- આગામી ચૂંટણીમાં BNPનો અશ્વ આગળ દોડી રહ્યો છે, ભારત વિરોધી સમૂહોની અસર મર્યાદિત દેખાઈ રહી છે
ઢાકા : બાંગ્લાદેશમાં ચૂંટણી બે દિવસ જ દૂર છે સાથે રાજકીય ગતિવિધિ વિદ્યુત વેગી બની રહી છે. ચૂંટણી પહેલાં યોજાયેલા એક સર્વેમાં જાણી શકાય છે કે દેશની રાજનીતિ કેવો વળાંક લઇ રહી છે. ભાવિ વડાપ્રધાન કોણ બનશે ?
સ્પષ્ટ છે કે અત્યારે સ્પર્ધા બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી) અને જમાત એ ઇસ્લામીકનાં નેતૃત્વ નીચેનાં ગઠબંધન વચ્ચે છે. સર્વે જણાવે છે કે બીએનપીનો અશ્વ આ વખતે સૌથી આગળ છે. જો અત્યારે જ ચૂંટણી થાય તો બીએનપી અને તેના સાથીદળોને સંસદમાં બહુમતી મળવાની પૂરી સંભાવના છે.
બીએનપી ઘણા સમયથી સત્તામાં પાછા ફરવાનો પ્રયત્ન કરી રહી છે. પાર્ટીના વરિષ્ટ નેતા તારિક રહેમાનને વડાપ્રધાન પદના દાવેદાર માનવામાં આવે છે. તો બીજી તરફ ભારત વિરોધી જૂથ જમાત-એ-ઇસ્લામી અને તેના પક્ષોનાં બનેલાં જૂથની અસર ઘટી રહી છે. આ એક મહત્ત્વનો ચૂંટણી મુદ્દો બની રહ્યો છે. તે ઉપરાંત વધુ ધ્યાન તો મોંઘવારી બેકારી, શિક્ષણ અને દેશની આર્થિક સ્થિતિનો છે. કટ્ટરપંથી વિચારધારા એક તરફ મુકાઈ રહી છે. તેથી તે કટ્ટરપંથી જૂથને સમર્થન મળવાની સંભાવના ઘણી ઓછી છે.
સર્વેમાં તેમ પણ જાણવા મળ્યું છે કે યુવા મતદારો આ ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. યુવા વર્ગ રોજગારીની તકો વધુ સારૂં ભવિષ્ય અને રાજકીય સ્થિરતા ઇચ્છે છે તેઓ પારંપારિક રાજકારણથી દૂર ખસી વ્યવહારિક મુદ્દાઓ ઉપર મત આપવા માગે છે.
નિરીક્ષકો કહે છે કે આ ચૂંટણીની અસર માત્ર ઘરેલુ રાજનીતિ પૂરતી જ સીમિત નહીં રહે પરંતુ તેની અસર ભારત બાંગ્લાદેશ સંબંધો અને સમગ્ર દક્ષિણ એશિયાનાં રાજકારણ ઉપર પણ પડશે. સરવાળે ચૂંટણીના બે દિવસ પૂર્વે જ આવેલ આ સર્વે દર્શાવે છે કે સત્તાની રેસમાં બી.એન.પી.નો અશ્વ આગળ છે. ભારત-વિરોધી જૂથોની પકડ પહેલાં જેવી મજબૂત રહી નથી.


