World

બાયડન વહીવટી તંત્ર પાકિસ્તાનને 450 મિલિયન ડૉલરના શસ્ત્રો આપશે

By GS Team
8 Sep 20222 mins read
This article was originally published on 8 Sep 2022
બાયડન વહીવટી તંત્ર પાકિસ્તાનને 450 મિલિયન ડૉલરના શસ્ત્રો આપશે

- પાક. તદ્દન ચીન તરફે ન વળે તેનો દાવ

- કરારો નીચે પાક.ને F/16 ફાયટર જેટ્સનો કાફલો અપાશે : ત્રાસવાદ સામે લડવા આ સહાય કરાતી હોવાનો યુ.એસ.નો દાવો

વૉશિંગ્ટન : પોતાની પુરોગામી સરકારોના પાકિસ્તાનને શસ્ત્રો નહી આપવાનો નિર્ણય ફેરવી નાખતા બાયડન વહીવટી તંત્રે ડોલર ૪૫૦ મિલિયન (૪૫ કરોડ)ની શસ્ત્ર સહાય આપવા નિર્ણય લીધો છે જેમાં મુખ્યત્વે કરીને અમેરિકાના ખતરનાક તેવા F/16 ફાયટર જેટસનો સમાવેશ થાય છે. આ સંબંધે અમેરિકી કોંગ્રેેેસે પ્રસિદ્ધ કરેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, આ ૪૫૦ મિલિયન ડૉલરની સહાય તેને ત્રાસવાદ સામે લડવામાં મદદરૂપ થાય તે માટે કરવામાં આવનાર છે તે માટે 'ધી ડિફેન્સ સિક્યુરીટી કો-ઓપરેશન એજન્સીએ' જરૂરી પ્રમાણપત્ર પણ બુધવારે આપી દીધું છે.

તે સર્વવિદિત છે કે ડૉનાલ્ડ ટ્રમ્પે ૨૦૧૮માં જાહેર કર્યું હતું કે, પાકિસ્તાનનેેે દરેક પ્રકારની લશ્કરી સહાય બંધ કરવામાં આવશે કારણ કે ત્રાસવાદ સામેના યુદ્ધમાં પાકિસ્તાન સહભાગી રહ્યું નથી. ટ્રમ્પ વહીવટી તંત્રના આ નિર્ણયને બાયડન વહીવટી તંત્રે ઉલટાવી નાખ્યો છે.

અમેરિકી કોંગ્રેસે પ્રસિદ્ધ કરેલા આ જાહેરનામામાં કહેવાયું છે કે, આ સૂચિત વેચાણમાં કોઈ નવી ક્ષમતા, શસ્ત્રો કે શસ્ત્ર સરંજામ સમાવિષ્ટ નથી. વાસ્તવમાં પાકિસ્તાને જ તેને મળેલા F/16ની કાર્યક્ષમતા સદ્ધર કરવા તથા તેના વિમાનદળને મજબૂત કરવા વધુ  F/16 ની માગણી કરી હતી. જેને પેન્ટાગોને પણ યોગ્ય ઠરાવી હતી. આથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

તેઓ જે કહે તે પરંતુ નિરીક્ષકોનું તો તેવું સ્પષ્ટ મંતવ્ય રહ્યું છે કે, પાકિસ્તાન શસ્ત્ર સહાય માટે સીધું જ ચીનના ખોળામાં બેસી ન જાય તે હેતુથી અમેરિકાને આ નિર્ણય લેવો પડયો છે. નિરીક્ષકો તેમ પણ પૂછે છે કે, ત્રાસવાદ ડામવા માટે F/16 વિમાનો જેવા ખૂબ ઊંચે ઉડી શકતા વિમાનોની જરૂર જ શી છે ? તે પર્વતોમાં છૂપાયેલા ત્રાસવાદીઓ સામે કઈ રીતે કામ આવી શકે ? બીજો ખૂબ મહત્ત્વનો મુદ્દો એ છે કે ચીન સામે ટક્કર લેવા રચાયેલા 'ક્વોડ'ના જ એક સભ્ય ભારતના તે (F/16) સોદા અંગે શા પ્રત્યાઘાતો હશે તે વિચારવું જ રહ્યું, જે વિચારાયું નથી.