World

તુર્કીએ જ આપેલી રાહત સામગ્રી પાકિસ્તાને પેકિંગ બદલીને તુર્કીને પરત મોકલી દીધી

By GS Team
18 Feb 20232 mins read
This article was originally published on 18 Feb 2023
તુર્કીએ જ આપેલી રાહત સામગ્રી પાકિસ્તાને પેકિંગ બદલીને તુર્કીને પરત મોકલી દીધી

- ભૂકંપ પીડિત તુર્કી સાથે પાક.ની શરમજનક હરકત

- ગયા વર્ષે પૂર સમયે તુર્કીએ આ સામગ્રી મોકલી હતી, જેને ફરી તુર્કીને સહાયના નામે પરત મોકલાઇ : પત્રકારે પોલ ખોલી

- પાકે. તુર્કી મોકલેલા સામાન પર લખ્યું હતું 'તુર્કી કી તરફ સે મોહબ્બત કે સાથ..., ઉપર પાક. સરકારનો સિક્કો મારી દીધો

ઇસ્લામાબાદ : તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશકારી ભૂકંપમાં અત્યાર સુધીમાં ૪૫ હજારથી વધુ લોકો માર્યા ગયા છે. આ સ્થિતિ વચ્ચે ભારત સહિત અનેક દેશો તુર્કીને મદદ કરી રહ્યા છે અને રાહત સામગ્રી પણ મોકલી રહ્યા છે. તેમાં હવે પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે. જોકે પાકિસ્તાને નફ્ફટાઇની હદ પાર કરી દીધી હતી અને તુર્કીએ જે રાહત સામગ્રી પૂર સમયે પાક.ને મોકલી હતી તે જ હવે પરત તુર્કીને પકડાવી દેવામાં આવી છે. 

પાકિસ્તાનના વરીષ્ઠ પત્રકાર શાહિદ મંજૂરે એક સમાચાર ચેનલના પ્રોગ્રામમાં દાવો કર્યો હતો કે પાકિસ્તાન તરફથી તુર્કી મોકલવામાં આવેલી રાહત સામગ્રી એ જ છે કે જે તુર્કીએ પાકિસ્તાનમાં પૂર આવ્યું ત્યારે મોકલી હતી. 

તેના પર તુર્કીનો જ સંદેશો હતો જે તેણે પાકિસ્તાનના નાગરિકો માટે મોકલ્યો હતો. પત્રકારે એક ટીવી ચેનલ પર ચર્ચા વખતે આ ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તુર્કીએ પાક.ને પૂર સમયે જે રાહત સામગ્રી મોકલી હતી તેનુ પેકિંગ બદલીને પરત તુર્કી મોકલી દેવામાં આવી છે. 

જેના પર લખ્યું છે તુર્કી કી ઔર સે મોહમ્મત કે સાથ... કેટલી શરમજનક વાત કહેવાય કે પાકિસ્તાને તુર્કીને તેની જ રાહત સામગ્રી પકડાવી દીધી. 

પાકિસ્તાન તરફથી તુર્કીને જે રાહત સામગ્રી મોકલવામાં આવી છે તેમાં ૨૧ કંટેનર છે. જેમાં વિંટરાઇઝ્ડ ટેંટ, ચાદરો અને અન્ય જરૃરી વસ્તુઓનો સમાવેશ થાય છે. 

પાક.ના પત્રકારનો પાક.ની સરકારની પોલ ખોલતો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે અને તેની હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા થઇ રહી છે. જે સાથે જ પાકિસ્તાન સરકાર પણ શરમજનક સ્થિતિમાં મુકાઇ છે. જોકે તેમ છતા આ અંગે પાક. સરકાર તરફથી કોઇ જ સ્પષ્ટતા નથી કરવામાં આવી.