ઇરાનને સાથ આપવો ભારતને ભારે પડશેઃ ટ્રમ્પની ધમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- તાસ્કંદમાં પીએમ મોદી ઇરાનના પ્રમુખને મળતાં અમેરિકા ધૂંઆપૂંઆ
- ઇરાન દરિયામાં વિસ્ફોટક સુરંગો પાથરી શકે તેવું રોકેટ બનાવવાની તૈયારીમાં હોવાનો ટ્રમ્પનો અનોખો દાવો
- અમેરિકા ઇરાન સાથેનું યુદ્ધ હજુ એક વર્ષ સુધી લંબાવવાની ફિરાકમાં હોવાના અહેવાલ
દુબઈ : શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ)ની શિખર પરિષદમાં ઇરાનના પ્રમુખ પેજેકિશ્યનને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળ્યા તે અમેરિકાને જરા પણ પસંદ આવ્યું નથી. અમેરિકા તેના લીધે એટલું અકળાઈ ગયું છે કે તેણે ભારતને ધમકી આપી છે કે જો કોઈ દેશ ઇરાનની સાથે કારોબાર કરવાનો પ્રયત્ન કરે છે તો અમેરિકા તેના પર પણ પ્રતિબંધ લાદશે.
આમ અમેરિકાની ધમકીના પગલે ભારતની સ્વતંત્ર વિદેશ નીતિની આકરી પરીક્ષા છે. ભારતની હાલમાં બધાને રાજી રાખવાની અને એકદમ ચુસ્ત સંતુલન જાળવવાની નીતિ ભયમાં મૂકાઈ છે. અમેરિકન ટીવી શોમાં વિદેશપ્રધાન માર્કો રૂબિયોએ જણાવ્યું હતું કે તેમને લાગતું નથી કે ભારત અને ઇરાન વચ્ચે હાલમાં કોઈ વેપાર કરાર થઈ રહ્યો હોય. તેમણે સ્વીકાર્યુ કે ભારત સાર્વભૌમ દેશ છે અને તેને પોતાની વિદેશ નીતિ નક્કી કરવાનો તથા ઇરાન સાથે રાજકીય સંબંધ જાળવી રાખવાનો અધિકાર છે, પરંતુ ઇરાનને મદદ કરવાનો પ્રયત્ન કરવામાં ન આવે.
આ પહેલા એસસીઓ સમિટમાં બિશ્કેકમાં થયેલી મુલાકાતમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇરાનના પ્રમુખ મસૂદ પેજેકિશ્યને ભારત અને ઇરાન વચ્ચે સહયોગ વધારવા પર ચર્ચા કરી હતી. બંને નેતાઓએ પશ્ચિમ એશિયામાં જારી તનાવ વચ્ચે દરિયાઈ વેપાર, ખલાસીઓની સુરક્ષા અને જહાજોના આવાગમનના મુદ્દે વાતચીત કરી હતી.
પીએમ મોદીએ બેઠક પછી સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે બિશ્કેકમાં ઇરાનના પ્રમુખ મસુદ પેજેકિશ્યન સાથે વાતચીત થઈ. ઇરાનની સાથે ભારતની જૂની મિત્રતાને જુદાં-જુદા ક્ષેત્રમાં વધુ મજબૂત કરવાના સંકલ્પનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો. અમે આગામી સમયમાં દ્વિપક્ષીય કારોબારના કાર્યક્ષેત્રને વિસ્તારીને તેમા વિવિધતા લાવવા ઇચ્છીએ છીએ. અમે વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી હતી. ભારત શાંતિ સુનિશ્ચિત કરવાના બધા પ્રયત્નોનું સમર્થન જારી રાખશે.
અમેરિકા ઇરાન સાથેનું યુદ્ધ આગામી વર્ષે ખેંચવા માટે તૈયાર છે. અમેરિકાએ ૨૦૨૭ સુધી આ યુદ્ધ ખેંચવાની તૈયારી આદરી દીધી છે. વોલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલ મુજબ અમેરિકન સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથે મધ્યપૂર્વમાં અમેરિકન લશ્કરની ગોઠવણી ૨૦૨૭ સુધી લંબાવી દીધી છે. તેનાથી સંકેત મળી રહ્યો છે કે ઇરાન સાથેનો સંઘર્ષ આગામી વર્ષ સુધી ખેંચાઈ શકે છે. આ અહેવાલમાં જણાવાયું છે કે અમેરિકા તેના ૫૦ હજાર સૈનિકો મધ્યપૂર્વમાં રાખશે. આ ઉપરાંત ૧૯ યુદ્ધજહાજ, એર ડિફેન્સ યુનિટ, લડાયક વિમાન સ્કવોડ્રન અને પેરાટ્રુપર્સ પણ ગોઠવી રાખ્યા છે. આમ ટ્રમ્પ ઇરાન સામે લાંબા સમય સુધી લશ્કરી વિકલ્પ ખુલ્લો રાખવા માંગે છે.
આ દરમિયાન અમેરિકાએ ઇરાન પર સળંગ બીજા દિવસે કરેલા હુમલામાં કુલ ૧૮ના મોત થયા હતા અને ૧૦૮થી પણ વધુ લોકો ઘાયલ થયા હતા. અમેરિકન લશ્કરે મંગળવારે મોડી રાત સુધી ઇરાનના સિરિક, ખુજાકસ્તાન, કેશમ દ્વીપ અને બંદર અબ્બાસ સહિત કેટલાય વિસ્તારોને નિશાન બનાવ્યા હતા.
ટ્રમ્પે જણાવ્યું હતું કે જરૂર પડી તો અમેરિકા ઇરાન પર વધુ એક ભીષણ હુમલો કરવા તૈયાર છે. જો કે તેમણે જણાવ્યું હતું કે ઇરાન સામેનું હાલનું અભિયાન લાંબા સમય સુધી નહીં ચાલે. ટ્રમ્પે દાવો કર્યો કે ઇરાન પોતાના રાડાર અને મિસાઇલ પ્રણાલિઓને ફરીથી તૈયાર કરવાનો પ્રયત્ન કરી રહ્યુ હતુ. ઇરાન એક એવું રોકેટ બનાવવાની ફિરાકમાં હતું જે વિસ્ફોટક સુરંગ દરિયામાં પાથરી શકે. અમે આ રોકેટ નષ્ટ કરી દીધું. ટ્રમ્પે જણાવ્યું હતું હોર્મુઝની ખાડીનું નામ પણ હવે ટ્રમ્પની ખાડી રાખી દેવું જોઈએ.
ઇરાને અમેરિકાના હુમલાના જવાબમાં કુવૈતમાં આવેલા અમેરિકાના લશ્કરી મથકો પર ગુરુવારે હુમલા કર્યા હતા. જો કે કુવૈતની એર ડિફેન્સે ઇરાનના મિસાઇલ અને ડ્રોન હુમલાને આંતર્યા હતા. આ ઉપરાંત બહેરીન અને જોર્ડનની પણ એર ડિફેન્સ સિસ્ટમ્સે ઇરાનના હવાઈ હુમલાને બુધવારે ખાળ્યા હતા. આ ઉપરાંત હોર્મુઝમાં ગયા સપ્તાહે કુલ ૧૦૨ જહાજો પસાર થયા હતા. અગાઉના સપ્તાહે ૧૨૬ જહાજ પસાર થયા હતા. જ્યારે યુદ્ધ પહેલા પ્રતિ દિન ૧૩૦ જહાજ પસાર થતા હતા. છેલ્લા એક મહિનામાં હોર્મુઝમાંથી પ્રતિ દિન ૫૦ લાખ બેરલ ઓઇલનો પુરવઠો બજારમાં ઠલવાયો. જ્યારે યુદ્ધ પહેલાના સામાન્ય સંજોગોમાં પ્રતિ દિન ૧.૫૦ કરોડ બેરલ ઓઇલનો પુરવઠો બજારમાં ઠલવાતો હતો.




