થાઇલૅન્ડમાં 145, ઈન્ડોનેશિયામાં 94, શ્રીલંકામાં 56ના મોત: પૂર-વાવાઝોડાના કારણે ત્રાહિમામ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

South East Asia Devastated by Cyclones and Floods: સાઉથ ઈસ્ટ એશિયાના કેટલાક દેશોમાં છેલ્લા કેટલાય દિવસથી કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. વાવાઝોડા, ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. આજે જ દિતવાહ વાવાઝોડાએ શ્રીલંકામાં 56 લોકોનો ભોગ લીધો છે અને વાવાઝોડું હવે દક્ષિણ ભારત તરફ આગળ વધી રહ્યું છે. બીજી તરફ ઈન્ડોનેશિયા અને થાઇલૅન્ડમાં પણ પૂરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. થાઇલૅન્ડમાં પૂરના કારણે અત્યાર સુધી 145 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ઈન્ડોનેશિયામાં સેન્યાર વાવાઝોડા સાથે આવેલા અતિ ભારે વરસાદ અને પૂરના કારણે મૃત્યુઆંક વધીને 90ને પાર થઈ ગયો છે. આ સિવાય મલેશિયા અને વિયેતનામના અનેક વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદની સિસ્ટમ સક્રિય થતા પૂરપ્રકોપ છે.
થાઇલૅન્ડમાં અતિ ભારે વરસાદ અને પૂરના કારણે 145 મોત
થાઇલૅન્ડના સોંગખલા વિસ્તારમાં પૂર આવતા ઘર, હોટેલ, ઑફિસો બધું જ ડૂબી ગયું છે. છેલ્લા એક સપ્તાહથી આવેલી કુદરતી આફતમાં અત્યાર સુધી 145 લોકોએ જીવ ગુમાવ્યા છે. થાઇલૅન્ડમાં આવતા મહિને જ સાઉથ ઈસ્ટ એશિયન ગેમ્સ ટુર્નામેન્ટનું આયોજન થવાનું છે. એવામાં પૂરના કારણે 11 રમતો માટેની ઈવેન્ટના સ્થળ બદલવાની નોબત આવી છે. પૂરના કારણે કુલ 35 લાખ લોકો પ્રભાવિત થયા છે.
ઈન્ડોનેશિયામાં સેન્યાર વાવાઝોડાની તબાહી, 94 મોત
ઈન્ડોનેશિયાના નોર્થ સુમાત્રા અને વેસ્ટ સુમાત્રામાં સેન્યાર વાવાઝોડાના કારણે અતિભારે વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાઈ જતાં લોકોને બોટ બેસાડીને બચાવવામાં આવ્યા હતા. પાણી ભરાઈ જતાં ઈન્ડોનેશિયાના હજારો પરિવારોએ ઘર છોડવું પડ્યું છે. પૂરના કારણે હજુ કેટલાય લોકો ગુમ થયા હોવાના પણ અહેવાલ છે. ઈન્ડોનેશિયાના પ્રમુખે પૂર પીડિતોને રાહત સામગ્રી પહોંચાડવા આદેશ આપ્યા છે. પૂરના કારણે લોકોના ઘર અને વાહનો સંપૂર્ણ પાણીમાં ડૂબી ગયા છે. વચ્ચે વચ્ચે ભૂસ્ખલન પણ થતાં હોવાથી રેસ્ક્યૂ ઓપરેશનમાં પણ અડચણ આવી રહી છે. સુમાત્રાના Padang Pariaman વિસ્તારમાં 1 મીટર સુધી પાણી ભરાઈ જતાં 22 લોકોના મોત થયા હતા. દેશમાં કુલ 94 લોકોએ કુદરતી આફતમાં જીવ ગુમાવ્યા છે.
સેન્યાર વાવાઝોડાનું મલેશિયામાં લેન્ડફોલ, 2ના મોત
બીજી તરફ સેન્યાર વાવાઝોડાએ મલેશિયામાં લૅન્ડફોલ કર્યું છે, જેમાં બે લોકોના મોત પુષ્ટિ થઈ છે. 30 હજારથી વધુ લોકોને શેલ્ટર હોમમાં રખાયા છે. મલેશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તેમના 1459 નાગરિકો પૂરના કારણે થાઇલૅન્ડની વિવિધ હોટલોમાં ફસાઈ ગયા હતા. જેમને બચાવવામાં આવ્યા છે, હજુ 300 નાગરિકોને બચાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
શ્રીલંકામાં વાવાઝોડાના કારણે 56ના મોત
બીજી તરફ, દિતવાહ વાવાઝોડાએ ભારતના પડોશી દેશ શ્રીલંકામાં વિનાશ વેર્યો છે. આ વાવાઝોડાના કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. વાવાઝોડાની અસર ભારત પર થાય તે પહેલા શ્રીલંકામાં ભારે પવન સાથે વરસાદના કારણે 56 લોકોના મોત થયા છે. જ્યારે 20થી વધુ લોકો હજુ પણ ગુમ છે. હવામાન ખાતાને આશંકા છે કે આગામી 12 કલાકમાં આ વાવાઝોડું હજુ પણ શક્તિશાળી થઈ શકે છે. ઠેર ઠેર પાણી ભરાઈ જતાં ફસાયેલા લોકોને બચાવ કાર્ય કરવામાં આવ્યું છે. શ્રીલંકાને માનવીય મદદ પહોંચાડવા માટે ભારતે ઓપરેશન સાગર બંધુ શરૂ કર્યું છે, જે અંતર્ગત શ્રીલંકાના લોકોને તમામ જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે.
શ્રીલંકામાં ઠેર ઠેર તારાજીના દૃશ્યો
શ્રીલંકામાં વાવાઝોડાના કારણે સ્ટોક માર્કેટ પણ વહેલું બંધ કરી દેવાની નોબત આવી છે. ખરાબ વાતાવરણના કારણે કોલમ્બોની પાંચ ફ્લાઈટ ભારતના તિરુવનંતપુરમ ડાયવર્ટ કરવામાં આવી છે. વાવાઝોડાના કારણે શ્રીલંકામાં ઠેર ઠેર વરસાદ તો વરસી જ રહ્યો છે પણ સાથે સાથે ભૂસ્ખલન પણ થઈ રહ્યા છે. સમગ્ર શ્રીલંકામાં શાળા કૉલેજો બંધ કરવાના આદેશ અપાયા છે. રેલવે સેવા સ્થગિત કરી દેવામાં આવી છે. લોકોને શાળા અને પબ્લિક શેલ્ટર્સમાં આશરો આપવામાં આવી રહ્યો છે.
દક્ષિણ ભારત પર પણ વાવાઝોડાની અસરનો ખતરો
વાવાઝોડું હવે ભારત તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે તમિલનાડુમાં આગામી પહેલી ડિસેમ્બર સુધી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તમિલનાડુ માટે ખાસ કરીને 29 અને 30 નવેમ્બર એમ 48 કલાકનો સમય સૌથી મોટો ખતરો રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર વાવાઝોડું રવિવારે સવારે દક્ષિણ ભારતના દરિયાકાંઠે પહોંચશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તથા ખેડૂતોને પણ પાક નુકસાની ન થાય તે માટે વ્યવસ્થા કરવા કહેવાયું છે. ભારે પવન સાથે વરસાદ આવે ત્યારે વીજળીના થાંભલા, વૃક્ષ નીચે ઊભા ન રહેવા લોકોને ચેતવણી આપવામાં આવી છે.








