3 દેશોના ક્રૂ સભ્યોને લઈ જતું જહાજ સમુદ્રમાં રહસ્યમય રીતે ગુમ, 22 લોકો લાપતા, ભારતીય તટરક્ષક દળનું સર્ચ ઓપરેશન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

MV Ocean Winner Ship Sunk : ઓડિશાના પારાદીપ બંદરથી આશરે 240 નોટિકલ માઈલ દૂર ઊંડા સમુદ્રમાં ડૂબી ગયેલા માલવાહક જહાજ 'એમવી ઓશિયન વિનર' ને લઈને રહસ્ય વધુ ઘેરું બન્યું છે. આ જહાજ પર કુલ 24 ક્રૂ સભ્યો સવાર હતા, જેમાં 20 ચીની, 3 મ્યાનમાર અને 1 બાંગ્લાદેશી નાગરિક સામેલ હતા. તેમાંથી 2 લોકોને સુરક્ષિત બચાવી લેવાયા હતા, પરંતુ બાકીના 22 લોકોનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી. શોધખોળ દરમિયાન જહાજની એક લાઈફબોટ મળી આવી હતી, પરંતુ તે અંદરથી સાવ ખાલી નીકળતા નિરાશા સાંપડી હતી. તેમ છતાં બચાવ એજન્સીઓએ ઓપરેશન ચાલુ રાખ્યું છે અને ભારતીય તટરક્ષક દળે અન્ય વહાણો તેમજ આસપાસથી પસાર થતા મર્ચન્ટ જહાજોની મદદ લઈને સર્ચ ઓપરેશનનો વ્યાપ વધાર્યો છે.
ઈમરજન્સી બીકનથી સર્ચ ઓપરેશનને મળી નવી દિશા
લાપતા ક્રૂ સભ્યોની શોધ દરમિયાન તટરક્ષક દળનું જહાજ ICGS વરાડ સતત દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યું હતું. આ દરમિયાન હવાઈ સર્વેલન્સ કરી રહેલા નૌકાદળના વિમાનને એક ઈમરજન્સી ડિસ્ટ્રેસ સિગ્નલ મળ્યો હતો. તેના આધારે તપાસ કરતા કોસ્ટ ગાર્ડના જહાજને એક ઈમરજન્સી બીકન મળી આવ્યું હતું, જે ડૂબેલા જહાજ 'એમવી ઓશિયન વિનર' સાથે જોડાયેલું હોવાની પુષ્ટિ થઈ હતી. આ સંકેત મળ્યા બાદ તે વિસ્તારમાં શોધખોળ વધુ તેજ કરવામાં આવી હતી.
દરિયામાંથી લાઈફબોટ મળી પણ અંદર કોઈ નહોતું
25 ઓગસ્ટની સવારે આશરે 7 વાગ્યે સર્ચ એરિયામાં ડૂબેલા જહાજની એક લાઈફબોટ તરતી જોવા મળી હતી. કોસ્ટ ગાર્ડની ટીમે તાત્કાલિક લાઈફબોટ સુધી પહોંચીને તપાસ કરી હતી, પરંતુ તેમાં કોઈ પણ વ્યક્તિ મળી ન હતી. લાઈફબોટ ત્યાં કેવી રીતે પહોંચી અને ક્રૂ સભ્યો તેનાથી અલગ કેવી રીતે થઈ ગયા તે હજુ સ્પષ્ટ થયું નથી. હાલ ભારતીય એજન્સીઓ બીજિંગ સ્થિત મેરીટાઇમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર (MRCC) ના સંપર્કમાં રહીને સંયુક્ત રીતે કામ કરી રહી છે.
સમુદ્રમાં મોટા પાયે બચાવ અભિયાન ચાલુ
આ જહાજના ઓપરેટર 'વિક્ટરી સ્ટાર ગ્રુપ' દ્વારા મદદ માંગવામાં આવ્યા બાદ MRCC એ આંતરરાષ્ટ્રીય સર્ચ એન્ડ રેસ્ક્યુ નેટવર્ક સક્રિય કર્યું હતું. નજીકમાંથી પસાર થઈ રહેલા મર્ચન્ટ જહાજ MT AISOPOS ને બચાવ કાર્ય માટે વાળવામાં આવ્યું હતું, જેણે રાત્રે આશરે 8 વાગ્યે બે અલગ-અલગ લાઈફરાફ્ટમાંથી બે ક્રૂ સભ્યોને જીવતા બચાવી લીધા હતા. ભારતીય તટરક્ષક દળે આ મિશનમાં પોતાના જહાજો વરાડ, અનમોલ અને શ્રી વિજય પુરમથી ICGS વિજિતને તૈનાત કર્યા છે. ખરાબ હવામાન અને વિશાળ દરિયાઈ વિસ્તાર વચ્ચે લાપતા 22 સભ્યોને શોધવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો ચાલી રહ્યા છે.




