World

અમેરિકામાં ભયાનક હીટવેવ : 250મા સ્વતંત્રતા દિવસની અનેક ઊજવણીઓ રદ

By GS Team
5 Jul 20262 mins read
TukuTouch Logo
અમેરિકામાં 250મા સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો. વોશિંગ્ટન ડીસીમાં 45 ડિગ્રી અને ન્યૂયોર્કમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું. હીટવેવને કારણે અનેક ઉજવણીઓ રદ કરાઈ, પરંતુ વોશિંગ્ટન ડીસીના નેશનલ મોલમાં ભવ્ય ફાયરવર્ક શો યોજાશે. શો પહેલાં પ્રમુખ ટ્રમ્પ રાષ્ટ્રજોગ સંબોધન કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકામાં ભયાનક હીટવેવ : 250મા સ્વતંત્રતા દિવસની અનેક ઊજવણીઓ રદ

વોશિંગ્ટન ડીસીમાં આજે ભવ્ય ફાયરવર્ક શો
વોશિંગ્ટન ડીસીમાં 45 ડિગ્રી, ન્યૂયોર્ક સિટીમાં 41 ડિગ્રી તાપમાન નેશનલ મોલમાં ગ્રેટ અમેરિકન સ્ટેટ ફેર આંશિક બંધ કરાયો
વોશિંગ્ટન ડીસીના નેશનલ મોલમાં ફાયર વર્ક શો પહેલાં પ્રમુખ ટ્રમ્પ રાષ્ટ્રજોગ સંબોધન કરશે

વોશિંગ્ટન : યુરોપ પછી હવે અમેરિકામાં કાળઝાળ ગરમીએ ભારે કેર વર્તાવ્યો છે. અમેરિકાના પૂર્વીય કાંઠાના રાજ્યોમાં ભયાનક હીટવેવના કારણે ગ્રેટ અમેરિકન સ્ટેટ ફેર આંશિક રીતે બંધ કરવો પડયો છે જ્યારે સમગ્ર પ્રદેશમાં અનેક જગ્યાઓ પર ૨૫૦મા સ્વતંત્રતા દિવસની ઊજવણીઓ રદ કરવી પડી છે. જોકે, આ વર્ષે વોશિંગ્ટન ડીસીમાં વિશ્વનો સૌથી મોટો ફાયરવર્ક શો સ્વતંત્રતા દિવસની ઊજવણીનું મુખ્ય કેન્દ્ર રહેશે. નેશનલ મોલ પર થનારા આ શોમાં કોઈ ફેરફાર નહીં કરાયો હોવાનું સૂત્રોનું કહેવું છે.
અમેરિકામાં શનિવારે ૨૫૦મા સ્વતંત્રતા દિવસની ઊજવણી થઈ રહી છે ત્યારે કાળઝાળ ગરમીમાં શેકાઈ રહેલા લોકો રાજકીય ગરમી પણ અનુભવી રહ્યા છે. નેશનલ વેધર સર્વિસના જણાવ્યા મુજબ સ્વતંત્રતા દિવસે અંદાજે ૧૬ કરોડ અમેરિકનો ભયાનક હીટવેવની અસરનો સામનો કરી રહ્યા છે.
વોશિંગ્ટન ડીસીમાં સ્વતંત્રતા દિવસે તાપમાન ૧૧૩ ડિગ્રી ફેરનહીટ (૪૫ ડિગ્રી સે.) થવાની આગાહી કરાઈ છે. વોશિંગ્ટન ડિસીમાં ૨૨ સ્થળો પર વિક્રમી તાપમાન નોંધાયું હતું. ન્યૂયોર્ક સિટીમાં પણ શુક્રવારે તાપમાન ૧૦૫ ડિગ્રી ફેરનહીટ (૪૧ ડિગ્રી સે.) નોંધાયું હતું, પરંતુ લોકોને ૧૧૫ ડિગ્રી ફેરનહીટ જેટલી ગરમી અનુભવાઈ હતી. વોશિંગ્ટન ડીસીમાં ગરમીના કારણે અનેક સ્થળો પર સ્વતંત્રતા દિવસની ઊજવણી રદ કરી દેવાઈ છે, પરંતુ નેશનલ મોલ પર ઐતિહાસિક ફાયરવર્ક શોનું આયોજન રદ કરાયું નથી. આ ફાયરવર્ક પહેલાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્ર જોગ સંબોધન કરશે. જોકે, ગરમીના કારણે નેશનલ મોલમાં પ્રમુખ ટ્રમ્પના અમેરિકન ગ્રેટ અમેરિકન સ્ટેટ ફેરને બપોરે થોડાક કલાકો માટે બંધ કરી દેવાયો હતો.
બીજીબાજુ ગરમીના કારણે લીસબર્ગ, વર્જિનિયા તેમજ લૌરેલ અને મેરિલેન્ડ ખાતે ટકોમા પાર્કમાં સ્વતંત્રતા દિવસની પરેડ રદ કરી દેવાઈ હતી. ન્યૂયોર્ક સિટીમાં ૧૦૫ ડિગ્રી ફેરનહીટ તાપમાનના કારણે મેયર ઝોહરાન મમદાનીએ અચાનક વીજળીની માગ વધવાથી અનપેક્ષિત વીજલોડના પડકારને પહોંચી વળવા ન્યૂયોર્કવાસીઓને વીજ વપરાશ ઘટાડવા માટે હાકલ કરી હતી. તેમની આ હાકલની રિપબ્લિકનોએ મજાક ઊડાવી હતી.
ન્યૂયોર્કના યુટિલિટી પ્રોવાઈડર કોન એડિસને કહ્યું કે, તેમના કર્મચારીઓએ હીટવેવના કારણે આઉટેજનો સામનો કરનારા ૬૦,૦૦૦ રહેવાસીઓની વીજળી રીસ્ટોર કરી છે. જોકે, ન્યૂયોર્ક સિટી અને પરાંમાં ૨૨,૦૦૦થી વધુ લોકોએ વીજળી વિના રહેવું પડયું હતું.