અમેરિકામાં 1960નો નિયમ બદલાશે: વર્ષમાં 2 વાર ઘડિયાળ બદલવાની ઝંઝટમાંથી મુક્તિ, વિરોધ કેમ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US House Passes Daylight Saving Time Permanent Bill 2026 : અમેરિકામાં વારંવાર ઘડિયાળના કાંટા બદલવાની ઝંઝટનો અંત આવશે? ડે-લાઇટ સેવિંગ ટાઇમને કાયમી કરવા સંસદમાં બિલ પાસ યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે ‘સનશાઇન પ્રોટેક્શન એક્ટ’ને આપી મંજૂરી: દર વર્ષે બે વાર સમય બદલવાની પ્રથા બંધ થશે, હવે સેનેટમાં જશે બિલ
1960 થી ચાલે છે આ નિયમ
અમેરિકામાં 1960ના દાયકાથી ચાલી આવતી અને દર વર્ષે બે વાર ઘડિયાળના કાંટા બદલવાની (આગળ-પાછળ કરવાની) પરંપરાગત પ્રથા હવે કાયમ માટે બંધ થઈ શકે છે. અમેરિકી સંસદના નીચલા ગૃહ ‘હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ’ (House of Representatives) માં મંગળવારે ડે-લાઇટ સેવિંગ ટાઇમ (Daylight Saving Time - DST) ને કાયમી કરવા માટેનું એક મહત્વપૂર્ણ બિલ બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે. સંસદમાં આ બિલની તરફેણમાં 308 અને વિરોધમાં 117 મતો પડ્યા હતા. હાઉસમાંથી મંજૂરી મળ્યા બાદ હવે આ બિલને અંતિમ મંજૂરી માટે સેનેટમાં મોકલવામાં આવ્યું છે.
શું બદલાશે આ કાયદો આવવાથી?
જો આ બિલ કાયદાનું સ્વરૂપ લેશે, તો અમેરિકનોએ દર વર્ષે નવેમ્બરમાં ઘડિયાળના કાંટા પાછળ કરીને ‘સ્ટાન્ડર્ડ ટાઇમ’ પર પાછા ફરવું નહીં પડે. જો કે, જે રાજ્યો હાલમાં પણ ડે-લાઇટ સેવિંગ ટાઇમનું પાલન કરતા નથી અથવા જેમણે કાયદો બદલાતા પહેલા કાયમી ધોરણે સ્ટાન્ડર્ડ ટાઇમ અપનાવવાની તરફેણમાં મતદાન કર્યું છે, તેઓ આ કાયદામાંથી બહાર રહેવાનો (Opt-Out) વિકલ્પ પસંદ કરી શકશે. ઉલ્લેખનીય છે કે હવાઈ અને એરિઝોના જેવા રાજ્યો હાલમાં પણ ડે-લાઇટ સેવિંગ ટાઇમ પાળતા નથી.
બિલના સમર્થકો અને વિરોધીઓની દલીલો
આ કાયદાને લઈને અમેરિકામાં લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે, જેના પક્ષ અને વિપક્ષમાં અલગ અલગ દલીલો થઈ રહી છે:
સમર્થકોની દલીલ: વર્ષમાં બે વાર સમય બદલવાથી લોકોની ઊંઘ પર માઠી અસર થાય છે, જેના કારણે કામના સ્થળે ઈજાઓ અને માર્ગ અકસ્માતો વધે છે. જો આખા વર્ષ દરમિયાન ઘડિયાળને એક કલાક આગળ રાખવામાં આવે, તો શિયાળાના મહિનાઓમાં સાંજે વધુ સમય સુધી સૂર્યપ્રકાશ (અજવાળું) મળી રહેશે, જે આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપશે.
વિરોધીઓની દલીલ: રિપબ્લિકન સેનેટર ટોમ કોટન સહિતના ટીકાકારોનું કહેવું છે કે, આ ફેરફારને કારણે શિયાળાની સવારે સૂર્યોદય એક કલાક મોડો થશે. પરિણામે, શિયાળાની કડકડતી ઠંડીમાં શાળાએ જતાં બાળકો, બાંધકામ કામદારો અને ખેડૂતોને અંધારામાં જ કામે નીકળવું પડશે. કેટલીક જગ્યાએ તો સવારે 9 વાગ્યા સુધી સૂર્ય ઊગશે જ નહીં.
રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું મજબૂત સમર્થન
રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર ઘડિયાળ બદલવાની આ પ્રથાનો અંત લાવવાની હિમાયત કરી છે અને આ બિલને પોતાનું મજબૂત સમર્થન આપ્યું છે. વ્હાઇટ હાઉસ દ્વારા જણાવાયું છે કે, આ નિર્ણયથી સમયનો બગાડ, હાડમારી અને ઘડિયાળો બદલવા પાછળ થતો મોટો ખર્ચ બચશે, જેનાથી અમેરિકનોને દર વર્ષે કરોડો ડોલરનું મૂલ્ય બચાવવામાં મદદ મળશે.
એવિએશન સેક્ટરે વ્યક્ત કરી ચિંતા
અમેરિકાની અગ્રણી એરલાઇન્સનું પ્રતિનિધિત્વ કરતા જૂથ 'એરલાઇન્સ ફોર અમેરિકા' એ આ બિલ સામે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે સમય બદલવાના આ નિર્ણયની એવિએશન સેક્ટર (વિમાની સેવાઓ) પર મોટી અસર પડશે. મુસાફરોની અવરજવર, ક્રૂ મેમ્બર્સ અને એરક્રાફ્ટના પોઝિશનિંગ તેમજ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી ખોરવાઈ શકે છે, તેથી આ વૈશ્વિક ગૂંચવણોને ધ્યાનમાં રાખીને અમલીકરણ માટે યોગ્ય સમયરેખા આપવી જરૂરી છે.
અગાઉ 1974માં પણ ઉર્જાનો વપરાશ ઘટાડવા માટે આવો કાયદો લવાયો હતો, પરંતુ ત્યારે તે ભારે અપ્રિય સાબિત થતાં સંસદે તે જ વર્ષે તેને રદ કરવો પડ્યો હતો. જો કે, ડેમોક્રેટિક પ્રતિનિધિ ફ્રેન્ક પલોનનું કહેવું છે કે હવે લોકોની કામ કરવાની આદતો બદલાઈ ગઈ છે અને ખૂબ ઓછા બાળકો ચાલીને શાળાએ જાય છે, તેથી હવે ઘડિયાળના કાંટા આગળ-પાછળ કરવાની આ પ્રથાનો અંત લાવવાનો યોગ્ય સમય આવી ગયો છે.









