World

ચીની એઆઈ કંપનીઓની ઉઠાંતરી : એન્ટ્રોપિકના મોડલની નકલ કરી

By GS TEAM
26 Feb 20262 mins read
ચીની એઆઈ કંપનીઓની ઉઠાંતરી : એન્ટ્રોપિકના મોડલની નકલ કરી

- 'ડિસ્ટિલેશન એટેક' નામની ટેકનિકનો ઉપયોગ 

- એઆઈ મોડલને તૈયાર કરવાનો ખર્ચ ઊંચો હોવાથી ચીની કંપનીઓ જાણીતી કંપનીઓના ક્લોન બનાવે છે 

વોશિંગ્ટન : આટફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં વૈશ્વિક સ્પર્ધા વચ્ચે અમેરિકાની એઆઈ કંપની એન્ટ્રોપિકે ચીની એઆઈ કંપનીઓ પર તેના અદ્યતન મોડલની નકલ કરવાનો આરોપ લગાવ્યો છે. કંપનીએ દાવો કર્યો છે કે ચીની કંપનીઓ ડિસ્ટિલેશન એટેક તરીકે ઓળખાતી ટેકનિક દ્વારા તેના મોડલમાંથી મોટા પ્રમાણમાં જવાબો એકત્ર કરી નવા મોડલને ટ્રેનિંગ આપવાનો પ્રયાસ કરી રહી છે. રિપોર્ટ્સ મુજબ કંપનીએ તેના સિસ્ટમમાં અસામાન્ય ક્વેરીંગ પેટર્ન અને મોટા પ્રમાણમાં ડેટા એકત્ર થતું જણાતા આ મુદ્દે આંતરિક તપાસ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, એન્ટ્રોપિકના ઘણા મોડલ્સના કારણે વિશ્વભરના શેરબજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે, ચીની કંપનીઓની ઉઠાંતરીએ આઈટી કંપનીઓની ચિંતા વધારી છે. 

એઆઈ ક્ષેત્રમાં ડિસ્ટિલેશન સામાન્ય રીતે મોટી એઆઈ સિસ્ટમમાંથી નાના મોડલને તાલીમ આપવા માટે ઉપયોગમાં લેવાતી પ્રક્રિયા છે. જોકે એન્ટ્રોપિકનો આરોપ છે કે કેટલીક કંપનીઓ આ પદ્ધતિનો ઉપયોગ કરીને મોટા મોડલ જેવી ક્ષમતાવાળું ક્લોન તૈયાર કરી રહી છે. ટેક નિષ્ણાતોનું કહેવું છે કે આ પ્રક્રિયા સીધી ડેટા ચોરી નથી થતી. પરંતુ, મોડલને ટ્રેનિંગ આપવા માટે અન્ય મોડલની નકલ કરવામાં આવે છે. 

આ મામલો અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી ટેકનોલોજી સ્પર્ધા વચ્ચે મહત્ત્વનો બની ગયો છે. એઆઈ મોડલને ડેવલપ કરવાનો ખર્ચ ઊંચો  હોવાની સાથે તેને ટ્રેનિંગ આપવામાં વધુ સમય જતો હોવાના કારણે આવી ટેકનિકનો દુરુપયોગ કંપનીઓ વચ્ચે સ્પર્ધા વધારી શકે છે. જાણકારોના જણાવ્યા અનુસાર, આ વિવાદ એઆઈ નિયમન અંગે નવા પ્રશ્નો ઊભા કરે છે.