ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરશે શેખ હસીના, કહ્યું- ભલે મારી નાંખે હું વતન પાછી જઈશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sheikh Hasina Announces Return To Bangladesh : બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ નિર્વાસનના લગભગ દોઢ વર્ષ બાદ પહેલીવાર પોતાની સંભવિત વાપસી અંગે ખુલીને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, તેઓ અને તેમની પાર્ટી અવામી લીગના ઘણા નેતાઓ આ જ વર્ષે ડિસેમ્બર મહિનાની આસપાસ સ્વેચ્છાએ બાંગ્લાદેશ પરત ફરવાની તૈયારી કરી રહ્યા છે. હસીનાનું કહેવું છે કે, દેશમાં પહોંચતા જ, જો તેમની ધરપકડ કરવામાં આવશે, તો તેઓ તેનો સામનો કરશે, અને અદાલત સમક્ષ આત્મસમર્પણ(સરેન્ડર) કરશે. 78 વર્ષીય શેખ હસીનાએ જણાવ્યું કે, તેમને આ વાતનો પૂરો અંદાજ છે કે, બાંગ્લાદેશ પરત ફરવા પર તેમને જેલમાં મોકલી શકાય છે, એટલું જ નહીં, પરંતુ તેમના જીવને પણ જોખમ થઈ શકે છે. આમ છતાં તેમણે સ્પષ્ટ કર્યું કે, તેઓ પોતાના દેશમાં પાછા જવા માંગે છે.
'ધરપકડ કે મોત… બંને માટે તૈયાર છું'
શેખ હસીનાએ વધુમાં કહ્યું કે, હવે ભલે તેમની ધરપકડ કરી લેવામાં આવે કે, પછી તેમને જાનથી મારી નાખવામાં આવે, તેઓ પોતાના વતન જઈને જ રહેશે. તેમણે કહ્યું કે, જો મોત પણ આવે તો તે તેમની જન્મભૂમિ પર આવે, જ્યાં તેમના માતા-પિતાની કબર છે, અને જ્યાં તેમના પરિવારે સૌથી મોટું બલિદાન આપ્યું હતું. તેમના જણાવ્યા મુજબ, વર્તમાન સમયમાં અવામી લીગના નેતાઓ અને કાર્યકરો પર સતત દબાણ કરવામાં આવી રહ્યું છે, અને તેમણે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ઢાકા સરકાર સાથે નથી થઈ કોઈ વાતચીત
પૂર્વ વડાપ્રધાન ઉમેર્યું કે, તેમની પ્રસ્તાવિત વાપસીને લઈને અત્યાર સુધી ઢાકાની વર્તમાન સરકાર કે, કોઈ સરકારી એજન્સી સાથે કોઈ ઔપચારિક વાતચીત થઈ નથી. આમ છતાં તેઓ નક્કી કરેલા સમયે પરત ફરવાના પોતાના નિર્ણય પર અડગ છે.
માનવતા વિરુદ્ધના ગુનાના કેસમાં મળી છે મોતની સજા
શેખ હસીનાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે થોડા મહિના પહેલા બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલે 2024ના વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હિંસા સાથે જોડાયેલા કેસમાં તેમને માનવતા વિરુદ્ધના ગુનાના દોષિત ઠેરવીને મોતની સજા ફટકારી હતી. કોર્ટનું કહેવું હતું કે, સરકાર દ્વારા પ્રદર્શનકારીઓ પર થયેલી કાર્યવાહી માટે હસીના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જવાબદાર હતા, અને તેઓ હિંસા રોકવામાં નિષ્ફળ રહ્યા હતા. આ જ કેસમાં પૂર્વ ગૃહમંત્રી અસદુજ્જમાન ખાન કમાલને પણ ફાંસીની સજા ફટકારવામાં આવી છે, જ્યારે તત્કાલીન પોલીસ મહાનિરીક્ષક ચૌધરી અબ્દુલ્લા અલ-મામુનને 5 વર્ષની કેદની સજા આપવામાં આવી છે. ટ્રિબ્યુનલે હસીના અને કમાલની સંપત્તિ જપ્ત કરવાનો પણ આદેશ આપ્યો હતો.
2024ના આંદોલન બાદ છોડવો પડ્યો હતો દેશ
ઑગસ્ટ 2024માં વિદ્યાર્થીઓની આગેવાની હેઠળના વ્યાપક વિરોધ પ્રદર્શનો બાદ, શેખ હસીનાની સરકાર સત્તામાંથી બહાર થઈ ગઈ હતી. સ્થિતિ બગડ્યા પછી, તેઓ બાંગ્લાદેશ છોડીને ભારત આવી ગયા હતા, અને ત્યારથી નિર્વાસિત જીવન જીવી રહ્યા છે. હવે તેમની આ જાહેરાત બાંગ્લાદેશના રાજકારણમાં ફરી એકવાર નવી હલચલ પેદા કરી શકે છે.









