World

ઇરાન યુદ્ધનો અંત અમેરિકાની મિડ ટર્મ ચૂંટણી પછી આવી શકે

By GS Team
15 Sep 20263 mins read
TukuTouch Logo
આયરલેન્ડ પ્રવાસે ગયેલા અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ઈરાન યુદ્ધ નવેમ્બર સુધીમાં પૂરું થવાનો દાવો કર્યો છે. બીજીબાજુ, હુથી બળવાખોરોએ વધુ 2 ટાપુ કબજે કરી યમનની સરકારી સેનાને ભગાડી છે. સાઉદીના શહેરોમાં હુમલા કરતા સાઉદી પ્રિન્સ મદદ માટે ઈઝરાયેલ દોડ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇરાન યુદ્ધનો અંત અમેરિકાની મિડ ટર્મ ચૂંટણી પછી આવી શકે
  • આયરલેન્ડના પ્રવાસ દરમિયાન અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો ખાડી યુદ્ધ અંગેનો નવો દાવો
  • હુથીઓએ આગેકૂચ જારી રાખતા વધુ બે ટાપુ કબ્જે કર્યા, યમનની સરકારી સેનાની સતત પીછેહઠ : સાઉદીના શહેરોમાં હુમલા કરવા માંડતા પ્રિન્સ મદદ માટે ઇઝરાયેલ દોડયા

ઇસ્તંબુલ : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ઇરાન યુદ્ધ ખતમ થવા અંગે નવો જ દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે ઇરાન યુદ્ધનો અંત અમેરિકન મિડ ટર્મ ચૂંટણી દરમિયાન અથવા તો ત્યાર પછી એટલે કે નવેમ્બરના અંત સુધીમાં આવી શકે. જોકે, ટ્રમ્પના આ દાવાને ઈરાને ફગાવી દીધો હતો. તેમણે કહ્યું કે, અમેરિકાના નેતાઓ સ્થાનિક સમસ્યાઓથી લોકોનું ધ્યાન દોરવા યુદ્ધને ઢાલ બનાવી રહ્યા છે. બીજીબાજુ સાઉદી અરબ અને હુથી બળવાખોરો વચ્ચે યુદ્ધ વધારે ભયાનક બની રહ્યું છે.
તેની સાથે ટ્રમ્પે દાવો કર્યો હતો કે નવેમ્બરમાં આ યુદ્ધ પૂરુ થવાની સાથે ગેસોલિનના ભાવ રોકેટની ઝડપે નીચે ખાબકશે. અમેરિકામાં રવિવારે ગેસોલિનના ભાવ પ્રતિ બેરલ ૪.૩૧ ડોલર હતા, જે વર્ષ અગાઉના સમાન સમયગાળાના ૩.૧૯ ડોલરની તુલનાએ નોંધપાત્ર વધારો દર્શાવે છે, એમ અમેરિકન ઓટોમોબાઇલ એસોસિયેશન (એએએ)ના આંકડા જણાવે છે.
ટ્રમ્પે વધુ એક દાવો કર્યો હતો કે ઇરાનના નેતાઓ કરાર કરવા માટે તેમને સતત કોલ કરી રહ્યા છે, પણ મારુ વહીવટીતંત્ર ફક્ત અમને સાનુકૂળ હોય તેવો કરાર જ સ્વીકારશે. અમારા માટે અયોગ્ય હોય તેવું ડીલ અમે નહીં સ્વીકારીએ. આમ ટ્રમ્પના દાવાએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પાછી નવી જ વાત ચકડોળે ચઢાવી છે.
ઇરાનની સરકારી ન્યૂઝ એજન્સીએ ટ્રમ્પના દાવાને સંપૂર્ણપણે ફગાવી દીધો હતો. તેમનું કહેવું છે કે અમેરિકન નેતા ફક્ત અમારી સાથેના યુદ્ધના કારણે તેમને ત્યાં ઊભી થયેલી આર્થિક મુશ્કેલીને ટાળવા માટે લોકોને યુદ્ધ પૂરુ થવાનું આશ્વાસન આપી રહ્યા છે. ટ્રમ્પ સતત તે વાતનો પુનરોચ્ચાર કરી રહ્યા છે કે અમારા લશ્કરી પગલાંનો ધ્યેય ઇરાન પાસે પરમાણુ બોમ્બ ન હોવો જોઈએ તે છે અને અમે અત્યાર સુધી તેમા સફળ રહ્યા છીએ. અમે ઇરાનને એટલા વર્ષો પાછળ ધકેલી દીધું છે કે તે આગામી કેટલાક દાયકાઓ સુદી આ પ્રકારની ટેકનોલોજી હાંસલ કરવા માટે અને તેના પર કામ કરવા સમર્થ નથી. ઉલ્લેખનીય છે કે હાલમા ચાલતુ અમેરિકા-ઇરાન યુદ્ધ સાતમાં મહિનામાં પ્રવેશી ચૂક્યું છે. પાકિસ્તાને મક્કા કરાર હેઠળ હુથીઓ સામે લડવા માટે કોઈપણ રીતે તૈયારી ન બતાવ્યા બાદ સાઉદીએ હવે ઇઝરાયેલનું શરણું લીધું છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે સાઉદીએ હુથી બળવાખોરોની સામે મદદ કરવા માટે હવે ઇઝરાયેલ પાસે હાથ લંબાવ્યો છે. સાઉદી અરેબિયાએ અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ઇઝરાયેલને મદદનો અનુરોધ કર્યો છે. આ ઉપરાંત અન્ય હુથીઓને રોકવા અન્ય દેશોની પણ મદદ માંગી છે. હુથીઓએ હવે તેમના હુમલા સાઉદી અરેબિયાના દક્ષિણના શહેરો સુધી લંબાવતા સાઉદીએ તેના નાગરિકોને ચેતવણી જારી કરવી પડી છે.
બીજી બાજુએ હુથીઓ યમનની સરકારી સેનાને વેરવિખેર કરીને મોખા શહેરને કબ્જે કર્યા પછી આગેકૂચ કરી રહ્યા છે. હુથીઓએ ગ્રેટર અને લેસ હનીશ આઇલેન્ડ કરીને બાબ અલ મંડેબ તરફની તેમની કૂચને વધુ મજબૂત બનાવી છે. આગામી દિવસોમાં તે આ વિસ્તાર પર તેની પક્કડ મજબૂત બનાવશે તો આશ્ચર્ય નહી થાય. યમનમાં ઉત્તરમાં તો હુથીઓનો કબ્જો હતો જ, પરંતુ વે તે દક્ષિણ અને પશ્ચિમમાં પણ આગળ વધી રહ્યા છે. સાઉદીના ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રકચર પર હુમલા કરીને તેમણે યમનની સરકારી સેનાની આગેકૂચને ધીમી પાડી છે. કેટલાય સ્થળોએ તો સરકારી સેના વિખેરાઈ ગઈ છે. હુથીઓએ તેમના આક્રમણ યમનની સરકારી સેના પૂરતા જ મર્યાદિત ન રાખતા સાઉદીના દક્ષિણના શહેરો સુધી લંબાવ્યા છે. તેના લીધે સાઉદીએ ઇઝરાયેલ સહિત બીજા દેશો પાસે મદદ માંગવા દોડવું પડયું છે.