Bangladesh and India News : બાંગ્લાદેશમાં લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય અસ્થિરતાનો અંત આવ્યો છે અને સત્તા પરિવર્તનની તસવીર હવે સ્પષ્ટ થઈ ગઈ છે. બીએનપી (BNP) નેતા તારિક રહેમાન 17 ફેબ્રુઆરીના રોજ બાંગ્લાદેશના વડાપ્રધાન તરીકે શપથ લેશે. આ કાર્યક્રમને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વ આપવા માટે ભારત અને પાકિસ્તાન સહિત 13 દેશોના પ્રમુખોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
કયા દેશોને મળ્યું આમંત્રણ?
બાંગ્લાદેશની નવી સરકાર પ્રાદેશિક સંતુલન જાળવવા માંગતી હોય તેમ જણાય છે. આમંત્રણ મેળવનારા દેશોમાં ભારત, ચીન, સાઉદી અરેબિયા, પાકિસ્તાન, તૂર્કિયે, સંયુક્ત આરબ અમીરાત (UAE), કતાર, મલેશિયા, બ્રુનેઈ, શ્રીલંકા, નેપાળ, માલદીવ અને ભુતાનનો સમાવેશ થાય છે. ખાસ કરીને ભારત અને ચીન બંનેને એકસાથે બોલાવવા પાછળ નવી સરકારની સંતુલિત વિદેશ નીતિનો સંકેત માનવામાં આવે છે.
ચૂંટણી પરિણામો અને સત્તાનું સમીકરણ
તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં કુલ 299 બેઠકોમાંથી તારિક રહેમાનની પાર્ટી બીએનપી (BNP) એ 209 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે, જ્યારે તેમના સાથી પક્ષ જમાત ગઠબંધનને 68 બેઠકો મળી છે. આ બહુમતી સાથે તારિક રહેમાન હવે દેશની કમાન સંભાળશે. તેમના માટે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવી અને આંતરરાષ્ટ્રીય સંબંધો મજબૂત કરવા એ મુખ્ય પડકાર રહેશે.
કોણ છે તારિક રહેમાન?
60 વર્ષીય તારિક રહેમાન બાંગ્લાદેશના પ્રભાવશાળી 'ઝિયા પરિવાર' માંથી આવે છે. તેમના પિતા ઝિયાઉર રહેમાન બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ હતા અને 1978માં તેમણે જ BNP ની સ્થાપના કરી હતી, જેમની 1981માં હત્યા કરવામાં આવી હતી. તારિકની માતા ખાલિદા ઝિયા બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા. ખાલિદા ઝિયાના નિધનના થોડા સપ્તાહો બાદ જ તારિકને પાર્ટીના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. તારિક રહેમાન લાંબો સમય દેશની બહાર રહ્યા હતા અને ભ્રષ્ટાચાર જેવા અનેક આરોપો અને વિવાદોનો સામનો કર્યા બાદ આખરે તેઓ દેશના સર્વોચ્ચ પદ પર પહોંચ્યા છે.


