સરકારે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો તો હવે ટ્રિકથી એપ્સ ચલાવી રહ્યા છે બાળકો! કંપનીઓ પર દંડ વધારાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Australia social media ban: બાળકોમાં સોશિયલ મીડિયાનું વળગણ એટલી હદે વધી ગયું છે કે તેઓ સરકારના કડક કાયદાઓને પણ ઘોળીને પી રહ્યા છે. હાલમાં ઓસ્ટ્રેલિયામાંથી પણ આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બાળકોને ડિજિટલ દુનિયાના જોખમોથી સુરક્ષિત રાખવા માટે ઓસ્ટ્રેલિયા સરકારે 6 મહિના અગાઉ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનો એક મોટો નિર્ણય લીધો હતો. આમ છતાં, ટેકનોલોજીના જાણકાર બાળકોએ આ નિયમોમાંથી પણ છટકબારી શોધી કાઢી છે. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે સરકારે સોશિયલ મીડિયા કંપનીઓ સામે કડક વલણ અપનાવ્યું છે અને નિયમોનો ભંગ કરનારી કંપનીઓ પર લાગતા દંડની રકમ બમણી કરવાની જાહેરાત કરી છે.
મોટી ટેક કંપનીઓ પર લાગશે ₹823 કરોડથી વધુનો દંડ
સોશિયલ મીડિયા બેનના નિયમોમાં કરાયેલા ફેરફાર મુજબ, જો કોઈ કંપની પોતાના પ્લેટફોર્મ પર 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને એકાઉન્ટ બનાવતા રોકવામાં નિષ્ફળ જશે, તો તેના પર ભારે દંડ વસૂલવામાં આવશે. આ મહત્તમ દંડની રકમ 4.95 કરોડ ઓસ્ટ્રેલિયન ડોલરથી વધારીને હવે 9.9 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર (એટલે કે આશરે ₹823 કરોડથી વધુ) કરી દેવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, 'અમે ઉંમરની મર્યાદાનો જે નિયમ બનાવ્યો તેની દુનિયાભરમાં ચર્ચા થઈ, પરંતુ મોટી ટેક કંપનીઓ તેનું પાલન કરવા માટે પૂરતા પગલાં નથી ઉઠાવી રહી. આજે પણ ઘણા બાળકો સોશિયલ મીડિયા પર સક્રિય છે.'
ફેક સેલ્ફી અને ખોટી ઉંમર બતાવીને કાયદાની મજાક ઉડાવી
સરકારની આ કડકાઈ પાછળ તાજેતરમાં સામે આવેલો એક ચોંકાવનારો રિપોર્ટ છે. બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત એક સંશોધન અનુસાર, પ્રતિબંધ લાગુ થયાના ત્રણ મહિના પછી પણ 12થી 15 વર્ષના 85% ઓસ્ટ્રેલિયન બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. આ રિપોર્ટમાં સામે આવ્યું છે કે બે તૃતીયાંશ બાળકોએ કાં તો ખોટી ઉંમર બતાવીને અથવા તો ફેક સેલ્ફી અપલોડ કરીને એજ વેરિફિકેશન સિસ્ટમને સરળતાથી છેતરી દીધી છે. એટલું જ નહીં, કેટલાય કિસ્સામાં તો કંપનીઓએ બાળકો પાસે ઉંમરનો કોઈ પુરાવો પણ માંગ્યો ન હતો.
વિશ્વના 5 મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ રડાર પર
હાલમાં ઓસ્ટ્રેલિયાની ઇન્ટરનેટ રેગ્યુલેટર સંસ્થા 'ઈ-સેફ્ટી કમિશનર' દુનિયાના 5 સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની ઝીણવટભરી તપાસ કરી રહી છે, જેમાં ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, યૂટ્યૂબ, સ્નેપચેટ અને ટિકટોકનો સમાવેશ થાય છે. સરકારે હવે આ રેગ્યુલેટરની શક્તિઓ પણ વધારી દીધી છે, જેથી તેઓ એપ સ્ટોર્સ અને થર્ડ-પાર્ટી વેરિફિકેશન ટૂલ્સ પ્રોવાઈડર્સ પાસેથી પણ પુરાવા માંગી શકે કે તેમણે બાળકોને રોકવા માટે વાસ્તવમાં શું કામ કર્યું છે. જોકે, રાહતની વાત એ છે કે આ કાયદો આવ્યા પછી અત્યાર સુધીમાં 16 વર્ષથી ઓછી ઉંમરના 50 લાખથી વધુ એકાઉન્ટ્સને બ્લોક અથવા રિસ્ટ્રિક્ટ કરવામાં આવ્યા છે.








