનોનમાં છેક ૫૬ કિ.મી. સુધી અંદર જતુ રહ્યુ છે. તે છેક બૈરુત સુધી હુમલા કરી રહ્યુ છે. તેના લીધે લેબનોનની ૫૮ લાખની વસ્તીમાં આઠ લાખથી વધુ લોકો વિસ્થાપિત થઈ ગયા છે.હીઝબુલ્લાહે ઇઝરાયેલ પર કરેલા આખી રાત દરમિયાન રોકેટ હુમલા કર્યા હતા અને કુલ ૨૦૦થી પણ વધુ રોકેટ છોડયા હતા. તેના કારણે ઇઝરાયેલના લોકોની રાતની ઉંઘ હરામ થઈ ગઈ છે.
આ દરમિયાન અમેરિકા અને ઇઝરાયેલના હુમલાના કારણે ઇરાનની અંદર કુલ ૩૨ લાખથી પણ વધુ લોકો આંતરિક ધોરણે વિસ્થાપિત થઈ ગયા છે. તેમા પણ તહેરાન તો જાણે ખાલી જ થઈ ગયું છે. આખું શહેર જાણે ભૂતિયુ થઈ ગયું હોય તેમ લાગે છે. ઇરાન જાણે બીજું ગાઝા બનવા તરફ આગળ વધી રહ્યું હોય તેવી સ્થિતિ છે. અમેરિકાએ બી-ટુ સ્પિરિટ સ્ટીલ્થ બોમ્બર દ્વારા તહેરાન અને તેની આસપાસના વિસ્તારોમાં ઇરાનના અંડરગ્રાઉન્ડ મિસાઇલ કેન્દ્રા ભીષણ હુમલા કર્યા છે.ઇરાનમાં લગભગ ૨૦૦થી વધુ ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યું. ટ્રમ્પે જણાવ્યું હતુંકે ઇરાનમાં હવે નષ્ટ કરી શકાય તેવા બહુ ઓછાં લશ્કરી ઠેકાણા બચ્યા છે. તેથી યુદ્ધ ઝડપથી પૂરુ થઈ શકે છે.
ઇરાનના પ્રમુખ પેજેકિશ્યને જણાવ્યું છે ક ઇરાન ત્રણ શરતે યુદ્ધ બંધ કરવા તૈયાર છે. એક તો અમેરિકા ઇરાનને માન્યતા આપે. બીજું તેને થયેલા નુકસાનનું વળતર આપે અને ભવિષ્યમાં હુમલા ન કરવાની ખાતરી આપે.આ ત્રણ શરતનું પાલન થાય તો ઇરાન યુદ્ધ બંધ કરવા તૈયાર છે. હાલમાં હોર્મુઝની ખાડીમાં ફસાયેલા કેટલાય ટેન્કરો પોતે ચીનના ટેન્કરો હોવાનું જણાવીને ખાડી પાર કરવા પ્રયત્નશીલ છે.


