World

પુતિનના સૌથી વિશ્વસનીય 'સ્પાય' નો અંત? સર્ગેઈ ઈવાનોવના મોત અંગે ઘૂંટાતા રહસ્યો

By GS Team
27 Jun 20263 mins read
TukuTouch Logo
રશિયાના પૂર્વ સંરક્ષણ મંત્રી અને પુતિનના સંભવિત ઉત્તરાધિકારી સર્વેઈ ઈવાનોવનું 73 વર્ષની વયે રહસ્યમય સંજોગોમાં નિધન થયું છે. ક્રેમલિને શુક્રવારે તેમના મૃત્યુની સત્તાવાર જાહેરાત કરી, પરંતુ કારણ જણાવ્યું નથી. સોવિયેત જેમ્સ બોન્ડ તરીકે જાણીતા ઈવાનોવ KGBમાં પુતિનના સહયોગી હતા. તેમની રાજકીય કારકિર્દીમાં પુતિન સાથેની મિત્રતા નિર્ણાયક રહી. 2008માં તેઓ રાષ્ટ્રપતિ પદના પ્રબળ દાવેદાર હતા, પરંતુ પુતિને તેમને ટાળ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

પુતિનના સૌથી વિશ્વસનીય 'સ્પાય' નો અંત? સર્ગેઈ ઈવાનોવના મોત અંગે ઘૂંટાતા રહસ્યો

Sergei Ivanov Soviet James Bond Death Mystery : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ઉત્તરાધિકારી અને પૂર્વ સંરક્ષણ મંત્રી સર્વેઈ ઈવાનોવનું અવસાનને લઈને રહસ્યો પરથી પરદો ઉઠી રહ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ક્યારેક સંભવિત ઉત્તરાધિકારી માનવામાં આવતા અને દેશના પૂર્વ સંરક્ષણ મંત્રી સર્વેઈ ઈવાનોવનું 73 વર્ષની વયે અવસાન થયું છે. ક્રેમલિને (રશિયન રાષ્ટ્રપતિ ભવન) સત્તાવાર રીતે જણાવ્યું છે કે, ઈવાનોવનું મોત શુક્રવારે થયું હતું, પરંતુ તેમના મૃત્યુને લઈને કોઈ ચોક્કસ કારણ જાહેર કર્યુ નથી.ક્રેમલિન દ્વારા આ મામલે મૌન સેવવામાં આવતા સોશિયલ મીડિયા પર તેમના રહસ્યમય મોતને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

સોવિયેત રશિયાના 'જેમ્સ બોન્ડ' તરીકે જાણીતા હતા
પોતાના તીક્ષ્ણ મગજ અને કડક નજરના કારણે સોવિયેત રશિયાનું મીડિયા સર્વેઈ ઈવાનોવને 'સોવિયેત જેમ્સ બોન્ડ' કહીને બોલાવતું હતું. 1970ના દાયકાના અંતમાં તેઓ વ્લાદિમીર પુતિનને રશિયાની ગુપ્તચર એજન્સી KGBના અધિકારી તરીકે મળ્યા હતા. ત્યારથી બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી. વરિષ્ઠ પત્રકાર મિખાઈલ ઝીગરે તેમના પુસ્તક 'ઓલ ધ ક્રેમલિન મેન્સ'માં લખ્યું છે કે, 'તેઓ એક આદર્શ સોવિયેત જાસૂસ હતા, જેમને તમે ભીડમાં પણ અલગથી ઓળખી ન શકો. તેઓ 'ધ મેટ્રિક્સ' ફિલ્મના એજન્ટ સ્મિથ જેવા દેખાતા અને કામ કરતા હતા.'

કેરિયરમાં રોકેટ ગતિએ પ્રગતિ અને પુતિન સાથે દોસ્તી
ઈવાનોવના કેરિયર ગ્રાફમાં પુતિન સાથેની તેમની દોસ્તીનો મોટો હાથ રહ્યો હતો. બંનેએ સોવિયેત જાસૂસી કેન્દ્રોમાં સાથે કામ કર્યું હતું. પુતિન જ્યારે પૂર્વ જર્મનીમાં તૈનાત હતા, ત્યારે ઈવાનોવ ફિનલેન્ડ અને કેન્યામાં ઓપરેશન સંભાળતા હતા.

પુતિન અને ઈવાનોવની મુલાકાતનો ઘટનાક્રમ

1998: પુતિન જ્યારે રશિયન ગુપ્તચર એજન્સી FSBના પ્રમુખ બન્યા, ત્યારે તેમણે ઈવાનોવને પોતાના ડેપ્યુટી બનાવ્યા હતા.

2001: પુતિને રાષ્ટ્રપતિ બન્યા બાદ ઈવાનોવને રશિયાના સંરક્ષણ મંત્રી (Defense Minister) નિયુક્ત કર્યા. તેઓ 2007 સુધી આ પદ પર રહ્યા, અને ચેચન્યાના બીજા યુદ્ધ દરમિયાન અલગતાવાદીઓને કચડી નાખવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

રશિયાના શક્તિશાળી સુરક્ષા અધિકારીઓના જૂથ ‘સિલોવિકી’ (Siloviki)ના તેઓ સૌથી મોટો ચેહરો હતા.

રાષ્ટ્રપતિ પદના ઉત્તરાધિકારી બનતા બનતા રહી ગયા
વર્ષ 2008માં જ્યારે પુતિને બંધારણીય મર્યાદાના કારણે રાષ્ટ્રપતિ પદ છોડીને વડાપ્રધાન બનવાનું નક્કી કર્યું, ત્યારે ઈવાનોવને તેમના સૌથી પ્રબળ ઉત્તરાધિકારી માનવામાં આવતા હતા. જોકે, પુતિને છેલ્લી ઘડીએ ઈવાનોવના બદલે પોતાના અન્ય એક સહયોગી દિમિત્રી મેદવેદેવને રાષ્ટ્રપતિ પદ માટે પસંદ કર્યા, જેથી 2012માં પુતિન પોતે ફરીથી રાષ્ટ્રપતિ તરીકે વાપસી કરી શકે.

ઈવાનોવની મહત્વાકાંક્ષા અને પુતિનનો ડર?
રાજકીય વિશ્લેષકોના મતે, પુતિને ઈવાનોવનું નામ એટલા માટે નકારી કાઢ્યું હતું, કારણ કે ઈવાનોવ અત્યંત મહત્વાકાંક્ષી હતા. પુતિનને કદાચ એવો ડર હતો કે, જો ઈવાનોવ એકવાર રાષ્ટ્રપતિ બની જશે, તો તેઓ કાયમ માટે તે પદ પર કબજો જમાવી શકે છે.

ત્યારબાદ ઈવાનોવ 2007 થી 2011 સુધી ડેપ્યુટી પીએમ અને 2011 થી 2016 સુધી ક્રેમલિનના ચીફ ઓફ સ્ટાફ રહ્યા હતા. વર્ષ 2016માં તેમને પર્યાવરણ અને પરિવહન માટેના વિશેષ દૂત બનાવવામાં આવ્યા, જેને રાજકીય વર્તુળોમાં એક 'સન્માનજનક નિવૃત્તિ' તરીકે જોવામાં આવતું હતું. આ વર્ષની શરૂઆતમાં જ તેમણે આ પદ પણ છોડી દીધું હતું. ઉલ્લેખનીય છે કે, યુક્રેન પર રશિયાના સૈન્ય એક્શનના કારણે અમેરિકા અને યુરોપિયન યુનિયને ઈવાનોવ પર પણ પ્રતિબંધો લગાવ્યા હતા.